Get The App

નાસા 2030ના અંત સુધીમાં ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર તૈયાર કરશે : ભવિષ્યમાં મંગળ પર પણ ગોઠવશે

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
નાસા 2030ના અંત સુધીમાં ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર તૈયાર કરશે : ભવિષ્યમાં મંગળ પર પણ ગોઠવશે 1 - image

- નાસા અને અમેરિકન સરકારના ઉર્જા વિભાગ વચ્ચે સમજૂતી કરાર થયા

- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવ વસાહત તૈયાર થશે ત્યારે પૃથ્વીના માનવીને વીજળી પુરવઠાની જરૂર પડશે :  છ મેટ્રીક ટન વજનનું ન્યુક્લિયર રિએક્ટર ૪૦ કિલોવોટ્સ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકશે 

વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને અમેરિકન સરકારનો  ઉર્જા વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી-- ડીઓઇ) સાથે મળીને  ૨૦૩૦ ના અંત સુધીમાં ચંદ્ર પર  ન્યુક્લિયર રિએક્ટર(અણુ ઉર્જા સંચાલિત વીજળી મથક) તૈયાર કરશે.  

નાસા અને ડીઓઇ વચ્ચેનો સહયોગ   આર્ટમીસ પ્રોગ્રામ અને  મંગળની ભાવિ યોજનાઓને ધ્યાનમાં રાખીને ૨૦૨૬ના જાન્યુઆરીમાં વધુ મજબૂત થયો છે.સાથોસાથ  આ હેતુ માટે સાથે મળીને  કાર્ય કરવા  બંને સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર પણ થયા છે.

નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને   એવી માહિતી આપી છે કે અમેરિકા ફરીથી ચંદ્રની ધરતી પર ઉતરવા તૈયારી કરી રહ્યું છે. સાથોસાથા ચંદ્ર પર માનવ વસાહત પણ બનાવવા ઇચ્છે  છે. હવે ચંદ્ર પર માનવ વસાહત બને તો વીજળીની જરૂર રહે એ સ્વાભાવિક છે. ભવિષ્યની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને  અમારો હેતુ  ચંદ્રની ધરતી પર ફિશન સરફેસ પાવર સિસ્ટમ શરૂ કરવાનો  છે. 

ચંદ્રની ધરતી પર જે ન્યુક્લિયર રિએક્ટર બનશે જે નાના કદનું હશે. સાથોસાથ, સંપૂર્ણ સલામત અને  કાર્યક્ષમ પણ હશે. મહત્વનું પાસું એ હશે કે આ ન્યુક્લિયર રિએક્ટર ઘણા લાંબા સમય સુધી કાર્યરત રહીને વીજળીની જરૂરિયાત પણ પૂરી કરશે. 

અમેરિકન સરકારના ઉર્જા વિભાગના સેક્રેટરી ક્રિસ રાઇટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે વિશ્વની સૌથી આધુનિક અને સફળ અંતરિક્ષ સંશોધન સંસ્થા નાસા સાથે સહયોગ કરવામાં ગૌરવ અનુભવે છે. અમારો આ સહયોગ અંતરિક્ષ સંશોધનની દિશામાં મહત્વની ટેકનિકલ  સફળતા બની રહેશે.  

આ રિએક્ટર ફિશનનો ઉપયોગ કરીને વિદ્યુત ઉત્પન્ન કરશે. આ પ્રક્રિયામાં અણુ(એટમ)ની નાભીને નાના, હળવા અણુઓમાં વિભાજિત કરવામાં આવે છે. પરિણામે વિપુલ માત્રામાં ઉર્જા અને ગરમી ઉત્પન્ન થાય છે.આ  ઉર્જા અને ગરમીનો ઉપયોગ  વરાળ ઉત્પન્ન  કરવામાં થાય છે.ત્યારબાદ વરાળનો જથ્થો ટર્બાઇન પર પડીને પ્રક્રિયા થાય એટલે વીજળી ઉત્પન્ન થાય છે. 

