શુભાંશુ શુક્લા મિશન માટે તૈયાર, સ્પેસ લોન્ચિંગની નવી તારીખ જાહેર, રોકેટની ખામી સુધરી
Image Source: Twitter
Mission Ax-04: અંતરિક્ષની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ISRO, Axiom Space અને SpaceX વચ્ચે તાજેતરમાં થયેલી બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં એ પુષ્ટિ કરવામાં આવી છે કે, ફાલ્કન 9 રોકેટમાં થયેલી લિક્વિડ ઓક્સિજન લીકની ખામી સુધારી લેવામાં આવી છે. આ સાથે જ Ax-04 મિશન માટે નવી તારીખ 19 જૂન 2025 નક્કી કરવામાં આવી છે.
લિક્વિડ ઓક્સિજન લીકની સમસ્યા ઉકેલાઈ
ગત અઠવાડિયે 10 જૂન, 2025ના રોજ Axiom-4 મિશનનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. કારણ કે, ફાલ્કન 9 રોકેટમાં લિક્વિડ ઓક્સિજન લીક મળી આવ્યું હતું. રોકેટના બૂસ્ટરમાં લીક જોવા મળ્યું હતું, જેના કારણે લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. ISRO, Axiom Space અને SpaceX ના નિષ્ણાતોએ સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવ્યા.
બેઠકમાં જણાવ્યું કે, લીકનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. રોકેટના બૂસ્ટરની ફરીથી તપાસ કરવામાં આવી અને હવે તે સુરક્ષિત છે. ISROના ચેરમેને આ નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે સુરક્ષા પહેલા આવે છે. ત્યારબાદ ટીમે મિશન ફરી શરૂ કરવાની યોજના બનાવી.
Zvezda સર્વિસ મોડ્યૂલની તપાસ
બીજી તરફ Axiom Space એ NASA સાથે મળીને ઇઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર Zvezda સર્વિસ મોડ્યૂલમાં એક દબાણની અસામાન્યતા (pressure anomaly)ની તપાસ શરૂ કરી છે. આ મોડ્યૂલ રશિયાનો હિસ્સો છે. તાજેતરમાં જ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
Axiom Spaceએ કહ્યું કે, અમે NASA સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા છે. આ તપાસ મિશનની સુરક્ષા માટે જરૂરી છે. હજુ સુધી કોઈ મોટું જોખમ નથી પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે.
Ax-04 મિશનની નવી તારીખ જાહેર
Axiom Spaceએ હવે Ax-04 મિશન માટે નવી લોન્ચ તારીખ 19 જૂન 2025 જાહેર કરી છે. આ મિશન ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા સહિત 4 લોકોને ISS પર લઈ જશે. આ લોન્ચ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી થશે.
ફાલ્કન 9 રોકેટ અને ડ્રેગન અવકાશયાનનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશનમાં વૈજ્ઞાનિક પ્રયોગો અને અંતરિક્ષમાં માનવ જીવનનો અભ્યાસ સામેલ છે. શુભાંશુ શુક્લા ભારતના પ્રથમ અવકાશયાત્રી હશે જે આ મિશન દ્વારા અવકાશમાં જશે.
તાજેતરના પડકાર અને સફળતા
આ પહેલા Ax-04 મિશનનું લોન્ચિંગ ઘણી વખત ટાળી દેવામાં આવ્યું હતું. મે 2025માં ખરાબ હવામાન અને જૂનમાં લિક્વિડ ઓક્સિજન લીક થવાને કારણે તેમાં વિલંબ થયો હતો. પરંતુ હવે ટીમનું કહેવું છે કે, બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ ગયું છે. SpaceXએ કહ્યું કે, અમે રેન્જની ઉપલબ્ધતા પછી નવી તારીખની પુષ્ટિ કરીશું. ISROએ આ મિશનમાં ટેકનિકલ સહાય પણ પૂરી પાડી છે, જે ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે ગર્વની વાત છે.