Get The App

ચીનની સ્નેચિંગ નેટ ટેકનોલોજી: વિશ્વ માટે ખતરો કેમ?, જાણો વિગત...

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
ચીનની સ્નેચિંગ નેટ ટેકનોલોજી: વિશ્વ માટે ખતરો કેમ?, જાણો વિગત... 1 - image
AI Image

China Satellite Snatching Tool: ચીનની સેટેલાઇટ સ્નેચિંગ નેટ ટેકનોલોજીનો ઉપયોગ તેઓ મિલિટરી માટે કરી શકતા હોવાથી દુનિયાભરમાં એ ચિંતાનો વિષય બન્યો છે. ચીનના એરોસ્પેસ એન્જિનિયર્સ દ્વારા એક કોમ્પેક્ટ સેટેલાઇટ સ્નેચિંગ નેટ ટેકનોલોજી બનાવી છે. આ ટેકનોલોજીમાં ગનપાવડરનો ઉપયોગ થાય છે. એની મદદથી સ્પેસમાં રહેલા ડેબ્રિસને પોતાની તરફ ખેંચીને પકડી શકાય છે. આ ટેકનોલોજીને કારણે દરેક દેશ ચિંતામાં છે કે ચીન દ્વારા આ ટેકનોલોજી કેમ બનાવવામાં આવી. આ ટેકનોલોજી બનાવનાર એન્જિનિયર્સ કહી રહ્યાં છે કે સેટેલાઇટનો કચરો અને રોકેટના નાના-નાના ટૂકડા સ્પેસમાં ન છૂટી જાય અને કચરો ન થાય એ માટે બનાવવામાં આવી છે. જોકે એક્સપર્ટ કહી રહ્યાં છે કે ચીનની આ સેટેલાઇટ સ્નેચિંગ નેટનો ઉપયોગ મિલિટરી ઓપરેશન માટે પણ કરવામાં આવી શકે છે.

કોઈ પણ અવાજ વગર કામ કરે છે આ ટેકનોલોજી

દુનિયામાં અત્યાર સુધી જેટલાં પણ અંતરિક્ષને સાફ કરવાના ટૂલ છે એના કરતાં ચીન દ્વારા એકદમ અલગ ટૂલ બનાવવામાં આવ્યું છે. આ ટેકનોલોજી કોઈ પણ પ્રકારના અવાજ વગર કામ કરે છે. એમાં ગનપાવડરનો ઉપયોગ કરીને એક કેપ્સુલ છોડવામાં આવે છે જેમાં નેટ હોય છે. આ નેટમાં એ ટૂકડો પકડાઈ જાય છે. ગનપાવડર વડે જે ચાર્જ કરવામાં આવ્યો હોય છે એ એટલું સારી રીતે કામ કરે છે કે એનો અવાજ પણ નથી આવતો અને વાઇબ્રેશન પણ નથી થતું. આથી સેટેલાઇટ અથવા તો રોકેટ જે જગ્યા પર હોય છે ત્યાંથી હલતું પણ નથી. આથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એના પર કોઈની પણ નજર નથી જતી. આ ટેકનોલોજી ખૂબ જ અદ્ભુત છે અને કોઈને ખબર પડ્યા વગર પોતાનું કામ કરી લેતી હોવાથી દુનિયાભરના દેશોમાં ડિફેન્સ સિસ્ટમને લઈને ખૂબ જ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

મિલિટરી દ્વારા પણ ઉપયોગ કરવામાં આવી શકે છે

આ ટેકનોલોજીને લઈને ઘણાં દેશ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. જોકે તેમને ડર આ ટેકનોલોજી કરતાં એને કેમ બનાવવામાં આવી એ હેતુને લઈને છે. આ સ્નેચિંગ નેટને સેટેલાઇટમાંથી ખૂબ જ સરળતાથી અલગ પણ કરી શકાય છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે દુશ્મન દેશની સેટેલાઇટ અથવા તો તેમની કોઈ પણ સંપત્તિનો નાશ કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. સ્પેસ સાફ કરવાની આડમાં એનો ખોટી રીતે પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમ જ ત્યાર બાદ માફી પણ માંગી શકે છે કે સ્પેસનો કચરો સમજી લેવામાં આવ્યો હતો અને ભૂલમાં આ નેટ દ્વારા અટેક કરવામાં આવ્યો હતો. દુનિયાભરના દેશ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વેલન્સ માટે સેટેલાઇટ પર નિર્ભર રહે છે. આથી કોઈને પણ ખબર પડ્યા વગર સેટેલાઇટના જ કોઈ પાર્ટ્સને નુકસાન પણ પહોંચાડી શકાય છે. આથી સ્પેસમાં હવે કોની પાસે વધુ શક્તિ છે એના પર તમામ વસ્તુ નિર્ભર છે.

