સેમસંગની નવી બેટરી ટૅક્નોલૉજી: કાર્બન-સિલિકોન બેટરી વધુ બેકઅપ અને લાંબી લાઇફ આપશે
Samsung New Battry Technology: સેમસંગ હવે સ્માર્ટફોનમાં ખૂબ જ મોટો બદલાવ કરવા જઈ રહ્યું છે. હાલ સેમસંગ બેટરી ટૅક્નોલૉજી પર કામ કરી રહ્યું છે, જેમાં હવે મોબાઇલમાં કાર્બન-સિલિકોન બેટરીનો ઉપયોગ કરવામાં આવશે. આ બેટરીમાં વધુ બેકઅપ કેપેસિટી હોવાની સાથે બેટરી લાઇફ પણ વધશે. અત્યારે જે લિથિયમ-આઇઓન બેટરી આવે છે, તેના કરતાં આ બેટરીની ક્ષમતા ઘણી વધુ હશે.
કાર્બન-સિલિકોન બેટરી કેમ ખાસ છે?
લિથિયમ-આઇઓન બેટરીમાં ગ્રેફાઇટ હોય છે, જ્યારે કાર્બન-સિલિકોન બેટરીમાં ગ્રેફાઇટની જગ્યાએ સિલિકોન-કાર્બન કોમ્પોઝિટ લેવાશે. આ બદલાવના કારણે, ગ્રેફાઇટ કરતાં સિલિકોન વધુ લિથિયમનો સમાવેશ કરી શકે છે, જે બેટરી લાઇફ વધારવામાં સહાયક થાય છે.
સિલિકોનનું સ્ટ્રક્ચર એવી રીતનું છે કે લિથિયમ વધુ ઝડપથી ગતિ કરી શકે છે એને કારણે મોબાઇલ ચાર્જ થવામાં ઓછો સમય લાગશે. એટલે કે, ચાર્જિંગ સમય પહેલાં કરતાં ઘણો ઓછો થશે. ઉપરાંત, કાર્બનનો સમાવેશ બેટરીમાં કરવામાં આવ્યો છે, જે સિલિકોનની કાર્યક્ષમતા ઓછી થતી અટકાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો સિલિકોન બેટરીની લાઇફ પૂરી થવામાં ચાર વર્ષનો સમય લાગતો હોય, તો કાર્બન તેની લાઇફ વધારે. આ બેટરી પર્યાવરણ માટે પણ ફાયદાકારક સાબિત થશે, કારણ કે લિથિયમ-આઇઓન બેટરી માટે જે મટિરિયલનો ઉપયોગ થતો હોય, તેની જરૂર અહીં નહીં પડે.
સેમસંગ ક્યારે લોન્ચ કરશે આ બેટરી?
સેમસંગ ગેલેક્સી S26 અથવા ગેલેક્સી ટ્રાઇફોલ્ડ સાથે આ બેટરી લોન્ચ કરી શકે છે. કાર્બન-સિલિકોન ટૅક્નોલૉજી દ્વારા, મોબાઇલનું વજન વધાર્યા વગર બેટરી કેપેસિટીમાં 12.8%નો વધારો કરી શકાશે.
એનો અર્થ એ થયો કે યુઝર્સ હવે એકવાર ચાર્જ કર્યા બાદ મોબાઇલને પહેલાં કરતાં વધુ સમય માટે ઉપયોગ કરી શકશે. સાથે જ, તેમને બહુ જલદી બેટરી બદલવાની જરૂર નહીં પડે.
મોબાઇલ બેટરીનું ભવિષ્ય
સેમસંગ દ્વારા કાર્બન-સિલિકોન બેટરી પહેલી વખત રજૂ કરવામાં આવી રહી નથી. અત્યાર સુધી ચીનમાં ઓનર અને શાઓમી દ્વારા આ બેટરી ઉપયોગમાં લેવામાં આવી હતી. જોકે, હવે સેમસંગ દ્વારા તેનો ઉપયોગ વિશ્વભરમાં થશે, એટલે કે, આ બેટરી મુખ્ય માર્કેટમાં પ્રવેશ કરશે. સેમસંગ દ્વારા આ ટૅક્નોલૉજી અપનાવાતા, ધીમે-ધીમે અન્ય મોબાઇલ કંપનીઓ પણ કાર્બન-સિલિકોન બેટરી તરફ વળશે. તેથી, મોબાઇલ બેટરીનું ભવિષ્ય લિથિયમ-આઇઓન બેટરી નહીં, પરંતુ કાર્બન-સિલિકોન બેટરી હશે, એમ કહેવું ખોટું નથી.