Get The App

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ સામે અમેરિકામાં ઐતિહાસિક કેસ, બાળકોના માનસિક આરોગ્ય સાથે ચેડાંનો આરોપ

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
Social media addiction lawsuit California


(AI IMAGE)

Social media addiction lawsuit California: સોશિયલ મીડિયા આધુનિક જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. એના લીધે કોઈપણ ક્ષેત્રની માહિતી મેળવવી, મિત્રો સાથે જોડાયેલા રહેવું અને મનોરંજન મેળવવું ખૂબ સરળ બન્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગને કારણે માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. આ બાબતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક મહત્ત્વપૂર્ણ કોર્ટ કેસ શરૂ થયો છે, જેમાં વિશ્વની મોટી સોશિયલ મીડિયા કંપનીઓ ‘મેટા’ અને ‘ગૂગલ’ પર ગંભીર આરોપ લગાવાયા છે કે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ જેવી એપ્લિકેશનો એવી રીતે ડિઝાઈન કરાઈ છે, જેનો બાળકો લાંબા સમય સુધી ઉપયોગ કરતા રહે અને પછી એના વ્યસનમાં ફસાઈ જાય. ચાલો, જાણીએ કે આ ઐતિહાસિક કેસની વિગતો શું છે.

20 વર્ષની યુવતીએ દાખલ કર્યો કેસ 

આ કેસમાં 20 વર્ષની યુવતી મુખ્ય અરજદાર છે. એની ઓળખ છુપાયેલી રહે એ માટે કોર્ટમાં એને કેલી જીએમ તરીકે ઓળખાવાઈ છે. કેલીનો આરોપ છે કે બાળપણમાં સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ કરવાને લીધે તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. સતત એપ્સનો ઉપયોગ કરવાથી તે ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓનો ભોગ બની છે. એને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. 

‘ડિઝાઇન દ્વારા વ્યસન’ લગાડતા હોવાનો આરોપ 

કેલીના વકીલનો દાવો છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ એ રીતે ડિઝાઇન કર્યા છે કે યુઝર્સ વધુમાં વધુ સમય ત્યાં જ વિતાવે. આ માટે એલ્ગોરિધમ, સતત નોટિફિકેશન્સ, સ્ક્રોલિંગ અને પર્સનલાઈઝ્ડ સજેશન્સ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વકીલે દલીલ કરી કે આ રીતો મુખ્યત્વે બાળકોને અને કિશોરોને ટાર્ગેટ કરીને બનાવાઈ છે, જેથી તેઓ સરળતાથી એપ્સના આકર્ષણમાં ફસાઈ જાય. 

આ પણ વાંચો: નાસા 2030ના અંત સુધીમાં ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર તૈયાર કરશે : ભવિષ્યમાં મંગળ પર પણ ગોઠવશે

બાળકોને આકર્ષે એવો ફંદો ડિઝાઇન કરાય છે

લોસ એન્જલસમાં ચાલી રહેલા કેસમાં વકીલે દલીલ કરી હતી કે, ‘કંપનીઓ ફક્ત એપ્લિકેશનો નથી બનાવતી, તેઓ ફંદો બનાવે છે.(They don't only build apps; they build traps) એવો ફંદો જેમાં બાળકો અને કિશોરો ફસાઈ જાય. કંપનીઓ ફરારી કારના રમકડા અને સ્લોટ મશીનના નાના મોડેલ જેવા પ્રોપ્સનો ઉપયોગ કરીને બાળકો અને કિશોરોને એપ્સ તરફ આકર્ષે છે અને પછી એમને એપ્સનું વળગણ લગાડે છે. મારી અરજદાર કેલી છ વર્ષની ઉંમરની હતી ત્યારથી યુ-ટ્યુબ જોતી થઈ ગઈ હતી. ખરેખર તો યુ-ટ્યુબે કેલીની માતાને ચેતવણી આપવી જોઈતી હતી કે બાળકો માટે યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ જોખમભર્યો છે. પણ, કંપનીએ એમ કર્યું નહોતું.’ 

