Get The App

સ્પેસ સ્ટેશનમાં કેટલા વાગ્યા હશે? જાણો અંતરિક્ષની ટાઈમઝોન સિસ્ટમ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
સ્પેસ સ્ટેશનમાં કેટલા વાગ્યા હશે? જાણો અંતરિક્ષની ટાઈમઝોન સિસ્ટમ 1 - image


Time Calculation In Space: ભારતના વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાલમાં છે. તેઓ તેમના અન્ય ત્રણ સાથીઓ સાથે AX-4 મિશન હેઠળ 14 દિવસ માટે અંતરિક્ષમાં રોકાશે. આ એક પ્રાઇવેટ મિશન છે જેને એક્સીઓમ સ્પેસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. શુભાંશુના મિશનને લઈને લોકોના દિમાગમાં ઘણાં સવાલ છે કે ત્યાં સમય કેવી રીતે ચાલતો હશે અને તેઓ કેવી રીતે સમયને નક્કી પણ કરતાં હશે. ત્યાં દિવસ અને રાત ક્યારે થાય છે. તેમ જ એનો અંદાજો કેવી રીતે લગાવવામાં આવે છે. આથી ટાઈમ ઝોનને લઈને ઘણાં સવાલો લોકોના દિમાગમાં હશે.

સ્પેસ સ્ટેશન પર 90 મિનિટનો હોય છે એક દિવસ

પૃથ્વી પર 24 કલાક એટલે કે એક દિવસમાં એક વાર સુર્યાસ્ત અને સુર્યોદય થાય છે. બીજી તરફ અંતરિક્ષમાં દર 90 મિનિટે સુર્યોદય અને ફરી 90 બાદ સુર્યાસ્ત થાય છે. પૃથ્વી પર જે સમય 12-12 કલાકનો હોય છે ત્યાં એ 90 મિનિટનું હોય છે. આથી અંતરિક્ષમાં અંદાજે 16 વાર સુર્યોદય અને 16 વખત સુર્યાસ્ત થાય છે. સ્પેસ સ્ટેશન ખૂબ જ ઝડપથી પૃથ્વીનું ચક્કર લગાવે છે. એ કરવામાં એને 90 મિનિટ લાગે છે. સ્પેસ સ્ટેશન પૃથ્વીનું ચક્કર લગાવી રહ્યું હોય ત્યારે 45 મિનિટ સુધી સુર્યપ્રકાશમાં અને 45 મિનિટ સુધી અંધકારમાં રહે છે.

24 કલાકની અંદર સ્પેસ સ્ટેશન 16 વાર પૃથ્વીનું ચક્કર લગાવતું હોવાથી એ 16 વાર સુર્યોદય અને 16 વાર સુર્યાસ્ત જુએ છે. અંતરિક્ષમાં દુનિયાભરમાં જે પહેલેથી સ્વીકાર્ય છે એ કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમઝોનનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયાના અલગ-અલગ દેશને તકલીફ ન પડે એ માટે આ ટાઈમઝોન રાખવામાં આવ્યો છે અને એને ગ્રીનવિચ મીન ટાઈમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્પેસ સ્ટેશનમાં કેટલા વાગ્યા હશે? જાણો અંતરિક્ષની ટાઈમઝોન સિસ્ટમ 2 - image

કયો ટાઈમઝોન કામ આવે છે?

સ્પેસ સ્ટેશન પર ઘણાં દેશોના અંતરિક્ષ યાત્રી એક સાથે કામ કરે છે. તેમ જ દરેક દેશનો અલગ ટાઈમઝોન હોય છે. આથી કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમનો ઉપયોગ દરેક મિશન કન્ટ્રોલ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. આથી કમ્યુનિકેશન કરવાની સાથે કમાન્ડ આપવું પણ ખૂબ જ સરળ રહે છે. અંતરિક્ષમાં અમેરિકા, રશિયા, બ્રિટન અને જાપાન જેવા દરેક દેશ આ યુનિવર્સલ ટાઈમઝોન હેઠળ જ કામ કરે છે.

અત્યારે સ્પેસ સ્ટેશન પર કયો સમય હશે? કેવી રીતે જાણશો?

ભારતનો સમય કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમઝોનથી 5 કલાક અને 30 મિનિટ આગળ ચાલે છે. એટલે કે ભારતમાં બપોરે ત્રણ વાગ્યા હશે તો સ્પેસમાં સવારના 9 કલાક અને 30 મિનિટ થયા હશે. આ સમય દરેક અંતરિક્ષ યાત્રી અને મિશન કન્ટ્રોલને લાગુ પડે છે. આથી એ સમયને અનુરૂપ દરેક દેશ પોતાનો સમય નક્કી કરે છે. ભારત અનુસાર એ 5 કલાક અને 30 મિનિટ પાછળ છે.

સ્પેસ સ્ટેશન પર કેવી રીતે જોવામાં આવે છે સમય?

સ્પેસ સ્ટેશન પર સમય જોવા માટે સ્પેશિયલ વોચ તૈયાર કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેસ સ્ટેશન પર સમય જોવા માટે કમ્પ્યુટર અને ડિજિટલ વોચનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમઝોન અનુસાર ઘડિયાળ કામ કરે છે, નહીં કે પૃથ્વીના ટાઈમઝોન અનુસાર. આથી આ ઘડિયાળ એકદમ અલગ હોય છે. આ સાથે અલગ-અલગ ડિજિટલ ડિસ્પ્લે પર અલગ-અલગ મિશન કન્ટ્રોલ સેન્ટરના ટાઈમ પણ બતાવવામાં આવે છે. આ દરેક ડિવાઇસને સ્પેસના ટાઈમઝોન સાથે સિંક્રોનાઈઝ કરવામાં આવ્યા હોય છે.

આ પણ વાંચો: ઑગસ્ટથી આ એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ ક્રોમ બંધ થઈ જશે, જાણો આ લિસ્ટમાં તમારો મોબાઇલ છે કે નહીં…

આ સાથે સ્પેસ સ્ટેશનમાં એક એટોમિક વોચનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ ઘડિયાળ એકદમ ચોક્કસ હોય છે અને મિશનના રિસર્ચ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘડિયાળ ફક્ત રિસર્ચના કામ માટે જ ઉપયોગમાં આવે છે, નહીં કે સમય જોવા માટે. પૃથ્વી પરના મિશન કન્ટ્રોલ સેન્ટરોની સાથે સ્પેસ સ્ટેશનનો ટાઈમ રેડિયો સિગ્નલ દ્વારા પણ સિંક્રોનાઈઝ કરી શકાય છે. અંતરિક્ષ યાત્રી જે ડિજિટલ વોચ પહેરે છે એને માઇક્રોગ્રેવિટી અને વાયડ વેક્યુમમાં કામ કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. નાસાએ ખાસ એપોલો મિશન માટે મૂનવોચ તૈયાર કરવામાં આવી છે. આ વોચ સ્પેસમાં કોઈ પણ સંજોગોમાં કામ કરવા માટે સક્ષમ છે. સ્પેસમાં મુખ્યત્વે ડિજિટલ વોચ દ્વારા જ સમયની જાણ થાય છે.

Tags :