ભારતીય વિજ્ઞાનીઓએ શોધ્યું ઇનફર્ટિલિટીનું રહસ્ય, જાણો ભારતીય પુરુષોમાં વંધ્યત્વનું જિનેટિક કારણ
Gene Cause Infertility in Man: મુંબઈની ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હેલ્થના વિજ્ઞાનીઓ દ્વારા એક નવા જનીન (Gene)ની શોધ કરાઈ છે. આ જનીનના કારણે ભારતના પુરુષોને પિતા બનવામાં તકલીફ પડી રહી છે. આ જનીન જ પુરુષોની ઇનફર્ટિલિટીનું મુખ્ય કારણ મનાય છે અને તે ભારતના પુરુષોમાં પહેલી વાર જોવામાં આવ્યું છે. આ સ્થિતિને કોન્ગેનિટલ બિલેટરલ એબસન્સ ઓફ વાસ ડેફેરન્સ (CBAVD) કહેવામાં આવે છે. તે ત્યારે જ જોવા મળે છે જે બાળકનો જન્મ ટ્યુબ વગર (વાસ ડેફેરન્સ) થયો હોય. આ ટ્યુબ સ્પર્મને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. આ ટ્યુબ વગર શુક્રાણુ વીર્યમાં નથી ભળી શકતા. આ કારણે કુદરતી પ્રક્રિયામાં ખલેલ પડે છે.
પહેલી વાર ભારતીય પુરુષમાં આ જોવા મળ્યું
CBAVD કન્ડિશન ધરાવતા 93 ભારતીય પુરુષો પર સ્ટડી કરાયો છે. જે પૈકી 70 ટકા પુરુષોના CFTR જિનમાં મ્યુટેશન જોવા મળ્યું હતું. આ મ્યુટેશન સિસ્ટિક ફાઇબ્રોસિસ સાથે પણ કનેક્શન ધરાવે છે. બાકીના પુરુષોમાં CFTR મ્યુટેશન જોવા મળ્યું નહોતું. વિજ્ઞાનીઓ દ્વારા એડવાન્સ વ્હોલ-એક્સોમ સિક્વન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો ત્યારે તેમને બે કેસમાં ADGRG2 જિનમાં મ્યુટેશન જોવા મળ્યું હતું. ભારતીય પુરુષમાં ADGRG2 જિનને કારણે પિતા બનવામાં તકલીફ પડી રહી હોય એ પહેલી વાર જોવા મળ્યું છે. દુનિયાના અન્ય દેશોમાં આ જિન પુરુષને પિતા બનતાં અટકાવે છે એ મળી આવ્યું છે, પરંતુ ભારતમાં પહેલી વાર આ કેસ સામે આવ્યો છે. ADGRG2 એ એક્સ-લિન્ક્ડ જિન છે. એટલે કે આ જિન માતામાંથી સંતાનને મળે છે.
CBAVD કન્ડિશન કેટલી સામાન્ય છે?
CBAVD ખૂબ જ ભાગ્યે જોવા મળતી બીમારી છે. ભારતના લગભગ 2-3 ટકા કેસમાં જ્યાં પુરુષ પિતા ન બની શકતા હોય એમાં આ કન્ડિશન જોવા મળે છે. લગભગ 25 ટકા જેટલા કેસ ઓબ્સ્ટ્રક્ટિવ અઝૂસ્પર્મિયા હોય છે. એમાં વીર્યમાં શુક્રાણુ જોવા નથી મળતાં અને એ માટેનું કારણ બ્લોકેજ અથવા તો નળી ન હોવાનું હોય છે. આ સ્થિતિના કારણે જે કપલ પેરેન્ટ્સ નથી બની શકતા, તેમના માટે IVF અથવા તો ઇન્ટ્રાસાઇટોપ્લાઝ્મિક સ્પર્મ ઇન્જેક્શન એક માત્ર વિકલ્પ છે. તેના દ્વારા તેઓ બાયોલોજિકલ સંતાનને જન્મ આપી શકે છે.
આ પણ વાંચો: જેમિનીનો સાડી ટ્રેન્ડ થયો વાઇરલ: કેવી રીતે તમારા ફોટોઝને ઓનલાઇન પ્રોટેક્ટ કરશો?
આ શોધ કેમ ખૂબ જ મહત્ત્વની છે?
વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફર્ટિલિટીની સારવાર શરૂ કરવા પહેલાં CFTR અને ADGRG2નું સ્ક્રીનિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે. એ કરાવવાથી એનું નિદાન ખૂબ જ ઝડપથી કરી શકાય છે. આ સાથે જ એ સ્ક્રીનિંગ અનુસાર ડોક્ટર પણ એકદમ શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરી શકે છે. આ સ્ક્રીનિંગ કરાવવાથી મહિલાઓએ સોસાયટીમાં જે અપમાન સહન કરવું પડે છે કે તેઓ માતા નથી બની શકતી એ પણ દૂર થાય છે. આથી એક સ્ક્રીનિંગ કરાવવાથી ઘણાં ફાયદા થાય છે.