નાસાના સ્પેસ ટેકનોલોજી મિશનના પ્રોગ્રામ ડાયરેક્ટર ટ્રુડી કોર્ટેસ અને તેની ટીમે એવી માહિતી  આપી  છે કે અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના ભાવિ ફિશન ન્યુક્લિયર રિએક્ટરની ડિઝાઇનનું  સફળ નિદર્શન કર્યું છે. ભવિષ્યમાં  એટલે કે ૨૦૩૦ના અંત સુધીમાં  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવ વસાહત તૈયાર થશે ત્યારે પૃથ્વીના માનવીને વીજળી પુરવઠાની જરૂર પડશે. આ યોેજના મુજબ અમે આ ન્યુક્લિયર રિએક્ટર માટેનું ખાસ પ્રકારનું લોન્ચપેડ પણ ૨૦૩૦ના અંત સુધીમાં તૈયાર કરીશું.

જોકે અમારું આ ન્યુક્લિયર રિએક્ટર  અને તેના દ્વારા ઉત્પન્ન થનારી વીજળી સંપૂર્ણ સલામત, શુદ્ધ, ભરોસાપાત્ર છે તેની સમગ્ર વિશ્વને ખાતરી પણ થવી જરૂરી છે. 

 ચંદ્ર  પર ૧૪ દિવસ અને ૧૪ રાત્રિનું કુદરતી ચક્ર છે. એટલે કે  ચંદ્ર પર ૧૪ દિવસ સૂર્યપ્રકાશ હોય છે જ્યારે ૧૪ રાત્રિ ઘોર અંધકાર હોય છે.વળી, ચંદ્ર પર દિવસે ૧૨૦ ડિગ્રી સેલ્સિયસ જેટલી ધગધગતી ગરમી હોય છે,જ્યારે રાત્રિનું  તાપમાન માઇનસ(--) ૨૦૦ ડિગ્રી જેટલું અતિ અસહ્ય હોય છે. 

ચંદ્રની આવી અસહ્ય ઠંડી રાત દરમિયાન પણ અમારું રિએક્ટર સતત  કાર્યરત રહેવું જરૂરી છે. ચંદ્રના આવા અસહ્ય તાપમાનને કારણે ત્યાં  વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પાવર પર આધારિત ટેકનોલોજી કારગત   ન નિવડે.આ જ મહત્વની બાબત ધ્યાનમાં રાખી અમે ન્યુક્લિયર પાવર રિએક્ટરની ડિઝાઇન તૈયાર કરી છે, જે કોઇપણ જાતની ટેકનિકલ સમસ્યા વગર ઘણા   લાંબા સમયગાળા સુધી (લગભગ ૧૦ વર્ષ) કાર્યરત રહી શકશે. 

નાસાના ફિશન સરફેસ પાવર પ્રોજેક્ટ મેનેજર લીન્ડસે કેલ્ડને એવી  ટેકનિકલ માહિતી આપી છે કે ચંદ્ર પરના ન્યુક્લિયર રિએક્ટરનું વજન છ મેટ્રીક ટન હશે. સાથોસાથ તે ૪૦ કિલોવોટ્સ જેટલી વીજળી ઉત્પન્ન કરી શકશે.આટલી વીજળી ચંદ્ર પરની ભાવી માનવ વસાહત  સહિત રોવર્સ, બેકઅપ ગ્રીડ્ઝ, વૈજ્ઞાાનિક પ્રયોગો  વગેરે માટે  જરૂરી  બનશે. 

નાસાનાં સૂત્રોએ તો એક કદમ આગળ વધીને એવી માહિતી પણ આપી છે કે અમારા આ ન્યુક્લિયર રિએક્ટરની ડિઝાઇનના નિદર્શનના બીજા તબક્કાને   સંપૂર્ણ સફળતા મળશે તો તેની ડિઝાઇનમાં અત્યાધુનિક ટેકનોલોજીના ફેરફાર સાથે  મંગળ ગ્રહ પર પણ આવું જ ન્યુક્લિયર રિએક્ટર ગોઠવીશું.