72000 ફોટો બાદ અબોર્શન અને ચીટિંગ વિશેના યુઝર્સના તમામ મેસેજ થયા લીક: ફક્ત મહિલાઓ માટેની ડેટિંગ પ્લેટફોર્મ ‘ટી’ નવી મુશ્કેલીમાં
Tea App Chat Leak: ફક્ત મહિલાઓ માટેની ડેટિંગ એપ્લિકેશનના ડેટા લીક વધુને વધુ ગંભીર પરિસ્થિતિ ધારણ કરી રહ્યા છે. 72000 ફોટો લીક થયા બાદ વુમન-ઓનલી ડેટિંગ સેફ્ટી એપ ‘ટી’ના હવે પ્રાઈવેટ મેસેજ પણ લીક થયા છે. 11 લાખથી વધુ મહિલાઓના પ્રાઈવેટ મેસેજ લીક કરવામાં આવ્યા છે. એમાં તેમણે અબોર્શન, ચીટિંગ વગેરે કર્યું હતું એ વિશેના મેસેજ પણ લીક થયા છે. પહેલાં ડેટા બ્રિચ જ્યારે થયા હતા ત્યારે ફક્ત ફોટા લીક થયા હતા. જોકે આ બ્રિચ હાલમાં જ કરવામાં આવ્યું છે. 404 મીડિયા ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. ‘ટી’ કંપનીના સ્ટેટમેન્ટ અનુસાર ‘ફોટા લીકમાં બે વર્ષ પહેલાની સ્ટોરેજ પર અસર થઈ હતી. ત્યારબાદના યુઝર્સના ડેટા સુરક્ષિત હતા.’ જોકે બીજા ડેટા બ્રિચમાં ઘણી માહિતી ચોરી કરવામાં આવી છે.
મેસેજની સાથે યુઝર્સની ઓળખ પણ થઈ જાહેર
ફોટા બાદ હવે ‘ટી’ ડેટિંગ પ્લેટફોર્મના 11 લાખ યુઝર્સના મેસેજની સાથે સોશિયલ મીડિયા હેન્ડલ, ફોન નંબર અને ‘ટી’ પ્લેટફોર્મ પરનું તેમનું નામ પણ જાહેર થયું છે. 404 મીડિયા દ્વારા આટલી માહિતી પરથી યુઝર્સની સાચી ઓળખ મેળવી લેવામાં આવી હતી જે ખરેખર સિક્રેટ હોવી જોઈએ. આ ડેટા લીકમાં તમામ માહિતી લીક થઈ છે. યુઝર્સ દ્વારા અબોર્શન, ચીટિંગ વગેરે જેવી વાત કરવામાં આવી હતી અને એ પણ નામ સાથે કરવામાં આવી હતી એ દરેક માહિતી લીક થઈ ગઈ છે. આ કારણે હવે ઘણાં યુઝર્સના જીવન પર એની અસર પડી શકે છે.
ખોટા સ્ટેટમેન્ટનો વિરોધ
‘ટી’ કંપનીના ડેટા સ્ટોરેજને લઈને તેની ઘણી ટીકાઓ કરવામાં આવી છે. ‘ટી’ કંપની દ્વારા અગાઉ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે તેમણે સરકાર દ્વારા જે પણ જરૂરી નિયમો હોય એ દરેકનું પાલન કરવામાં આવ્યું છે. જોકે શિકાગોની લોયોલા યુનિવર્સિટીના ઓનલાઈન નેટવર્ક એન્ડ સિક્યોરિટીના પ્રોફેસર પીટર ડોર્ડાલ કહે છે, ‘કંપની દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું એ ગેરમાર્ગે દોરનારું હતું. સરકારના નિયમોના પાલન સાથે કંપની તેમની સિક્યોરિટીને વધુ એડવાન્સ બનાવી શકે છે. આ સાઇબર સિક્યોરિટીથી બચવા માટે તેમણે બનતાં પગલાં લેવાના હતા જે તેમણે નથી લીધા.’
‘ટી’ એપને લઈને વધી કન્ટ્રોવર્સી
‘ટી’ પ્લેટફોર્મને સોફ્ટવેર ડેવલપર સીન કૂક દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેની એવુ પ્લેટફોર્મ બનાવવાની ઇચ્છા હતી જ્યાં મહિલાઓ તેમની ઓળખ છુપાવીને તેમની ડેટિંગ લાઈફ વિશે વાતચીત કરી શકે. એનાથી મહિલાઓ જે-તે પુરુષ વિશે રિવ્યુ આપી શકતા હતા. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે યૂઝરે પહેલાં સેલ્ફી અને સરકારી ઓળખપત્ર જમા કરાવવાનું હોય છે. આ એપ્લિકેશન ખૂબ જ જલદી પોપ્યુલર થઈ ગઈ અને એપલના એપ સ્ટોર પર ટોચ પર આવી ગઈ હતી. આ એપ્લિકેશનની સફળતા બાદ ‘ટી’ કંપનીએ ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો. એના પર પુરુષની ઓળખ અને તેની પાછળ કરવામાં આવતી વાતો વિશે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. પુરુષના હકનું ઉલંઘન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું.