Get The App

સ્માર્ટફોન યુઝર્સ માટે સરકારનું ઍલર્ટ: કૉલ ફોરવર્ડ સ્કેમથી બચવા તાત્કાલિક બદલો આ સેટિંગ્સ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
સ્માર્ટફોન યુઝર્સ માટે સરકારનું ઍલર્ટ: કૉલ ફોરવર્ડ સ્કેમથી બચવા તાત્કાલિક બદલો આ સેટિંગ્સ 1 - image


Smartphone Users Alert : દેશમાં સાયબર છેતરપિંડીની ઘટનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સાયબર ઠગો નીત-નવી રીતો અપનાવી સામાન્ય લોકોથી લઈને વૃદ્ધ નાગરિકોને ટાર્ગેટ કરીને નાણાં પડાવી રહ્યા છે. ઠગો માત્ર ફેક લિંક કે એપ દ્વારા જ નહીં, મોબાઇલના એક ખાસ સામાન્ય ફીચરનો ઉપયોગ કરીને પણ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે, ત્યારે ઠગોની નવી રીત સામે આવ્યા બાદ ગૃહમંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’એ ઍલર્ટ જાહેર કર્યું છે.

સાયબર ઠગોની નવી રીત : કૉલ ફોર્વર્ડિંગ ફીચર

ઍલર્ટમાં કહેવાયું છે કે, ‘સાયબર ઠગ મોબાઇલના કૉલ ફોર્વર્ડિંગ ફીચરનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ ફીચરનો ઉપયોગ કરીને ઠગો સામાન્ય કૉલ કે મેસેજ કરીને ફ્રોડની શરુઆત કરે છે. કેટલાક મામલાઓમાં ઠગ પોતાને કુરિયર કંપનીનો કર્મચારી અથવા ડિલીવરી એજન્ટ હોવાનું કહીને કૉલ કરે છે. તે કૉલ કરીને કહે છે કે, ‘તમારા નામે પાર્સલ આવ્યું છે અથવા ડિલીવરીમાં કોઈ સમસ્યા છે.’ વાતચીત દરમિયાન વિશ્વાસ ઊભો કરવા માટે તે એક SMS પણ મોકલે છે અને કહે છે કે, ‘તમારે સમસ્યા ઉકેલવા માટે એક USSD કોડ ડાયલ કરવો પડશે.’ ઠગો અહીંથી જ ફ્રોડની શરુઆત કરે છે.

USSD કોડ 21, 61 અથવા 67થી શરુ થાય છે. ઠગની વાતમાં આવ્યા બાદ યુઝર્સ કંઈપણ વિચાર્યા વગર આ કોડ ડાયલ કરે છે, જેના કારણે યુઝર્સના ફોનમાં કૉલ ફોર્વર્ડિંગ ચાલુ થઈ જાય છે. આનો અર્થ એ થયો કે, યુઝર્સને આવતા કૉલ કોઈ અન્ય નંબર પર ફૉર્વર્ડ થવા લાગે છે.

કૉલ ફોર્વર્ડિંગથી ફ્રોડ કેવી રીતે થાય છે?

સંસ્થાના ઍલર્ટ મુજબ, જ્યારે ઠગ યુઝર્સને ફસાવવામાં સફળ થાય છે, પછી યુઝર્સને આવતા તમામ કૉલ ફોર્વર્ડ થવા લાગે છે. આ કારણે યુઝર્સને બૅંક દ્વારા કરાતો વેરિફિકેશન કૉલ, OTP અને ઍલર્ટ સીધો ઠગના ફોન પર પહોંચી જાય છે. જેના કારણે યુઝર્સ પર મોટી સમસ્યામાં ફસાવવાનું જોખમ વધી જાય છે.

કૉલ ફોર્વર્ડ થઈ જાય તો...

જો યુઝર્સના ઓટીપી અને વેરિફિકેશન કૉલ ઠગ પાસે પહોંચી જાય તો ઠગ બૅંક એકાઉન્ટથી લઈને વૉટ્સએપ અને ટેલિગ્રામ જેવા એકાઉન્ટ સરળતાથી હેક કરી શકે છે. ઘણા મામલાઓમાં યુઝર્સને સંકટની ત્યારે ખબર પડે છે, જ્યારે તેના એકાઉન્ટમાંથી નાણાં ઉડી ગયા હોય છે, કે પછી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ અન્યના કંટ્રોલમાં આવી જાય છે.

આ પણ વાંચો : મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ

સાવધાન... માત્ર એક કોડથી યુઝર્સ મુશ્કેલીમાં

સાયબર ઠગોની નવી ટેકનિકલની ચોંકાવનારી વાત એ છે કે, આમાં યુઝર્સને કોઈ લિંક પર ક્લિક કરવાની જરૂર હોતી નથી કે પછી કોઈ એપ ઇન્સ્ટોલ કરાવવાની પણ જરૂર પડતી નથી, માત્ર એક કોડ ડાયલ કરવાથી જ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. આ જ કારણે સંસ્થાને સાવધાન રહેવા કહ્યું છે. કારણ કે સામાન્ય રીતે યુઝર્સ USSD કોડને ખતરનાક માનતા નથી. પરંતુ હવે ઠગોએ USSD કોડનો હથિયાર તરીકે ઉપયોગ શરુ કર્યો હોવાથી ઍલર્ટ રહેવું ખૂબ જરુરી છે.

મોબાઇલમાં આવી રીતે બદલો સેટિંગ

સંસ્થાએ સ્પષ્ટ કહ્યું છે કે, જો મોબાઇલમાં કૉલ ફોર્વર્ડિંગ ચાલુ થઈ ગઈ હોવાની આશંકા હોય તો તાત્કાલીક ##002# ડાયલ કરવો જોઈએ. આ કોડ તમામ પ્રકારના ‘કૉલ ફોર્વર્ડિંગ’ને બંધ કરી દે છે અને કૉલ ફરી યુઝર્સના ફોન પર આવવા શરુ થઈ જાય છે. હાલના સમયમાં સાયબર ઠગો યુઝર્સને છેતરવા માટે, નાણાં પડાવવા માટે નવી-નવી રીતો અપનાવી રહ્યા છે, ત્યારે ગમે તેવો મેસેજ આવે કે પછી સામાન્ય કૉલ આવે ત્યારે આપણે સાવધાન રહેવાની જરૂર છે. જોયા, સમજ્યા કે જાણ્યા વગર કોઈપણ અજાણ્યો કૉલ, ડિલીવરી મેસેજ અથવા USSD કોડ ડાયલ કરવો ભારે પડી શકે છે.

આ પણ વાંચો : જે ડરે તેમને કરડે છે રખડતા કૂતરા: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ વધુ ડોગ શેલ્ટરની જરૂર