બાળકોની સેફ્ટી માટે શૂઝમાં નવું ફીચર લઈને આવ્યું સ્કેચર્સ, જાણો શું છે આ…
Safety Feature For Kids: સ્કેચર્સ દ્વારા બાળકો માટે એક નવી શૂઝની સિરીઝ શરૂ કરવામાં આવી છે. આ શૂઝને ખાસ કરીને બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ શૂઝમાં ખાસ વાત એ છે કે એમાં એક સિક્રેટ જગ્યા આપવામાં આવી છે જ્યાં એપલનો AirTag છુપાવી શકાશે. સ્કેચર્સ દ્વારા ‘Find My Skechers’ કલેક્શન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં ઘણી શૈલીઓ અને કલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ શૂઝ ફક્ત આઠ વર્ષ સુધીના બાળકો માટે જ છે. નાના બાળકોને સરળતાથી શોધી શકાય એ માટે આ ડિઝાઇન લોન્ચ કરવામાં આવી છે.
સિક્રેટ જગ્યા ક્યાં છે?
શૂઝમાં જે ગાદી આવે છે એની વચ્ચે એક પ્લાસ્ટિકનું કમ્પાર્ટમેન્ટ એટલે કે જગ્યા આપવામાં આવી છે. આ જગ્યાએ AirTagને રાખી શકાય છે. આ જગ્યાને એવી રીતે બનાવવામાં આવી છે કે એનાથી AirTagના વાયરલેસ કમ્યુનિકેશનમાં પણ કોઈ તકલીફ નહીં આવે. આ જગ્યાને એવી રીતે રાખવામાં આવી છે કે તેને બાળકો શોધી પણ નહીં શકે. AirTag રાખ્યા બાદ તેને ગાદી અને કાપડ વડે ઢાંકી દેવામાં આવે છે. તેમ જ આ AirTagને મૂક્યા બાદ તેના પર ઢાંકણ આવે છે. એ મૂકીને તેને સ્ક્રૂ મારી દેવાના હોય છે જેથી બાળકો તેની સાથે છેડછાડ પણ નહીં કરી શકે.
શૂઝ બનશે ટ્રેકિંગ ડિવાઇસ
આ શૂઝને સ્કેચર્સ દ્વારા સામાન્ય શૂઝ જેવા જ બનાવવામાં આવ્યા છે. તેમાં કોઈ પણ બ્રૅન્ડનો લોગો કે એવું કઈ નથી આપવામાં આવેલ, જેથી બાળકને ભનક પણ ન પડે કે તેમાં AirTag હોઈ શકે છે. તેથી જોવામાં એ સ્કેચર્સના અન્ય sneakers જેવા જ લાગશે, પરંતુ પેરન્ટ્સ માટે તેમના બાળક માટે એ એક ટ્રેકિંગ ડિવાઇસ તરીકે કામ કરશે. બાળક સ્કૂલમાં હોય કે પછી બહાર હોય, તેના પર નજર રાખી શકાય. નાના બાળકો AirTag જેવી નાની વસ્તુને મોંમાં મૂકી દેતા હોય છે. એથી તેમની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઢાંકણ પણ આપવામાં આવ્યું છે.
બાળકોના ટ્રેકિંગ માટે સૌથી સરળ રસ્તો
ટ્રેકિંગ માટે બાળકો માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ થઈ શકે: GPS ડિવાઇસ, મોબાઇલ, ઘડિયાળ વગેરે વગેરે. જોકે દરેક વસ્તુ બાળક હંમેશાં તેની સાથે રાખે એ જરૂરી નથી. શૂઝ એવી વસ્તુ છે જે બાળક હંમેશાં પહેરીને રહે છે. તેમ જ, બાળકને તેને સાચવવાની જરૂર પણ નથી પડતી. તેથી શૂઝ બાળકોના ટ્રેકિંગ માટે સૌથી સરળ વિકલ્પ છે. એપલ દ્વારા તેમનો AirTag ટ્રેકિંગ ડિવાઇસ તરીકે જોવામાં નથી આવતો. છતાં, પોતાના બાળકોની સુરક્ષા માટે પેરન્ટ્સ એનો ઉપયોગ ટ્રેકિંગ ડિવાઇસ તરીકે કરી રહ્યા છે.