વિજ્ઞાનીઓની નવી શોધ, 124 પ્રકાશ વર્ષ દૂર આવેલા ગ્રહ પર છે ભરપૂર પાણી…
New Planet with Water: વિજ્ઞાનીઓએ એક નવી શોધ કરી છે. 124 પ્રકાશ વર્ષ દૂર આવેલા એક ગ્રહ પર ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. આ ગ્રહનું નામ K2-18b આપવામાં આવ્યું છે. આ ગ્રહ નેપ્ટુનથી અડધી સાઇઝનો છે અને લાલ તારાની ફરતે ભ્રમણ કરી રહ્યો છે. આ ગ્રહ હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કેમ્બ્રિજના વિજ્ઞાનીએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાનો ઉપયોગ કરીને અગાઉ આ ગ્રહના વાતાવરણમાં ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડ હોવાનું કહ્યું હતું. આ મોલેક્યુલ પૃથ્વી પર જે બાયોલોજિકલ એક્ટિવિટી થાય છે એના જેવા જ છે. જોકે આ ડેટાનો ઉપયોગ ત્યાર બાદ ઘણા વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે રિસર્ચ બાદ એવો દાવો કર્યો છે કે આ ગ્રહ પર પાણી છે.
શું છે પ્રકાશ વર્ષ?
પ્રકાશ વર્ષ એટલે કે કોઈ પણ પ્રકાશને પૃથ્વી પર પહોંચતા લાગતો સમય. પ્રકાશ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. એક સેકન્ડમાં પ્રકાશ ત્રણ લાખ કિલોમીટર ટ્રાવેલ કરે છે. આથી પ્રકાશ એક વર્ષમાં 9.46 ટ્રિલિયન કિલોમીટર ટ્રાવેલ કરે છે. 9.46 ટ્રિલિયનને 124 વડે ગુણતાં જેટલા કિલોમીટર થાય એટલા કિલોમીટરના અંતરે K2-18b આવેલો છે. આથી એને 124 પ્રકાશ વર્ષ દૂર એમ કહેવામાં આવે છે.
ગ્રહના વાતાવરણમાં હાઇડ્રોજન હોવાની આશા
K2-18b પર નજર રાખવામાં આવી રહી હતી ત્યારે ઘણી બાબતો જાણવા મળી હતી. આ ગ્રહના વાતાવરણમાં હાઇડ્રોજન ખૂબ જ વિપુલ પ્રમાણમાં છે. એના કારણે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ હોવાની પણ આશા રાખવામાં આવી છે. ત્યાર બાદ ત્યાં એમોનિયા અને પાણીની વરાળ હોવાની પણ ચર્ચા છે. જો કે આ ગ્રહ પર હજી રિસર્ચ કર્યા બાદ એ વિશે ચોક્કસ માહિતી મળી શકશે. ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડ આ ગ્રહ પર હોવાનો દાવો કરનાર વિજ્ઞાનીઓ પણ હવે આ ગ્રહના ભવિષ્યના ડેટા પર નજર રાખી રહ્યા છે.
ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડ જોવા નથી મળ્યું
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના નવા ડેટા અને જૂના ડેટા બન્નેનો ઉપયોગ કરીને વિજ્ઞાનીઓના એક ગ્રૂપ દ્વારા એને એનાલાઇઝ કરવામાં આવ્યા હતા. આ ડેટાનો ઉપયોગ કરીને તેમણે તારણ કાઢ્યું હતું કે આ ગ્રહ પર કોઈ પણ પ્રકારના ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડ નથી. જો કે આ બન્ને ડેટા પરથી એ જાણવા મળ્યું છે કે આ ગ્રહ પર પાણી વિપુલ પ્રમાણમાં છે કારણ કે ત્યાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ હોવાના પુરાવા મળ્યા છે.
ગ્રહમાં વિપુલ પ્રમાણમાં પાણી હોવાની શક્યતા
K2-18b પર મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જે પ્રમાણમાં જોવા મળ્યા છે એના પરથી લાગે છે કે ત્યાં ખૂબ જ જાડી ઘનતાવાળું વાતાવરણ હોઈ શકે છે. વાયુમંડળના તત્ત્વોની ઘનતા કરતાં એ સો ગણું વધુ હોવાની સંભાવના છે. એમાં 10થી 25 ટકા પાણી હોવાની પણ સંભાવના છે. આ વિશે વિજ્ઞાનીઓ કહે છે, ‘આ પરથી એક વાત તો નક્કી છે કે આ ગ્રહના સ્તર પર પાણી છે અથવા તો ગ્રહની અંદર પાણી રહેલું છે અને એ વિપુલ પ્રમાણમાં છે.’
એમોનિયા અને પાણીની વરાળનું શું?
K2-18b ગ્રહના વાતાવરણમાં એમોનિયા અને કાર્બન મોનોક્સાઇડ જોવા નથી મળ્યા. વિજ્ઞાનીઓનું કહેવું છે કે પાણીનું પ્રમાણ વધુ હોવાથી એમોનિયાનું પ્રમાણ નહીંવત છે. જોકે કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે એ જાણવા માટે વધુ માહિતી જરૂરી છે. પાણીની વરાળ પણ ઓછી જોવા મળી રહી છે. આ માટે વિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે પાણીની વરાળ તેની ચોક્કસ ઊંચાઈએ પહોંચે એ પહેલાં જ એ વરાળ જાડી બની જાય છે એટલે કે ઊંચાઈ સુધી નથી પહોંચી શકતી.
વધુ રિસર્ચ કરવામાં આવશે
K2-18bને વધુ રિસર્ચ કરવાની જરૂર હોવાનું વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે. આ ગ્રહ પર ગેસ અથવા તો સપાટી પર પાણી અથવા તો ગ્રહની અંદર પાણી/બરફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પૃથ્વી જેવો ગ્રહ ન હોવા છતાં એના પર પાણી હોવાથી એનું રિસર્ચ ખૂબ જ મહત્ત્વ ધરાવતું હોવાથી એને વિજ્ઞાનીઓ દ્વારા વધુ ઑબ્ઝર્વ કરવામાં આવશે.