EDs big charge against Mamata Benerjee: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2026 પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACના દફતર અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્થળ પર પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો.
શું છે EDનો ગંભીર આરોપ?
હવે આ મામલે EDએ સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તપાસ એજન્સીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્ત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ IPACના દફતરમાં પણ જબરદસ્તી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.'
કેમ પડ્યા દરોડા? (કોલસા કૌભાંડ અને હવાલા કનેક્શન)
EDની તપાસ મુજબ, આ દરોડા કોલસાની હેરાફેરી અને તેના દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે કોલસા કૌભાંડનો મોટો હિસ્સો 'શાકંભરી ગ્રૂપ ઑફ કંપનીઝ'ને વેચવામાં આવ્યો હતો અને તેમાંથી મળેલી રકમ હવાલા માર્ગે ફેરવવામાં આવી હતી. એજન્સીના રિપોર્ટ મુજબ, આ કૌભાંડમાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિએ પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACને કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળ્યા છે. આ મની ટ્રેલ અને હવાલા કનેક્શનના કથિત જોડાણની ઊંડી તપાસ કરવા માટે જ EDએ પશ્ચિમ બંગાળના 6 મહત્ત્વના શહેરો અને દિલ્હીના 4 સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અને ED વચ્ચે ઘર્ષણ
દરોડા દરમિયાન કોલકાતા પોલીસ અને EDના અધિકારીઓ વચ્ચે પણ તણાવ જોવા મળ્યો હતો. સાઉથ કોલકાતાના ડેપ્યુટી કમિશ્નર અને ખુદ પોલીસ કમિશ્નર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને EDના અધિકારીઓ પાસે તેમની ઓળખ અને સર્ચ વોરન્ટની માંગણી કરી હતી.
રાજકીય માહોલ ગરમાયો
તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ 2026ની વિધાનસભા ચૂંટણી માટે IPACને હાયર કરી છે, ત્યારે ચૂંટણી પહેલા જ આ કાર્યવાહીને કારણે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. EDએ આ મામલે કોર્ટ અથવા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.


