મોદી, નારાયણ મૂર્તિ અને નિર્મલા સિતારામનના ડીપફેક વીડિયોથી કરવામાં આવી રહી છે છેતરપિંડી, જાણો માહિતી…
Online Scam: સોશિયલ મીડિયામાં હાલમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારામન અને નારાયણ મૂર્તિના કેટલાક વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોને આધારે લોકોને છેતરવામાં આવી રહ્યું છે. આ તમામ વીડિયો ડીપફેક છે. AIની મદદથી આ વીડિયો બનાવવામાં આવ્યા છે અને તેમાં ખૂબ જ ઓછા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા વધુ પૈસા મેળવવાની લાલચ આપવામાં આવી રહી છે. આ વેબસાઇટ પર પોતાની માહિતી શેર કર્યા પછી ઘણા યુઝર્સની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
ફેસબુક પર કરવામાં આવે છે એડ્સ
સ્કેમર્સ દ્વારા આ ડીપફેક વીડિયોને ફેસબુક પર પેઇડ એડ્સ તરીકે રજૂ કરવામાં આવે છે. તેથી આ પોસ્ટ અને વીડિયો વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ વીડિયોમાં કહેવામાં આવે છે કે ₹21000નું ઇન્વેસ્ટમેન્ટ કરતાંની સાથે જ એક અઠવાડિયામાં નવ લાખ રૂપિયા સુધીના પૈસા મેળવી શકાય છે. આ માટે એડ અથવા તો લિંક પર ક્લિક કરવાનું રહે છે. ત્યાર પછી તેમાં જરૂરી માહિતી ભરતાં જ યુઝર પર ફોન આવે છે. એક્સપર્ટ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આ સ્કેમ દ્વારા ભારતમાં ₹ 20000 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ શકે છે.
આ પણ વાંચો: પાર્ટનરને ચીટ કરવા માટે આઇફોનની નોટ્સનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ, જાણો કેવી રીતે…
ચેતીને રહેવા માટે સરકારની અપીલ
સરકારે લોકોને કહ્યું છે કે આ માટે લોકોએ ચેતીને રહેવું પડશે. કોઈ પણ જાણીતી વ્યક્તિ આ પ્રકારની એડમાં જોવા મળે તો શક્યતા છે કે 99 ટકા એડ્સ ખોટી હોઈ શકે. આ માટે યુઝર દ્વારા તેમને નજરે પડતી દરેક એડ્સને રિપોર્ટ કરવી જરૂરી છે. AI દ્વારા ઘણી રીતે લોકોને છેતરવામાં આવે છે. ઘણી વાર અવાજ પણ અન્ય વ્યક્તિ જેવો કાઢીને છેતરી શકાય છે. તેથી યુઝર દ્વારા એનાથી દૂર રહેવું વધુ હિતાવહ છે. તેમજ કોઈ પણ લિંક અથવા તો એડ્સ પર ક્લિક કરવાથી દૂર રહેવું.