Get The App

રેડિયોએક્ટિવ શિંગડાં: ગેંડાનો શિકાર અટકાવવા દક્ષિણ આફ્રિકાનો ઈનોવેટિવ પ્રોજેક્ટ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
રેડિયોએક્ટિવ શિંગડાં: ગેંડાનો શિકાર અટકાવવા દક્ષિણ આફ્રિકાનો ઈનોવેટિવ પ્રોજેક્ટ 1 - image


RadioAcrive Horns: દક્ષિણ આફ્રિકા દ્વારા હાલમાં જ ગેંડાનો શિકાર થતો અટકાવવા માટે એક અદ્ભુત પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ જોકે થોડો ખતરનાક પણ છે. ન્યુક્લિયર સાયન્સ અને વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશને સાથે મળીને પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એમાં ગેંડાના શિંગડાંમાં રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ દાખલ કરવામાં આવશે, જેથી તેનો શિકાર થતો અટકાવી શકાય. યુનિવર્સિટી ઓફ ધ વિટવોટર્સરેન્ડના વિજ્ઞાનીઓ અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથે મળીને આ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી છે. આ સ્ટ્રેટેજીની મદદથી ગેંડાના શિંગડાંને ઇન્ટરનેશનલ બોર્ડર પર શોધી કાઢવામાં આવશે અને એથી જ એની સ્મગલિંગ પણ અટકી જશે.

દુનિયાના સૌથી વધુ ગેંડા દક્ષિણ આફ્રિકામાં

દક્ષિણ આફ્રિકામાં અંદાજે 16000 ગેંડા છે. દુનિયામાં આ સૌથી વધુ ગેંડા ધરાવતો દેશ છે. ત્યાં વ્હાઇટ અને બ્લેક બન્ને ગેંડા છે. જોકે બ્લેક ગેંડાની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે અને તેમની પ્રજાતિ બહુ જલદી ખતરામાં આવી શકે છે. આમ છતાં ગેંડાનો શિકાર ખૂબ જ વધી રહ્યો છે. સાઉથ આફ્રિકન મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ્રીના કહ્યા અનુસાર એક વર્ષમાં 500 જેટલા ગેંડાનો શિકાર કરવામાં આવે છે. આ ગેંડાના શિકાર બાદ એને એશિયામાં સ્મગલિંગ કરવામાં આવે છે. ઘણાં લોકોને એવી ગેરસમજ છે કે ગેંડાના શિંગડાંમાં દવા માટેના કેટલાક પદાર્થ હોય છે. તેમ જ ઘણાં લોકો એક લક્ઝરી વસ્તુ તરીકે શિંગડાંને તેમના ઘરમાં રાખે છે.

શિકાર અટકાવવા પાછળનું વિજ્ઞાન

આ પ્રોજેક્ટને The Rhisotope Project નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ છ વર્ષ માટેનો છે અને એ પાછળ 2.53 કરોડ રૂપિયાનો ખર્ચ છે. એમાં ગેંડાના શિંગડાંમાં ખૂબ જ નાની માત્રામાં રેડિયોએક્ટિવ મટિરિયલ નાખવામાં આવશે. આ આઇસોટોપ પ્રાણીઓને નુકસાન નહીં કરે એવા હશે. જોકે પોર્ટ્સ, એરપોર્ટ અને બોર્ડર ક્રોસિંગ માટે જે રેડિયેશન મોનિટર છે એમાં તે પકડાઈ જશે. આ પ્રોજેક્ટના ચીફ સાયન્ટિફિક ઓફિસર પ્રોફેસર જેમ્સ લાર્કિન કહે છે, ‘અમે અમારા સાયન્ટિફિક ડાઉટની પરે જઈને ચેક કરી લીધું છે કે આ પ્રોસેસ પ્રાણીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. આમ છતાં ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ન્યુક્લિયર સિક્યોરિટી સિસ્ટમમાં એને પકડી શકાય એવી છે.’

