સૂર્યની જ્વાળાઓમાં 60 મિલિયન ડિગ્રીનું તાપમાન : સ્પેક્ટ્રલ લાઇનોના પહોળા થવાનું કારણ પણ મળ્યું
Solar Flares Tempreture: એક નવી સ્ટડી પરથી વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે સૂર્યની જ્વાળાઓ હવે 60 મિલિયન ડિગ્રી સેલ્સિયસના તાપમાને પહોંચતી જોવા મળશે. અગાઉ જે અંદાજો લગાવવામાં આવ્યો હતો એના કરતાં આ છ ગણો વધારે છે. આ રિસર્ચને ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ રિસર્ચમાં સૂર્યની સૌથી શક્તિશાળી જ્વાળાઓ વિશે વાત કરવામાં આવી છે. તેમ જ એમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સ્પેસ વેધરની આગાહી માટેના મોડલમાં હવે ખૂબ જ જલદી બદલાવ કરવું જરૂરી છે જેથી સાચી માહિતી મળી શકે. આ રિસર્ચમાં દાયકાઓ જૂના રહસ્ય વિશે પણ જાણવા મળ્યું છે. સૂર્યની જ્વાળાઓના પ્રકાશમાં સ્પેક્ટ્રલ લાઇનો અસામાન્ય રીતે એકદમ પહોળી દેખાઈ છે. એનું કારણ પણ હવે તેમને જાણવા મળ્યું છે.
સૂર્યની જ્વાળાઓ અને તેની ગરમી
સૂર્યની સપાટીમાંથી એક ધડાકા સાથે જે એનર્જી નીકળે છે એને સૂર્યની જ્વાળાઓ કહેવામાં આવે છે. એના કારણે અંતરિક્ષમાં ખૂબ જ ભયંકર રેડિએશન અને હાઇ-એનર્જી પાર્ટિકલ્સ જોવા મળે છે. વિજ્ઞાનીઓએ એવો અંદાજ લગાવ્યો હતો કે આ જ્વાળાઓનું તાપમાન 10 મિલિયન ડિગ્રી સેલ્સિયસ હશે. જોકે એક નવી સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે આ જ્વાળાઓમાં જે આયન આવેલા છે એ પહેલાંના અંદાજો કરતાં છ ગણું વધુ તાપમાન ધરાવે છે. આ રિસર્ચને યુનિવર્સિટી ઑફ સેન્ટ એન્ડ્રૂઝના પ્રોફેસર એલેક્ઝાન્ડર રશલ દ્વારા લીડ કરવામાં આવ્યું હતું.
તાપમાન વચ્ચે અસમાનતા કેમ છે?
સૂર્યની જ્વાળાઓમાં આયન અને ઇલેક્ટ્રોન્સના તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત છે. ઇલેક્ટ્રોન્સ 10-15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થાય છે, પરંતુ આયન 60 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થાય છે. તાપમાનમાં જોવા મળતું આ અસંતુલન સૂર્યના પ્લાઝ્મા (ગરમ આયનાઇઝ્ડ વાયુ) વિશે વિજ્ઞાનીઓની લાંબા સમયથી જે માન્યતા છે અને વિચારો છે એને પડકાર આપે છે, ખાસ કરીને ત્યારે જ્યારે સૂર્યમાં વિસ્ફોટ થતાં એમાંથી જ્વાળાઓ નિકળે છે ત્યારે. આ રિસર્ચ દ્વારા એ પણ સમજાયું છે કે સ્પેક્ટ્રલ લાઇનો કેમ એકદમ પહોળી દેખાઈ છે. આ માટેનું કારણ ખૂબ જ ગરમ થયેલા આયન છે, જે અત્યંત ઝડપથી હલનચલન કરે છે અને એના કારણે આ લાઇનમાં ફેલાવો જોવા મળે છે અને પરિણામે એ પહોળી દેખાઈ છે.
સ્પેસના વાતાવરણની આગાહીના મોડલમાં બદલાવ જરૂરી
આ શોધ અને રિસર્ચ પરથી સ્પેસના વાતાવરણની આગાહીને લઈને ઘણો મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ માટે મોડર્ન ટૅક્નોલૉજી અને સ્પેસ એક્સપ્લોરેશન ખૂબ જ જરૂરી છે. અત્યારનું જે મોડલ છે એ સૂર્યની જ્વાળાઓમાં જે પાર્ટિકલ્સ છે એમાં એક જ ટેમ્પરેચર પર ફોકસ કરે છે. અલગ-અલગ પાર્ટિકલ્સ માટે અલગ-અલગ ટેમ્પરેચર નથી. આથી એની અંદર ખરેખર કેટલી એનર્જી છે એનો અંદાજ નથી કાઢી શકાતો. જો આયન અંદાજ લગાવવા કરતાં વધુ ગરમી ઉત્પન્ન કરતું હોય તો એ માટે મલ્ટી-ટેમ્પરેચર મોડલની જરૂર છે. આ મોડલ આયન અને ઇલેક્ટ્રોનના તાપમાનને અલગ-અલગ ચેક કરે એ ખૂબ જ જરૂરી છે. એના કારણે સ્પેસના વાતાવરણની આગાહી કરવી ખૂબ જ ચોક્કસ બનશે. આ સાથે જ સેટેલાઇટ ઓપરેટર્સ, એરલાઇન્સ અને એસ્ટ્રોનોટ્સને સોલર સ્ટોર્મ્સ વિશે પણ ચોક્કસ માહિતી આપી શકાશે.
સોલર સ્ટોર્મ્સ સામે સારી ડિફેન્સ સિસ્ટમ જરૂરી
સૂર્યની જ્વાળાઓ ફક્ત સાયન્ટિસ્ટ માટે કૂતુહલ ઊભું કરનારી નથી, પરંતુ એમાં ખૂબ જ મોટું જોખમ પણ રહેલું છે. આ બ્લાસ્ટમાંથી ઉત્પન્ન થયેલું રેડિએશન સેટેલાઇટ્સને ડેમેજ કરી શકે છે. GPSની સેવા પણ અટકી શકે છે અને કોમ્યુનિકેશન પર પણ અસર થઈ શકે છે. આ સાથે જ અંતરિક્ષયાત્રીઓની હેલ્થ પર પણ જોખમ આવી શકે છે. સૂર્યની જ્વાળાઓ વિશેની ચોક્કસ સમજને કારણે સ્પેસ એજન્સીઓ કોઈ પણ જોખમ સામે પોતાને સારી રીતે તૈયાર કરી શકે છે. એટલે કે એક ડિફેન્સ સિસ્ટમ ઊભી કરી શકે, જેમાં ગરમીથી પણ બચી શકાય અને રેડિએશનથી પણ દૂર રહી શકાય.