માઇક્રોસોફ્ટ પાકિસ્તાનમાંથી બોરિયા-બિસ્તરા લઈને રવાના, જાણો કેમ લેવાયો આવો નિર્ણય
Microsoft Exits From Pakistan: માઇક્રોસોફ્ટ દ્વારા 25 વર્ષ પાકિસ્તાનમાં કામ કર્યા બાદ તેમણે ત્યાં કામ કરવાનું બંધ કરી દીધું છે. માઇક્રોસોફ્ટ દ્વારા દુનિયાભરના દેશોમાં તેમના કુલ 9000 કર્મચારીઓને છૂટા કરાયા છે. તેમાં પાકિસ્તાનના તમામ કર્મચારીઓને છૂટા કરી કંપની ત્યાં બંધ કરવામાં આવી છે. તેમના માટે આ ફક્ત એક બિઝનેસને લઈને કરવામાં આવેલું પગલું નથી, પરંતુ પાકિસ્તાનમાં ટૅક્નોલૉજીને લઈને જે પરિસ્થિતિ છે એના આધારે આ નિર્ણય લેવાયો છે. પોલિટિક્સ, ઈકોનોમી અને બિઝનેસને લઈને કોઈ તક ન હોવી એ દરેક બાબત પાકિસ્તાનને નડી રહી છે. પાકિસ્તાને જો એના પર ધ્યાન ન આપ્યું તો માઇક્રોસોફ્ટની જેમ ઘણી કંપનીઓ બિઝનેસ છોડી દેશે.
માઇક્રોસોફ્ટના આ નિર્ણયને લઈને દેશનું ભવિષ્ય સંકટમાં છે એ ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડન્ટ ડૉક્ટર આરિફ અલ્વીએ X પર પોસ્ટ કર્યું કે ‘પાકિસ્તાન હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં બેરોજગારી વધી રહી છે. અમારું ટેલેન્ટ હવે વિદેશ જઈ રહ્યું છે. દેશના ભવિષ્ય માટે આ ખૂબ જ મોટો ખતરાનો સંકેત છે.’
રાજકીય હેરાનગતિ પણ જવાબદાર
માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ 2022ની ફેબ્રુઆરીમાં પાકિસ્તાન આવ્યા હતા ત્યારે આરિફ અલ્વીએ તેમની સાથે મુલાકાત કરી હતી. આ એક અંગત મુલાકાત હતી. એ સમયે બિલ ગેટ્સે એ સમયના પ્રાઇમ મિનિસ્ટર ઈમરાન ખાન અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલા વચ્ચે ફોન કોલ દ્વારા મિટિંગ કરી હતી અને પાકિસ્તાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આ વિશે આરિફ અલ્વીએ X પર કહ્યું કે ‘2022ના ઑક્ટોબરમાં માઇક્રોસોફ્ટ તેમની કંપનીને એક્સપેન્ડ કરવા માટે વિયેતનામને પસંદ કર્યું હતું. જોકે આ માટે પહેલી પસંદ પાકિસ્તાન હતી. જોકે ઈમરાન ખાનને હટાવતા આ પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાન એક ડીલને પોતાની તરફ નહોતું કરી શક્યું.’
સતત નબળું પડતું અર્થતંત્ર
પાકિસ્તાનની ઈકોનોમી સતત નબળી પડી રહી છે. માર્કેટમાં ખૂબ જ વધુ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ફોરેન રિઝર્વમાં પણ અછત આવી રહી છે. મોંઘવારી આસમાને છે. તેમના માટે લોન લઈને દેશ ચલાવવો એકમાત્ર ઉપાય છે. પાકિસ્તાનમાં આ તમામ સમસ્યાને ધ્યાનમાં રાખીને મોટી-મોટી કંપનીઓ હવે તેમનું કામ ધીમે-ધીમે બંધ કરી રહી છે. માઇક્રોસોફ્ટ દ્વારા આ નિર્ણય તેમનો અંગત નહીં, પરંતુ બિઝનેસને ધ્યાનમાં રાખીને છે. પાકિસ્તાનમાંથી હવે તેમને પ્રોફિટ નથી દેખાઈ રહ્યો. આથી મલ્ટિનેશનલ કંપની હવે પાકિસ્તાનને છોડવાનું નક્કી કરે તો નવાઈ નહીં. આ સાથે જ પાકિસ્તાનમાં ટેક કંપનીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વારંવાર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. ટેક્સમાં કોઈ ચોક્કસ નિયમો નથી. તેમ જ મલ્ટિનેશનલ કંપનીઓ માટેની પોલિસી એટલી સરળ નથી કે તેઓ સરળતાથી કામ કરી શકે.
દુનિયાભરમાં છટણીના નિર્ણયો
માઇક્રોસોફ્ટ દ્વારા 2024-25માં દુનિયાભરની તેમની તમામ કંપનીઓમાં કૉસ્ટ કટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી આ છટણીમાં પાકિસ્તાનની આખી કંપનીને સમાવી લેવામાં આવી છે. તેમનો ટાર્ગેટ 9000 કર્મચારીઓને છૂટા કરવાનો હતો. મોટા ભાગના લોકોને એન્જિનિયર અને પ્રોડક્ટ ટીમમાંથી છૂટા કરવામાં આવ્યા છે. જોકે પાકિસ્તાનનું યુનિટ સંપૂર્ણ બંધ થઈ ગયું છે.
આ પણ વાંચો: 18 વર્ષથી ગર્ભવતી ન થતી મહિલાએ AIની મદદથી બાળકને આપ્યો જન્મ, જાણો કેવી રીતે…
પાકિસ્તાનના ટેક સેક્ટરનું ભવિષ્ય શું?
પાકિસ્તાનમાંથી માઇક્રોસોફ્ટની એક્ઝિટ ખૂબ જ મુશ્કેલી ઊભી કરી શકે છે. પાકિસ્તાનમાં ગ્લોબલ કંપનીઓમાંની એક માઇક્રોસોફ્ટ છે. આથી તેમણે કંપની બંધ કરી હોવાથી પાકિસ્તાનના ટૅક્નોલૉજી ક્ષેત્ર અને વૈશ્વિક રોકાણમાં મોટું ગાબડું પડી ગયું છે. ટેલેન્ટ ડેવલપમેન્ટ અને ગ્લોબલ પાર્ટનરશિપમાં પણ પાકિસ્તાન હવે ખૂબ જ પાછળ ધકેલાઈ ગયું છે. તેમજ પાકિસ્તાનમાંથી માઇક્રોસોફ્ટની એક્ઝિટને કારણે દુનિયા હવે આ દેશને એક સ્ટેબલ માર્કેટ તરીકે નહીં જુએ. આથી ભવિષ્યમાં કંપનીઓ પાકિસ્તાનમાં રોકાણ કરતાં ડરશે.