કોઈ ટાવર કે નેટવર્ક વિના અંતરિક્ષથી પૃથ્વી પર કેવી રીતે થાય છે વીડિયો કૉલ? જાણો વિગતવાર
Video Call From Space: અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી પરના વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરે છે એ વિષય ખૂબ જ રસપ્રદ છે. શુભાંશુ શુક્લા હાલમાં અંતરિક્ષમાં છે અને તેણે ભારતમાં કરેલો ફોન દરેક વ્યક્તિએ સાંભળ્યો હશે. આ એક વીડિયો કોલ હતો. જોકે સ્પેસમાં તો નેટવર્ક અને ટાવર કંઈ જ નહીં હોય તો ફોન કેવી રીતે કરવામાં આવે છે એ જાણવા જેવો વિષય છે. અંદાજે 40 વર્ષ પહેલાં ભારતના રાકેશ શર્મા પહેલી વાર અંતરિક્ષમાં ગયા હતા. એ સમયે ઇંદિરા ગાંધીએ રાકેશ શર્માને પૂછ્યું હતું કે ભારત ઉપરથી કેવું દેખાય છે. રાકેશ શર્માએ કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા.
ત્યારબાદ શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં ગયો છે. તેની સાથે નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ પર વાત કરી છે. તેણે કહ્યું હતું કે અંતરિક્ષમાંથી ભારત ખૂબ જ મોટું અને અદ્ભુત દેખાય છે. જોકે સ્પેસમાં નેટવર્ક કે પછી ટાવર કંઈ ન હોવા છતાં પણ આ ફોન કેવી રીતે કરવામાં આવ્યો? પૃથ્વીથી અંદાજે 400 કિલોમીટર દૂર બેઠેલા શુભાંશુ શુક્લાએ કેવી રીતે વાત કરી? આ ટૅક્નોલૉજી શું છે? શું તેમની પાસે સ્માર્ટફોન હોય છે? તેમના પરિવારના સભ્યો પણ તેમને ફોન કરી શકે છે? વગેરે જેવા પ્રશ્નો ઊભા થાય છે.
ફોન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
એક્સપર્ટનું કહેવું છે કે અંતરિક્ષ અને પૃથ્વી વચ્ચે વીડિયો કોલ કરવો સરળ નથી. આ માટે ઘણી મહેનત જોઈએ છે. 'ન્યુ સાયન્ટિસ્ટ' નામના એક પોર્ટલ પર સેમ વોન્ગે એક લેખ લખ્યો હતો. તેમાં અંતરિક્ષ યાત્રી પાઓલો નેસ્પોલીએ કહ્યું હતું કે અંતરિક્ષ યાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્માર્ટફોન લઈ જઈ શકતા નથી. તેમ જ ત્યાં ફોન પણ કરી શકાતા નથી. સ્કાઇપ પણ ન કરી શકાય અને વોટ્સએપ પણ ત્યાં નથી ચાલતું. સ્પેસ સ્ટેશન પાસે કોઈ સ્પેશિયલ મોબાઇલ નંબર પણ નથી હોતો કે જેના પર ફોન કરી શકાય. જોકે સ્પેસ સ્ટેશન પર ઇન્ટરનેટની મદદથી ચાલતો એક ફોન હોય છે જે કોમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યો હોય છે. તેઓ ત્યાંથી પૃથ્વી પર કોઈને પણ ફોન કરી શકે છે. જોકે પૃથ્વી પરથી તેમને કોઈ પણ રીતે ફોન કરી શકાતો નથી.
અંતરિક્ષ યાત્રીઓ પાસે એક ટેબ્લેટ પણ હોય છે જેનાથી તેઓ ઈમેલ ચેક કરી શકે છે. કેટલાક ટ્વિટર એટલે કે X પર અથવા તો અન્ય સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે. જો કે તેઓ તેમની ટીમને ઈમેલ દ્વારા મેસેજ કરે છે અને પછી એને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે.
વીડિયો કોલ કેવી રીતે થાય છે?
સ્પેસમાં કમ્યુનિકેશન માટે બે વસ્તુ ખૂબ જ જરૂરી છે: ટ્રાન્સમીટર અને રિસીવર. ટ્રાન્સમીટરના સિગ્નલ રિસીવર સુધી પહોંચે ત્યારે જ સંપર્ક થાય છે. ન્યુ સાયન્ટિસ્ટ પોર્ટલના રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી વીડિયો અથવા ઓડિયો સિગ્નલ સીધા ધરતી પર નથી આવતાં. એને પહેલા "ટ્રેકિંગ એન્ડ ડેટા રીલે સેટેલાઇટ્સ" પર મોકલવામાં આવે છે.
આ સેટેલાઇટ્સ દ્વારા આ સિગ્નલ પૃથ્વી પર બે સ્થળે મોકલવામાં આવે છે: ન્યુ મેક્સિકો ખાતે વાઇટ સૈંડ્સ અને બીજું પ્રશાંત મહાસાગરના ગુઆમ ખાતે. અહીંથી સિગ્નલ ફાઇબર ઓપ્ટિક કેબલના માધ્યમથી નાસાના મુખ્ય સેન્ટર સુધી પહોંચે છે. અંતરિક્ષ યાત્રી સાથે જે પણ વાત કરવી હોય, ત્યાર બાદ આ સિગ્નલ તેમને મોકલવામાં આવે છે. આ રીત ખૂબ જ લાંબી છે અને અલગ-અલગ સિસ્ટમના ઉપયોગને કારણે વાતચીત દરમિયાન કેટલીક વાર 5-6 સેકન્ડનો વિલંબ થઈ શકે છે.
પહેલાંના સમયમાં કેવી રીતે થતી હતી વાતચીત?
પહેલાં અંતરિક્ષ યાત્રીઓની પૃથ્વી સાથે વાતચીત આટલી સરળ નહોતી. આ માટે ઘણાં વર્ષો અને બહુ રિસર્ચની જરૂર પડતી. ત્યારબાદ ટૅક્નોલૉજીની મદદથી આજ જેવી સુવિધા શક્ય બની છે. અગાઉના સમયની વાત કરીએ તો, સ્પેસ સ્ટેશનમાં રહેનાર વ્યક્તિઓ રેડિયો ટેક્નિકનો ઉપયોગ કરતાં. તેમાં તકલીફ એ હતી કે વાતચીત માટે સ્પેસ સ્ટેશન કોઈ રિસીવર સ્ટેશનની સીધી લાઇનમાં હોવું જરૂરી હતું. ત્યારે જ ઉપર સિગ્નલ મોકલી શકાતા.
આ પણ વાંચો: સ્પેસ સ્ટેશનમાં કેટલા વાગ્યા હશે? જાણો અંતરિક્ષની ટાઈમઝોન સિસ્ટમ
એ સમયમાં અંતરિક્ષ યાત્રી તેમના પરિવાર સાથે સીધી રીતે વાત કરી શકતા નહોતા. તેમના પરિવારના સભ્યોને પહેલા રૅકોર્ડ કરેલા મેસેજ મળતાં અને તેમના જવાબ પણ રૅકોર્ડ કરીને સ્પેસમાં મોકલાતા. જોકે પછી ટૅક્નોલૉજીમાં બદલાવ આવ્યો અને આજે વીડિયો કોલ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે.