વોટ્સએપનું આ ફીચર ખાલી કરી રહ્યું છે બેન્ક એકાઉન્ટ: જોખમથી દૂર રહેવા માટે આટલું કરો…
WhatsApp Screen Mirror Scam: વોટ્સએપ જેટલું મદદરૂપ થાય છે એટલું જ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. સ્કેમ કરનાર હવે વોટ્સએપનો ઉપયોગ કરે છે અને લોકોને છેતરે છે. એક પછી એક નવી-નવી રીત કાઢી લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. વોટ્સએપ દ્વારા લોકોની સરળતા અને જરૂરી કામ પૂરા થાય એ માટે સ્ક્રીન શેરિંગ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે હવે સ્કેમર્સ દ્વારા એનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્કેમ કરનારા હવે નવી યુક્તિ લઈને આવ્યાં છે જેને વોટ્સએપ સ્ક્રીન મિરરિંગ સ્કેમ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ઇન્ડિયા અને વિદેશમાં પણ આ રીતે સ્કેમ કરવામાં આવી રહ્યું છે.
કેવી રીતે કામ કરે છે આ સ્કેમ?
આ સ્કેમમાં છેતરપિંડી કરનાર બેન્કનો કર્મચારી બનીને ફોન પર વાત કરે છે. હંમેશાં અજાણ્યા નંબર પરથી ફોન કરે છે, બેન્કનો નંબર નથી હોતો. તેઓ યુઝરને ફોન કરીને કહે છે કે તેમનું બેન્ક એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરવામાં આવી હોવાથી તેને બ્લોક કરી દેવામાં આવ્યું છે. ફરીથી એને કાર્યરત કરવા માટે વેરિફિકેશનની જરૂર પડશે અને એ માટે યુઝર પાસે વેરિફિકેશન કરાવે છે. આ માટે તેઓ યુઝરને બેન્કની બ્રાન્ચમાં બોલાવે છે.
જોકે તરત જ અન્ય વિકલ્પ આપે છે કે તેઓ વોટ્સએપ વીડિયો કોલ પર પણ એ કરી શકે છે. ત્યાર બાદ તેઓ સ્ક્રીન શેરિંગ માટે રિક્વેસ્ટ મોકલે છે. આ સ્વીકૃતિની સાથે જ છેતરપિંડી કરનાર યુઝરના મોબાઇલની તમામ વસ્તુ જોઈ શકે છે. બેન્ક એપ્લિકેશનમાં સ્ક્રીન મિરરિંગ ચાલુ હોય ત્યારે કામ નથી કરતી, પરંતુ ગૂગલ ક્રોમ અથવા તો સફારીમાં કરી શકાય છે. તેમ જ જો ત્યારે પણ ઓપન ન થાય તો પણ યુઝર જ્યારે પાસવર્ડ દાખલ કરે છે એને છેતરપિંડી કરનાર જોઈ લે છે. આથી તરત જ એ વ્યક્તિ એનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરે છે અને એ માટે યુઝર પર વન ટાઇમ પાસવર્ડ આવે એને પણ વાંચી લે છે. આથી તરત જ યુઝરના ખાતાને ખાલી કરી નાખે છે.
આ કેમ ખતરનાક છે?
ઘણી વાર સ્ક્રીન કેપ્ચર પ્રોટેક્શન હોવા છતાં હેકર્સ એ સિક્યોરિટીને બાયપાસ કરી શકે છે. બેન્કની મોટાભાગની એપ્લિકેશનમાં સ્ક્રીન કેપ્ચર પ્રોટેક્શન હોય છે. તેમ જ સ્ક્રીનશોટ પણ નથી લઈ શકાતો. જોકે એમ છતાં આવી એપ્લિકેશનની સિક્યોરિટીને પણ હેકર્સ બાયપાસ કરી શકે છે. આ માટે વૃદ્ધો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં નહીં આવડતું હોય એવી વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે. થોડી મિનિટની અંદર યુઝરનું બેન્ક એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ શકે છે.
કેવી રીતે પોતાને પ્રોટેક્ટ કરશો?
બેન્કમાંથી કોઈ પણ વ્યક્તિનો કોલ આવે તો પહેલાં એની ઓળખ જાણવી અને સાચે જ બેન્કમાંથી ફોન આવ્યો છે કે નહીં એની જાણ કરવી. મોટાભાગે બેન્કમાંથી ફોન નથી આવતા અને જે આવે છે એ રિલેશનશિપ મેનેજરના હોય છે જેનો નંબર પહેલેથી યુઝર પાસે હોય છે. ઇમેલ અને એપ્લિકેશન બન્નેમાં એ આપવામાં આવ્યો હોય છે. તેમ જ કોઈ પણ વ્યક્તિ સાથે ખાસ કરીને પૈસાની વાત હોય ત્યારે સ્ક્રીન શેર નહીં કરવી.
જો સ્ક્રીન શેર કરી હોય તો એ સમયે બેન્ક એપ્લિકેશન, UPI એપ્લિકેશન અને વોલેટ જેવી એક પણ એપ્લિકેશન ઓપન ન કરવી. આ સાથે જ અજાણી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટેના ફીચરને બંધ રાખવું. એન્ડ્રોઇડમાં એ વિકલ્પ આપવામાં આવ્યો છે. શંકાસ્પદ લાગે તો ઘરની અથવા તો બહારની કોઈ પણ ઓળખીતી વ્યક્તિ જેને આ બધામાં સમજ પડતી હોય એને પૂછી લેવું. જો છેતરપિંડી થઈ જ ગઈ હોય તો એને 1930 પર ફોન કરી અથવા તો cybercrime.gov.in પર રિપોર્ટ ફાઇલ કરવો.