સેમસંગથી ભૂલમાં જાહેર થઈ ગઈ ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોનની ડિઝાઇન: નવમી જુલાઈએ છે લોન્ચ ઇવેન્ટ
Samsung Tri-Fold Mobile: સેમસંગ દ્વારા તેના ટ્રી-ફોલ્ડ મોબાઈલની ડિઝાઇન ભૂલથી જાહેર કરી દીધી છે. આ મોબાઈલને ગેલેક્સી G ફોલ્ડ નામ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સેમસંગનો પહેલો ટ્રી-ફોલ્ડ મોબાઈલ છે. ટ્રી-ફોલ્ડ એટલે કે એમાં ડિસ્પ્લે ત્રણ હશે જેને બે વાર ફોલ્ડ કરવામાં આવશે. આ મોબાઈલને નવમી જુલાઈએ સેમસંગની અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે એની લોન્ચ પહેલાં જ સેમસંગથી એક ભૂલ થઈ ગઈ છે.
કેવી રીતે જાહેર થઈ ડિઝાઇન?
સેમસંગ દ્વારા તેની લેટેસ્ટ One UI 8 સોફ્ટવેર અપડેટ લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટમાં કેટલાક એનિમેશન છે જેના કારણે આ નવી ડિવાઇસની ડિઝાઇન, એને કેવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે, ડિસ્પ્લે લેઆઉટ, કેમેરા કોન્ફિગરેશન અને NFC ક્યાં હશે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી આ એનિમેશન પરથી ડિઝાઇન કેવી હશે એની માહિતી મળી ગઈ છે. જાન્યુઆરીમાં થઈ હતી જાહેરાત સેમસંગ દ્વારા જાન્યુઆરીમાં તેના નવા ફોલ્ડેબલ ફોનની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત એટલે કે એ વિશે ટીઝર આપવામાં આવ્યું હતું. સેમસંગ દ્વારા એક ચિત્ર દેખાડવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે તેઓ ટ્રી-ફોલ્ડ લઈને આવી રહ્યાં છે. સેમસંગ દ્વારા રિલીઝ કરવામાં આવેલી અપડેટમાં જે એનિમેશન છે તેના મુજબ આ નવા ફોનમાં ત્રણ લાર્જ કેમેરા છે અને ત્રણ ડિસ્પ્લે પેનલ છે, જે માટે બે હિંઝ(મિજાગરા)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેવી રીતે કરવામાં આવશે ફોલ્ડ?
એનિમેશનમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે મોબાઈલને ફોલ્ડ કેવી રીતે કરવામાં આવશે. એમાં બે હિંઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાબી બાજુની સ્ક્રીનને અંદરની સાઇડ ફોલ્ડ કરવામાં આવશે. એના ઉપર જમણી બાજુની સ્ક્રીન ફોલ્ડ કરવામાં આવશે. એક એનિમેશનમાં વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. એમાં જણાવાયું છે કે જો જમણી સ્ક્રીનને પહેલાં બંધ કરવામાં આવશે તો ડાબી સ્ક્રીન બંધ નહીં થાય અને સ્ક્રીન ડેમેજ થઈ શકે છે. આ પાછળનું કારણ જમણી સ્ક્રીનની પાછળ આવતાં કેમેરા મોડ્યુલ છે. આ અન્ય ફોનથી આ સ્ક્રીનની ડિઝાઇન એકદમ અલગ છે.
નવમી જુલાઈએ થશે લોન્ચ
સેમસંગ દ્વારા આ મોબાઈલને લોન્ચ કરવા માટે નવમી જુલાઈએ ઇવેન્ટ રાખવામાં આવી છે. આ દિવસે સેમસંગ દ્વારા ગેલેક્સી Z ફોલ્ડ અને Z ફ્લિપના નવા વર્ઝનને પણ લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. સેમસંગ ટ્રી-ફોલ્ડને ગેલેક્સી G ફોલ્ડ નામ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ડિવાઇસને કંપની દ્વારા લિમિટેડ યુનિટ બનાવવાનું પ્લાનિંગ છે. સેમસંગ ફક્ત બે લાખ યુનિટ જ બનાવી રહ્યું છે.