ચીને લોન્ચ કરી ઓપ્ટિકલ AI ચીપ: કોમ્પ્યુટિંગની દુનિયામાં એક નવું કિરણ, ભારત માટે જાગવાનો સમય આવી ગયો
China Optical AI Chip: ચીન દ્વારા હાલમાં જ ક્રાંતિકારી શોધ કરવામાં આવી છે. ચીન દ્વારા બે ઓપ્ટિકલ AI ચીપ લોન્ચ કરવામાં આવી છે. એકનું નામ મીટીયોર-1 અને બીજી ચીપનું નામ ટાઈચી-2 છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે ટ્રેન થાય છે, કેવી રીતે એને બનાવવામાં આવે છે અને કેવી રીતે કામ કરે છે, દરેક વસ્તુ હવે બદલાઈ જશે.
અત્યારે જે ચીપ આવે છે એ ઇલેક્ટ્રોનિક ચીપ છે અને એ ઇલેક્ટ્રોનની મદદથી કામ કરે છે. જોકે આ ઓપ્ટિકલ ચીપ ફોટોન પર કામ કરશે. એના કારણે અલ્ટ્રા-ફાસ્ટ પ્રોસેસિંગ થઈ શકશે અને એનર્જીનો પણ ખૂબ જ બચાવ થશે. ચીન દ્વારા ફોટોનિક કોમ્પ્યુટિંગ તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારત માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ટેકનોલોજી, સ્ટ્રેટેજી, ઇકોનોમિક અને એજ્યુકેશનની દૃષ્ટીએ ભારત માટે હવે આ જાગવાનો સમય આવી ગયો છે.
ઓપ્ટિકલ AI ચીપ્સ કેવી રીતે કામ કરે છે અને એ કેવી રીતે અલગ છે?
આ ચીપ ઇલેક્ટ્રોનની જગ્યાએ ફોટોન એટલે કે લાઇટનો ઉપયોગ કરે છે. એનાથી એનર્જીનો ઉપયોગ ઓછો થશે અને ચીપનો વધુ ઉપયોગ થવાથી એ ગરમ પણ ઓછા થશે. મીટીયોર-1 100 થીવધુ લાઇટની વેવલેન્થનો ઉપયોગ કરે છે અને એને કારણે તે એક સાથે ઘણાં ડેટાને પ્રોસેસ કરી શકે છે. NVIDIAના લેટેસ્ટ GPU કરતાં પણ આ પ્રોસેસર વધુ સારું પર્ફોર્મન્સ આપે છે.
ટાઈચી-2 એના કરતાં વધુ એડવાન્સ છે. આ પહેલી સંપૂર્ણ ઓપ્ટિકલ AI ચીપ છે. ફાસ્ટ હોવાની સાથે એમાં ફૂલિ ફોરવર્ડ મોડ આપવામાં આવ્યો છે. આ એક નવું આર્કિટેક્ચર છે જેની મદદથી ચીપ જાતે શીખી શકે છે અને ડાયરેક્ટ ટ્રેનિંગ આપી શકાય છે. NVIDIAના H100 કરતાં ટાઈચી-2 પર્ફોર્મન્સ પણ સારું આપે છે અને એનર્જીનો પણ ઓછો ઉપયોગ કરે છે.
ઈન્ડિયા માટે સૌથી મોટી ચેલેન્જ
ભારત હાલમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ સિલિકોન આધારિત સેમિકન્ડક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. આ માટે ₹76000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એમાં 28nm અને એનાથી વધુ નોડ્સના પ્રોસેસર બનાવવામાં આવશે. ભારત હજી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે ત્યારે ચીન ફોટોનિક કોમ્પ્યુટિંગ તરફ વળી રહ્યું છે. ભારતે પણ તેના ઇન્વેસ્ટમેન્ટને ઇલેક્ટ્રોનિક કે પછી ફોટોનિક ચીપમાં ઇન્વેસ્ટ કરવું એ નક્કી કરવું પડશે. અમેરિકાએ ચીન પર પ્રતિબંધ લગાવ્યો ત્યારે ચીન દ્વારા ખરેખર આત્મનિર્ભર બનવા માટે આ નવી શોધ કરવામાં આવી છે. ભારત હજી પણ ટેકનોલોજીમાં પાછળ છે. આથી ભારતે પણ ખરેખર આત્મનિર્ભર બનવા માટે ચીનની જેમ રિસર્ચ કરી પોતાની નવી ચીપ તૈયાર કરવી જોઈએ જેથી અમેરિકા પર નિર્ભર ન રહેવું પડે.
ડિફેન્સ સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી બનશે ચીપ
ઇલેક્ટ્રોનિક ચીપ કરતાં ઓપ્ટિકલ ચીપ ડ્રોન માટે ખૂબ જ ઉત્તમ છે. બેટલફિલ્ડ AIને સિક્યોર રાખવા માટે અને રિયલ-લાઇફ ન્યુરલ નેટવર્ક ઇન્ટરફેરન્સ માટે પણ આ ચીપનો ઉપયોગ કરી શકાય છે. આ ચીપ ભારતની ડિફેન્સ સિસ્ટમ અને એરોસ્પેસ સેક્ટર માટે આશાની નવી કિરણ બની શકે છે. ફોટોનિક ચીપ પોતાની બનાવી શકવામાં જો ભારત સફળ રહે તો તેમણે વિદેશી ડિફેન્સ સિસ્ટમ ટેકનોલોજી પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.
વધુ સારી પાર્ટનરશિપ કરવાની તક
ચીનની નવી ટેકનોલોજી ફક્ત ભારત માટે જ ચેલેન્જ નથી. અન્ય દેશો માટે પણ ખૂબ જ મોટી ચેલેન્જ છે,ખાસ કરીને અમેરિકા માટે. આથી ભારત હવે અમેરિકા, જપાન અને યુરોપના દેશો સાથે ચીપને લઈને ખૂબ જ સારી ડીલ કરી શકે છે. ભારતમાં સોફ્ટવેર ટેલેન્ટ છે અને હવે હાર્ડવેરમાં પણ હાથ અજમાવવાનો સમય આવી ગયો છે. ભારત માટે આ જાગવાનો સમય છે કે તેમણે તેમના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ઇન્વેસ્ટમેન્ટ દેશને કઈ દિશામાં લઈ જવું છે એના આધારે કરવું.