મેટા કંપનીના નામે નોકરીની ખોટી ઓફર: છેતરપિંડીથી કેવી રીતે બચવું?
Job Scam Using Meta Name: સાઇબર ક્રાઇમ દિવસે-દિવસે વધી રહ્યા છે, અને હવે લોકોને ઢગવા માટેના નવા-નવા રસ્તાઓ શોધી રહ્યા છે. પહેલાં બેરોજગાર લોકોને નોકરી આપવાની લાલચ આપી તેમને ઢગવામાં આવતું હતું. જોકે હવે ભણેલા-ગણેલા લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ એક વ્યક્તિને મેટા કંપનીમાં નોકરીની ઓફર આપીને છેતરવાની કોશિશ કરવામાં આવી હતી. એમાં જોબની પ્રોફાઇલ, પગાર જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી.
નોકરીની ઓફર આપવામાં આવી
આ ઓફર ઇન્ડિયાટુંડેના એક કર્મચારીને મોકલવામાં આવી હતી. એ ઓફરમાં એ કર્મચારીની તમામ વિગતો પણ હતી. આ માહિતી સ્કેમ કરનારને સોશિયલ મીડિયા અને લિંક્ડઇન જેવી પ્રોફાઇલ પરથી મળી હતી. આથી, તમામ માહિતી હોવાને કારણે ઓફર પહેલી નજરે એકદમ વિશ્વાસપાત્ર લાગી રહી હતી.
ફેસબુક મેસેંજરનો હેડ હોવાનું કહેવામાં આવ્યું
આ ઓફરમાં જોબ અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી. ઇમેલ મોકલનારનું નામ Lou Zumopano હતું. તેનો ઇમેલ તેના પોતાના નામ પરથી આવ્યો હતો અને તેણે પોતાને ફેસબુક મેસેંજરનો લીડ રીક્રૂટર તરીકે ઓળખાવ્યો હતો. આ ઓફર એટલી શ્રેષ્ઠ રીતે તૈયાર કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિએ તેને જોઈને વિશ્વાસપાત્ર સમજવાની શક્યતા હતી. સ્કેમ કરનાર માટે આ જ સૌથી મહત્વપૂર્ણ બાબત હતી કે સામેની વ્યક્તિને આ ઓફર પર વિશ્વાસ આવે.
સ્કેમ કરવાની કોશિશ
આ ઇમેલને વારંવાર રિવ્યૂ કરતા જાણવા મળ્યું કે તે મૂળભૂત રીતે અસલી નહોતું. ઇમેલનું ડોમેન ફેસબુક અને મેટાના સ્ટાન્ડર્ડ સાથે મેળ ખાતું નહોતું. જોકે, આ ઘટના એક જ વ્યક્તિ સાથે નથી થઈ. આજ સુધીમાં ઘણા લોકો સાથે આવી જ ઘટનાઓ થઈ છે, જેમને પણ મેસેંજર અને મેટા કંપનીમાંથી આવી રીતે ઇમેલ મળ્યા હતા. આ પ્રકારના સ્કેમને Spear-Phishing Attack કહેવાય છે, જેમાં કોઈ વ્યક્તિને નોકરી અથવા અન્ય કોઈ લાલચ આપી છેતરવામાં આવે છે.
કેવી રીતે ઓળખવું કે વાસ્તવિક છે કે નહીં?
આ મેસેજ, ઇમેલ અથવા નોકરીની ઓફર કોઈ પણ વ્યક્તિને આવી શકે છે. માટે, જરૂરી માહિતી ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આવી ઓફરો દેખાવમાં ખૂબ જ વિશ્વાસપાત્ર લાગે છે. સૌથી પહેલા, ઇમેલ મોકલનારના ઇમેલ એડ્રેસના દરેક અક્ષર અને ડોમેન નામનું ખાસ ધ્યાન રાખવું. જો ડોમેન નામ કંપનીના મૂળ ડોમેનથી અલગ હોય, તો સમજી લેવું કે તે છેતરપિંડી માટેનો ઇમેલ છે.
લિંક પર ક્લિક ન કરવું
ઇમેલ કોણે મોકલ્યું, ક્યાંથી આવ્યું અને કેમ આવ્યું તેની તમામ માહિતી પહેલાં ચેક કરવી. જો તમામ માહિતીની પુષ્ટિ થાય અને વિશ્વાસપાત્ર લાગે, તો જ લિંક પર ક્લિક કરવું. જો પહેલા લિંક પર ક્લિક કરવામાં આવે, તો તે દ્વારા વાયરસ પણ આવી શકે છે. લિંક ઓપન કરતાં, યુઝર્સને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં પણ આવી શકે છે. તેથી, લિંક પરથી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી દૂર રહેવું.