સોશિયલ મીડિયા કંપનીઓએ બચાવમાં શું કહ્યું?

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક કંપની ‘મેટા’ અને યુટ્યુબની માલિક કંપની ‘ગૂગલ’એ  તમામ આરોપોને નકાર્યા છે. કંપનીઓના વકીલોનું કહેવું છે કે કેસમાં સામેલ યુવતીના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો માત્ર સોશિયલ મીડિયાના કારણે નહોતા; એના માટે પારિવારિક સમસ્યાઓ અને સ્કૂલ-કોલેજમાં થયેલા ‘બુલિઇંગ’ જેવી અન્ય સામાજિક સ્થિતિઓ પણ જવાબદાર હોઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સની સુરક્ષા માટે અનેક સેફ્ટી ફીચર્સ પહેલેથી જ અમલી છે. 

કંપનીના ઉચ્ચ અધિકારીઓ કોર્ટમાં હાજર થશે?

મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગ આગામી સપ્તાહે આ કેસમાં સાક્ષી બનશે, એવી અપેક્ષા છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી પણ બુધવારે કોર્ટમાં હાજર થાય એવી સંભાવના છે. 

આ પણ વાંચો: ઇસરોના અત્યાર સુધીના સૌથી મુશ્કેલ મિશન માટે મોન્સ મ્યુટોન બનશે ચંદ્રયાન-4નું ઘર, જાણો વિગત…

અમેરિકાનો કાયદો સોશિયલ મીડિયા કંપનીઓને રક્ષણ આપે છે? 

સોશિયલ મીડિયા કંપનીઓ અમેરિકાના કોમ્યુનિકેશન્સ ડિસેન્સી એક્ટની કલમ 230 હેઠળ કાનૂની સુરક્ષા હોવાનો દાવો કરે છે. આ કાયદા મુજબ, પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ માટે કંપનીઓ સીધી જવાબદાર નથી. જો કે કેલીના વકીલનું કહેવું છે કે આ કેસ કન્ટેન્ટનો નહીં, પરંતુ પ્લેટફોર્મની ડિઝાઇન અને અલગોરિધમ અંગે છે, એટલે આ કાનૂની સુરક્ષા અહીં લાગુ ન થવી જોઈએ.

તમાકુ કંપનીઓ જેવા કેસની તુલના

આ કેસને ઘણાં નિષ્ણાતો 1990ના દાયકામાં તમાકુ કંપનીઓ સામે કરાયેલા કેસ સાથે સરખાવી રહ્યા છે. તે સમયે દલીલ કરાઈ હતી કે તમાકુના નુકસાન જાણતી હોવા છતાં કંપનીઓ હાનિકારક ઉત્પાદનો વેચતી હતી. હાલના કેસમાં પણ આરોપ છે કે ટેક કંપનીઓ બાળકો પર થતી સંભવિત હાનિકારક અસર વિશે પૂરતી ચેતવણી આપતી નથી.

કેસના પરિણામની અસર દૂરગામી હશે

આ કેસમાં કોર્ટનો અંતિમ નિર્ણય ટેક ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો ચુકાદો કંપનીઓ વિરુદ્ધ આવશે તો તેમણે ભારે દંડ અને વળતર ચૂકવવું પડી શકે છે, તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ડિઝાઇન અને નીતિઓમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડી શકે છે. આ કેસ ઐતિહાસિક ગણાઈ રહ્યો છે કારણ કે, તેનો નિર્ણય ભવિષ્યમાં અમેરિકામાં અને અન્ય દેશોમાં ચાલતા અન્ય અનેક સમાન કેસ પર અસર કરી શકે છે.

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યુબ સામે અમેરિકામાં ઐતિહાસિક કેસ, બાળકોના માનસિક આરોગ્ય સાથે ચેડાંનો આરોપ 2 - image