ભારત બહુ જલદી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે : 6174 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરી શકશે હુમલો
India HyperSonic Missile: ભારત બહુ જલદી એક નવી મિસાઇલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ એક ડિફેન્સ મિસાઇલ છે અને તેને ભારત દ્વારા બનાવવામાં આવી છે. આ હાઇપરસોનિક મિસાઇલની ગતિ મેક 5, એટલે કે અંદાજે 6174 કિલોમીટર પ્રતિ કલાકની હશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના વૈજ્ઞાનિક ડોક્ટર સુધિર કુમાર મિશ્રા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત "પાવરિંગ ભારત સમિટ"માં કરવામાં આવી હતી. ભારતે હાલમાં જ હાઇપરસોનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ પૂરું કર્યું છે અને તેને બહુ જલદી જાહેર કરવામાં આવશે.
પોતાના વિકાસમાં આવેલ ટેક્નોલોજી
DRDOના ડિરેક્ટર જનરલ અને બ્રહ્મોસ એરોસ્પેસના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડોક્ટર સુધિર કુમાર મિશ્રાના કહેવા મુજબ, બ્રહ્મોસ માટેની તમામ ટેક્નોલોજી DRDO દ્વારા ભારતમાં જ વિકસાવવામાં આવી છે. સુધિર કુમાર મિશ્રા જણાવે છે, “બે-ત્રણ અઠવાડિયા પહેલાં અમે હાઇપરસોનિક એન્જિનનું પરીક્ષણ કર્યું હતું. હવે અમે હાઇપરસોનિક મિસાઇલ લઈને આવીશું, જેની ગતિ મેક 5, એટલે કે 6174 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પહોંચી શકે એવી હશે.”
બ્રહ્મોસ કરતાં વધુ ભરોસાપાત્ર હશે મિસાઇલ
બ્રહ્મોસ ભારત માટે ખૂબ જ મહત્વની મિસાઇલ છે, જેનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે. આ મિસાઇલને તોડી પાડવું સરળ નથી, કારણ કે એ માટે અતિ-અદ્યતન ટેક્નોલોજીની જરૂર પડે. આથી, આ મિસાઇલને અટકાવવી સહેલી નહીં હોય. હવે નવી હાઇપરસોનિક મિસાઇલ બનાવવામાં આવી રહી છે. બ્રહ્મોસ મિસાઇલના 130થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે, અને દરેક વખતે એની ક્ષમતા અને ચોક્કસતામાં વધારો થયો છે. હાઇપરસોનિક મિસાઇલને પણ DRDO આ જ પ્રમાણમાં વિકસાવી રહ્યું છે, જ્યાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે, અને ખર્ચ અન્ય ગૌણ મુદ્દા તરીકે જોવામાં આવે છે.
DRDOએ ડિફેન્સ ટેક્નોલોજીમાં રોકાણ કરનારને ચેતવણી
DRDO દ્વારા ડિફેન્સ ટેક્નોલોજીમાં રોકાણ કરનારને ચેતવણી આપવામાં આવી છે. ડોક્ટર સુધિર મિશ્રા મુજબ, ડિફેન્સ ટેક્નોલોજીના સંશોધન અને વિકાસમાં ઓછામાં ઓછો એક દાયકો લાગે છે, છતાં એનું પરિણામ ચોક્કસ નથી હોતું. ભારતમાં હાલમાં અનેક ડ્રોન કંપનીઓ ઉભરી રહી છે. સુધિર કુમાર મિશ્રા કહે છે, “આજે ભારતમાં 400થી વધુ ડ્રોન કંપનીઓ છે. જોકે, હું કહીશ કે એમાંથી 20થી વધુ કંપનીઓ પણ આ માર્કેટમાં ટકી શકશે નહીં.”