સ્પોટિફાય યુઝર્સ માટે ચેટજીપીટી બનશે હવે પર્સનલ DJ, જાણો કેવી રીતે…
ChatGPT as DJ for Spotify: OpenAI ની ચેટજીપીટીનો સમાવેશ હવે સ્પોટિફાયમાં કરવામાં આવ્યો છે. એની મદદથી ચેટજીપીટી યુઝર્સ માટે પર્સનલ DJ બની શકે છે. યુઝર્સ સોંગ, આર્ટિસ્ટ, પ્લેલિસ્ટ અને પોડકાસ્ટ વગેરેની રિક્વેસ્ટ ચેટજીપીટી સાથે વાતચીત કરતાં કરતાં કરી શકે છે. આ ફીચર ફ્રી અને પ્રીમિયમ બન્ને યુઝર્સ માટે છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે ચેટજીપીટી અને સ્પોટિફાયના એકાઉન્ટને લિંક કરવાના હશે.
કેવી રીતે કરશો લિંક?
સ્પોટિફાય અને ચેટજીપીટીને લિંક કરવા માટે ચેટજીપીટીમાં Spotify ને મેન્શન કરવાનું રહેશે. ત્યાર બાદ આ કમાન્ડ એક કનેક્શન રિક્વેસ્ટ મોકલશે અને એને અપ્રૂવ કર્યા બાદ બન્ને પ્લેટફોર્મ એકમેક સાથે કનેક્ટ થઈ જશે.
મ્યુઝિક રિકમેન્ડેશન કેવી રીતે મળશે?
એક વાર એકાઉન્ટ લિંક થઈ ગયા બાદ યુઝર્સને મ્યુઝિક અથવા તો પોડકાસ્ટનું કન્ટેન્ટ રિક્વેસ્ટ કરતાં મળી જશે. ઉદાહરણ તરીકે યુઝર્સ કમાન્ડ આપી શકશે કે મારા સવારના વર્કઆઉટ માટે બેસ્ટ બોલીવૂડ સોંગ પ્લે કરવું. આ રીતે કમાન્ડ આપવાથી સ્પોટિફાયમાં ઓટોમેટિક સોંગ શરૂ થઈ જશે. આ સાથે જ કોઈ ચોક્કસ વિષય પર વાતચાલી રહી હોય અને એ માટે કોઈ સોંગ જોઈતું હોય તો એ વિશે પૂછતાં પણ ચેટજીપીટી સોંગ સજેસ્ટ કરી દેશે. કોઈ પ્લેલિસ્ટ બનાવવું હોય તો એ પણ બનાવી શકાશે. ઉદાહરણ તરીકે રોડ ટ્રિપ પર જવું હોય તો ચેટજીપીટીને કમાન્ડ આપવાનો રહેશે કે મારા માટે સ્પોટિફાય પર ડ્રાઇવિંગ પ્લેલિસ્ટ તૈયાર કર. આ કહેવામાં આવતાં જ ચેટજીપીટી લિસ્ટ બનાવીને આપી દેશે.
પ્રીમિયમ અને ફ્રી યુઝર્સ વચ્ચે તફાવત
સ્પોટિફાયમાં ચેટજીપીટીનો સમાવેશ કરવાથી યુઝર્સ જે પ્રકારના સોંગ સાંભળે છે એ રીતના સોંગ પણ તેમને સજેસ્ટ કરવામાં આવશે. ફ્રી યુઝર્સ પોપ્યુલર પ્લેલિસ્ટ જેવા કે ડિસ્કવર વીકલી અથવા તો ન્યૂ મ્યુઝિક ફ્રાઇડે જેવા પ્લેલિસ્ટનો ઉપયોગ કરી શકશે. પ્રીમિયમ યુઝર્સ માટે એકદમ પર્સનલાઇઝ એક્સેસ આપવામાં આવશે. એમાં યુઝર્સ પોતાની જરૂરિયાત અનુસાર પ્લેલિસ્ટ બનાવી શકશે. આ ફીચરની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે યુઝર ચેટજીપીટી સાથે તેમની ઇચ્છા અનુસાર કનેક્ટ અને ડિસકનેક્ટ કરી શકે છે. આ માટે યુઝર્સે જે પણ સોંગ સાંભળ્યા છે એની સાથે કોઈ છેડછાડ નહીં થાય.
કેટલી ભાષાને સપોર્ટ છે?
ચેટજીપીટીમાં સ્પોટિફાયને ઇન્ટિગ્રેટ કરવા માટે હાલમાં ઇંગ્લિશ ભાષા ઉપલબ્ધ છે. લગભગ 145 દેશમાં એને મોબાઇલ અને વેબ પ્લેટફોર્મ પર કનેક્ટ કરી શકાશે. દુનિયાભરમાં આ ફીચરને રિલીઝ કરવામાં આવતાં OpenAI ને ખૂબ જ ફાયદો થયો છે. ચેટજીપીટીનો ઉપયોગ કરનારા યુઝર્સ હવે તેમની ચેટમાંથી બહાર નીકળ્યા વગર સોંગ પ્લે કરી શકશે.
કઈ કઈ અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે?
ચેટજીપીટીમાં સ્પોટિફાયની સાથે Booking.com, Canva, Coursera, Figma, Expedia અને Zillow એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે. આ વર્ષના અંત સુધીમાં એમાં ઘણાં અન્ય પાર્ટનરનો પણ સમાવેશ કરવામાં આવશે.