Get The App

ગેલેક્સી યુઝર્સને મોબાઇલ અપડેટ કરવાની ફરજ પડાઈ, જાણો શું છે કારણ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
ગેલેક્સી યુઝર્સને મોબાઇલ અપડેટ કરવાની ફરજ પડાઈ, જાણો શું છે કારણ 1 - image


Samsung Anti-Theft Update: સેમસંગ દ્વારા એક મહત્ત્વની અપડેટ જાહેર કરવામાં આવી છે. આ અપડેટ ગેલેક્સી મોબાઇલ માટેની છે. આ અપડેટ ખાસ કરીને યુકેના યુઝર્સને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. યુકેના ઘણાં એન્ડ્રોઇડ મોબાઇલ ચોરી થઈને અન્ય દેશમાં વેચવા માટે મોકલવામાં આવી રહ્યા છે. આથી સેમસંગ દ્વારા એન્ટી-થેફ્ટ સિસ્ટમને લોન્ચ કરવામાં આવી છે. તેમણે One UI 7 અપડેટ દ્વારા ત્યાંના ચાર કરોડથી વધુ યુઝર્સને પ્રોટેક્ટ કરવા માટે આ ફીચર શરુ કર્યું છે.

એન્ટી-થેફ્ટ ફીચર દ્વારા સિક્યોરિટીમાં વધારો

સેમસંગ દ્વારા એન્ટી-થેફ્ટ ડિટેક્શન લોક સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું હતું અને સેમસંગ દ્વારા આ ફીચરને હવે તેમના મોબાઇલમાં આપી દેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં એક મશીન લર્નિંગ સિસ્ટમ છે. આથી મોબાઇલને જ્યારે ખેંચી લેવામાં આવે ત્યારે અથવા તો મોબાઇલને એવું લાગે છે કે એને ચોરી લેવામાં આવ્યો છે ત્યારે એને ઓટોમેટિક લોક કરી દેવામાં આવશે. આથી કોઈ પણ વ્યક્તિ એને અનલોક નહીં કરી શકે અને રીસેટ પણ નહીં કરી શકે. આ સાથે જ આ મોબાઇલમાં ઑફલાઇન ડિવાઇસ લોક છે. મોબાઇલ ચોક્કસ સમયથી વધુ માટે ઑફલાઇન રહે અથવા તો એને અનલોક કરવામાં નહીં આવે તો પણ આ લોક ઓટોમેટિક ઓન થઈ જશે.

આ મોબાઇલમાં રિમોટ લોક ફીચર પણ છે. જો મોબાઇલ ચોરી થઈ ગયો હોય તો પણ યુઝર દ્વારા એને લોક કરવામાં આવી શકે છે. જો ચોર દ્વારા ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હોય તો પણ યુઝર તેના મોબાઇલ નંબર અને અન્ય વેરિફિકેશનનો ઉપયોગ કરીને મોબાઇલને લોક કરી શકશે. આ કરવાથી યુઝરના ડેટા પણ પ્રોટેક્ટ રહેશે.

ગેલેક્સી યુઝર્સને મોબાઇલ અપડેટ કરવાની ફરજ પડાઈ, જાણો શું છે કારણ 2 - image

બાયોમેટ્રિક વેરિફિકેશનની જરૂર પડશે

આ નવી અપડેટમાં બે વધુ સિક્યોરિટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું ફીચર છે આઇડેન્ટિટી ચેક ફીચર. મોબાઇલમાં જ્યારે પણ સેટિંગમાં બદલાવ કરવામાં આવે અને આ બદલાવ એવી જગ્યાએથી કરવામાં આવે જ્યાં યુઝર પહેલાં ક્યારેય ગયો ન હોય અથવા તો બહુ ઓછી વાર ગયો હોય તો એ સેટિંગ બદલાવ માટે યુઝરના બાયોમેટ્રિકની જરૂર પડશે. બીજું ફીચર છે સિક્યોરિટી ડિલે. આ ફીચરની મદદથી જ્યારે ફેક્ટરી રીસેટ કરવામાં આવશે ત્યારે એ માટે એક કલાક માટે રાહ જોવી પડશે. આથી યુઝરને તેનો મોબાઇલ ચોરી થઈ ગયો હોય તો એને લોક કરવા માટે સમય મળી જશે.

આ પણ વાંચો: માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી બોરિયા-બિસ્તરા લઈને રવાના, જાણો કેમ લેવાયો આવો નિર્ણય

યુઝર્સને અપડેટ કરવા માટે કંપની પાડી રહી છે ફરજ

One UI 7 સેમસંગ ગેલેક્સી S25માં પહેલેથી ઇન્સ્ટૉલ આવે છે. એથી એમાં એન્ટી-થેફ્ટ ફીચર્સ પહેલેથી છે. આ અપડેટ હવે ગેલેક્સી S24, S23 અને S22ની સાથે ગેલેક્સી Z ફ્લિપ અને ફોલ્ડ સિરીઝ 5 અને 6 માટે પણ લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટ હાલમાં યુકે માટે થઈ છે. જોકે બહુ જલદી ધીમે-ધીમે દરેક દેશ માટે એને લોન્ચ કરવામાં આવશે. આ માટે લોકોને જાગૃત કરવા અને તેમને અપડેટ કરવા માટે સેમસંગ દ્વારા ટીવી, રેડિયો અને ઑનલાઇન ચેનલ પર ઍડ્સ આપવામાં આવી રહી છે. આવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે કંપની યુઝર્સને અપડેટ કરવા માટે ઍડ આપે.

Tags :