ચીનની સ્નેચિંગ નેટ ટેકનોલોજી: વિશ્વ માટે ખતરો કેમ?, જાણો વિગત... 2 - image
AI Image

મનુષ્ય પર શું અસર પડી શકે?

આ ટેકનોલોજી એક મશીન છે, પરંતુ એનો ખોટી રીતે ઉપયોગ સીધો માનવજાત પર અસર પાડી શકે છે. ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમથી લઈને ઇન્ટરનેટ અને અન્ય તમામ બાબતો પર હવે માનવી સેટેલાઇટ પર નિર્ભર છે. જો આ દ્વારા સેટેલાઇટને નુકસાન પહોંચાડવામાં આવ્યું તો એની સીધી અસર માનવજાત પર પડશે અને એ આપણી ધારણા બહારનું હશે. વેધર સેટેલાઇટને બંધ કરી દેવામાં આવે તો વધુ વરસાદ અને તોફાનની આગાહી નહીં મળી શકે. GPS સિસ્ટમને નુકસાન પહોંચાડવામાં આવે તો એવિએશન સેફ્ટીથી લઈને ઇમરજન્સી સર્વિસ અને મેપ્સનો ઉપયોગ કરતી દરેક સર્વિસ પર અસર પડી શકે છે.

મિલિટરી એટલે કે સૈનિક, ફાઇટર જેટ, બંદૂક, જહાજ, ડ્રોન અને ટેન્ક વગેરેનો સમાવેશ થાય છે. જોકે હવે એમાં સ્પેસમાં સ્નેચિંગ નેટને એક હથિયાર બનાવવામાં આવે તો લડાઈ હવે ફક્ત જમીન, પાણી અને આકાશમાં નહીં, પરંતુ અંતરિક્ષમાં પણ જોવા મળી શકે છે. આથી અંતરિક્ષની લડાઈ માટે હજી સુધી કોઈ દેશ તૈયાર નથી, પરંતુ ચીન એમાં આગળ નીકળી ગયું તો તે સૌ પર ભારી પડી શકે છે.

આ પણ વાંચો: મસ્કે ગ્રોકને કેમ કર્યું હતું સસ્પેન્ડ? : ઇઝરાયેલના જીનોસાઇડ વિશે કમેન્ટને કારણે સસ્પેન્ડ થયું હોવાની ચર્ચા

ઇન્ટરનેશનલ સ્પેસ કાયદામાં હજી સુધી આવી કોઈ જોગવાઈ નથી

ઇન્ટરનેશનલ સ્પેસના પણ કેટલાક કાયદા-કાનૂન છે. જોકે એમાં આ પ્રકારની કોઈ પણ જોગવાઈ નથી. 1967માં આઉટર સ્પેસ ટ્રીટી હેઠળ માનવજાતને નુકસાન કરી શકે એવા એક પણ હથિયાર સ્પેસમાં બનાવવામાં અથવા તો લઈ જવામાં અથવા તો રાખવામાં નહીં આવે. જોકે સાઇલન્ટ નેટ આધારિત કેપ્ચર ડિવાઇસ વિશે કોઈ જોગવાઈ નથી. આથી ચીન દ્વારા આ કાયદાકાનૂનમાં લૂપહોલ શોધી ટેકનોલોજી બનાવવામાં આવી રહી છે. ચીન સતત તેમના રોકેટ અને સેટેલાઇટને આ ડિવાઇસની સાથે લોન્ચ કરી રહી છે. અન્ય દેશ પાસે બે વિકલ્પ છે: આ વિશે ચૂપ રહેવામાં આવે અથવા તો એ સામે અવાજ ઉઠાવવામાં આવે અને સ્પેસના કાયદામાં બદલાવ કરવામાં આવે.

Tags :