Get The App

વિજ્ઞાનીઓના નવા રિસર્ચનો દાવો: મંગળ ગ્રહની બરફની નીચે છુપાયેલું છે રહસ્યમય જીવન?

Updated: Oct 18th, 2024

GS TEAM


Google News
Google News
વિજ્ઞાનીઓના નવા રિસર્ચનો દાવો: મંગળ ગ્રહની બરફની નીચે છુપાયેલું છે રહસ્યમય જીવન? 1 - image


Life On Mars: મંગળ ગ્રહ પર બરફની ચાદર છે. આ બરફની નીચે જીવન હોવાનું વિજ્ઞાનીઓનો માનવું છે. વિજ્ઞાનીઓએ રિસર્ચ કર્યું, જેમાં જાણવા મળ્યું કે ત્યાં ફોટોસિંથેસિસ જેવી પ્રક્રિયા થઈ રહી છે. આ જો સાચું છે, તો બરફની નીચે જીવન હોવાની સંભાવના વધી જાય છે.

ફોટોસિંથેસિસ શું છે?

ફોટોસિંથેસિસ એ એક એવી પ્રક્રિયા છે, જેમાં છોડ અને લીલ જેવાં શેવાળો કેમિકલ એનર્જી ઉત્પન્ન કરે છે. આ માટે પાણી અને સૂર્યકિરણ ખૂબ જ જરૂરી છે. પૃથ્વી પર સૌથી વધુ ઓક્સિજન આ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. જો કે નવી સ્ટડી મુજબ મંગળ ગ્રહ પર ખૂબ જ મોટી બરફની ચાદર છે, જેની નીચે જીવન હોવાની સંભાવના છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે સૂરજના રેડિએશનથી બચવા માટે જે પણ જીવિત વસ્તુ હશે તે ફોટોસિંથેસિસ દ્વારા પોતાને જીવિત રાખી શકે છે. આને રેડિએટિવ હેબિટેબલ ઝોન કહેવામાં આવે છે. ફોટોસિંથેસિસ માટે ફક્ત પૂરતી માત્રામાં રોશનીની જરૂર હોય છે. જો કે એનાથી એ વાતની ખાતરી નથી થતી કે ત્યાં જીવન છે.

વિજ્ઞાનીઓના નવા રિસર્ચનો દાવો: મંગળ ગ્રહની બરફની નીચે છુપાયેલું છે રહસ્યમય જીવન? 2 - image

અવકાશયાનના ડેટાના આધારે અનુમાન

મંગળ ગ્રહ પર જીવન હોવાના અનુમાન અવકાશયાનના ડેટાના આધારે છે. નાસાનું માસ ઓર્બિટર, પરસિવરન્સ રોવર, માર્સ સેમ્પલ રિટર્ન અને એક્સોમાર્સ જેવા અવકાશયાનના ડેટાનું વિજ્ઞાનીઓએ એનાલિસિસ કર્યું છે. ત્યારબાદ તેમણે હાઇપોથેસિસ આ ડેટાના આધારે બનાવ્યું છે. જો કે, ત્યાં ખરેખર જીવન છે કે નહીં એ તો બરફની નીચે જઈને તપાસ કર્યા પછી જ ખબર પડી શકશે.

નાસાનું નિવેદન

નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના શોધકર્તા આદિત્ય ખુલ્લરે કહ્યું, 'અમે એમ નથી કહી રહ્યા કે અમે મંગળ પર જીવનની શોધ કરી છે, પણ અમારું માનવું છે કે મંગળ પર ધૂળવાળી બરફની ચાદરની નીચે જીવન હોવાની સંભાવના છે. ભવિષ્યમાં એ વિશે વધુ તપાસ થઈ શકે છે.'

આ પણ વાંચો: રેલવેથી કારકિર્દીની શરૂઆત કરનારા સંજીવ શર્મા IIT સ્ટુડન્ટ, હાલ SpaceXમાં પ્રિન્સિપલ એન્જિનિયર

પૃથ્વી અને મંગળ વચ્ચે તફાવત

પૃથ્વી અને મંગળ બંને હેબિટેબલ ઝોનમાં આવે છે, જેનો અર્થ છે કે ત્યાં જીવન શક્ય છે. પૃથ્વી એની સાબિતી છે, જ્યાં તાપમાન યોગ્ય રહે છે અને પાણી છે. પૃથ્વી પર પાણી છે, પણ મંગળ પર સુકી જમીન વધુ છે. મંગળ ગ્રહ પર જનાર અવકાશયાન દ્વારા ત્યાં સૂકી નદીઓ, તળાવો અને નહેર જેવી લાઇનો જોઈ છે, જે કરોડો વર્ષ પહેલાં પાણી ધરાવતા હતા. આ વાતની પુષ્ટિ મંગળની ચારેબાજુ ફરતાં માર્સ રિકોનેસેંસ ઓર્બિટરે પણ કરી છે, જો કે મંગળ પર હવે પાણી નથી.

વિજ્ઞાનીઓના નવા રિસર્ચનો દાવો: મંગળ ગ્રહની બરફની નીચે છુપાયેલું છે રહસ્યમય જીવન? 3 - image

અલ્ટ્રાવાયોલેટ રેડિએશન

મંગળ પર અલ્ટ્રાવાયોલેટ રેડિએશન ખૂબ જ વધુ પ્રમાણમાં છે, જે જીવન માટે ખતરનાક છે. આદિત્ય ખુલ્લરના જણાવ્યા મુજબ, મંગળ પર પૃથ્વીની જેમ ઓઝોન કવચ નથી, તેથી રેડિએશનનું સ્તર 30 ગણું વધારે છે.

મંગળ પર બરફનું પ્રમાણ

મંગળ પર બરફની ચાદર છે, પણ તે ખૂબ જ પ્રદૂષિત છે. ડેટા અનુસાર, બરફની ચાદર 2થી 15 ઇંચની છે, અને તેની સપાટી પર 0.1 ટકા ધૂળ છે, જેને માર્શિયન ડસ્ટ કહેવામાં આવે છે. આ પ્રદૂષણને કારણે ઘણા વિસ્તારોમાં બરફની ચાદર 7થી 10 ફૂટની છે, જે સૂરજના રેડિએશનથી રક્ષણ આપે છે અને જેનાથી જીવન હોવાની સંભાવના વધે છે.

Tags :