યુનેસ્કોના વોટરબર્ગ બાયોસ્ફિયરમાં 20 ગેંડા પર પહેલાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્લડ ટેસ્ટ અને સેલ્યુલર એનાલિસિસ પરથી જાણવા મળ્યું છે કે તેમના પર એની કોઈ અસર નથી થઈ. આથી આ પ્રોસેસ ગેંડા માટે એકદમ સુરક્ષિત સાબિત થઈ છે.

રેડિયોએક્ટિવ શિંગડાં: ગેંડાનો શિકાર અટકાવવા દક્ષિણ આફ્રિકાનો ઈનોવેટિવ પ્રોજેક્ટ 2 - image
AI Image

બ્લેક માર્કેટ પર થશે અસર

આ રેડિયોએક્ટિવ મનુષ્યની હેલ્થ માટે પણ સુરક્ષિત છે. તેમના પર પણ કોઈ અસર નહીં કરે. જોકે એ ફક્ત સિક્યોરિટી ચેકમાં આવી જશે. 40 ફૂટ અંદર શિપિંગ કન્ટેનરમાં પણ જો એને છુપાડવામાં આવ્યું હશે તો એ પકડાઈ જશે. કસ્ટમ ઓફિશિયલ પાસે હાલમાં જે ન્યુક્લિયર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની મદદથી જ તેઓ શિંગડાંની સ્મગલિંગને અટકાવી શકે છે. આથી શિંગડાં જે બ્લેક માર્કેટમાં વેંચાય છે એના પર એની ખૂબ જ અસર જોવા મળશે. આ પ્રોજેક્ટની હેડ જેસિકા બેબિચ કહે છે, ‘આફ્રિકાની આઇકોનિક પ્રજાતિ જે હાલમાં ખૂબ જ મોટા ખતરામાં છે એને પ્રોટેક્ટ કરવું એ અમારા મિશનનું લક્ષ્ય છે. એની મદદથી અમે ગેંડાને તો બચાવી શકીશું, પરંતુ કુદરતની એક અદ્ભુત પ્રજાતિને પણ સાચવી શકીશું.’

સેવિંગ ધ વાઇલ્ડના ડિરેક્ટર અને કન્સર્વેશનિસ્ટ જેમી જોસેફ કહે છે, ‘આ પ્રોજેક્ટની મદદથી દેશમાંથી બહાર જતાં ગેંડાના શિંગડાંને અટકાવી શકાશે. તેમ જ જો કોઈ પકડાયું તો એની પાસેથી એ ચેનલ કેવી રીતે કામ કરે છે એની પણ માહિતી મેળવી શકાશે.’

આ પણ વાંચો: ચીનની સ્નેચિંગ નેટ ટેકનોલોજી: વિશ્વ માટે ખતરો કેમ?, જાણો વિગત...

શિકાર અટકાવવા માટે અન્ય કોશિશ પણ ચાલુ રહેશે

આ પ્રોજેક્ટ દક્ષિણ આફ્રિકા માટે એક પાવરફૂલ ટૂલ સાબિત થઈ શકે છે. જોકે એમ છતાં દક્ષિણ આફ્રિકા દ્વારા શિકાર અટકાવવા માટે અન્ય પગલાં પણ ચાલુ રાખવામાં આવશે. આ માટે કડક કાયદા, એનો અમલ અને પોલિટિકલ પાર્ટી પણ એને સપોર્ટ કરે એ ખૂબ જ જરૂરી છે. રેડિયોએક્ટિવને લઈને શિકારી હવે તેમની રીત બદલી શકે છે. આથી દક્ષિણ આફ્રિકા દ્વારા દરેક માટે તૈયાર રહેવું પડશે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના ડિરેક્ટર જનરલ રફાયેલ મરિઆનો ગ્રોસી કહે છે, ‘આ પ્રોજેક્ટ દેખાડે છે કે દુનિયાભરમાં જે પણ ચેલેન્જ છે એનો સામનો કરવા માટે ન્યુક્લિયર સાયન્સ અને ન્યુક્લિયર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે મદદરૂપ થઈ શકે છે.’

Tags :