Get The App

સેમ ઓલ્ટમેનનો ચોંકાવનારો ખુલાસો, ‘ચેટજીપીટી પર તમારી અંગત વાત પ્રાઇવેટ નથી’

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
સેમ ઓલ્ટમેનનો ચોંકાવનારો ખુલાસો, ‘ચેટજીપીટી પર તમારી અંગત વાત પ્રાઇવેટ નથી’ 1 - image


ChatGPT Users Data is Not Private: OpenAIના CEO સેમ ઓલ્ટમેન દ્વારા હાલમાં જ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે ચેટજીપીટી પર જે પણ યુઝર્સ તેમની અંગત વાત કરે છે તે પ્રાઇવેટ નથી રહેતી. આથી યુઝર્સને તેમણે ખૂબ જ પર્સનલ વાત શેર કરવાથી દૂર રહેવા માટે કહ્યું છે. ઘણાં યુઝર્સ હવે ચેટજીપીટી પાસે મેન્ટલ હેલ્થ, ઇમોશનલ એડવાઇસ અથવા તો અન્ય પર્સનલ વાતો માટે સવાલો કરે છે. આ તમામ માહિતીને અન્ય વ્યક્તિ સાથે શેર કરવામાં આવી શકે છે જો એ કોઈ કેસને લગતી વાત હોય.

AI બન્યું પર્સનલ થેરાપી સેશન

AIની શરૂઆત થઈ છે ત્યારથી હવે લોકો ચેટજીપીટીનો ઉપયોગ વિપૂલ પ્રમાણમાં કરી રહ્યાં છે. એક જમાનો હતો જ્યારે નાની વ્યક્તિ વૃદ્ધો પાસે એટલે કે વડિલ પાસે સલાહ લેતી હતી. જોકે હવે નાનીથી લઈને મોટી દરેક વ્યક્તિ સલાહ માટે ચેટજીપીટીનો ઉપયોગ કરે છે. AI હવે લાખો લોકોનું પર્સનલ થેરાપી સેશન બન્યું છે. OpenAIના સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે આ સેન્સિટિવ ડેટાને કેવી રીતે સાચવવી એ માટે હજી ટેક ઇન્ડસ્ટ્રી રસ્તો શોધી રહી છે. હાલમાં કોઈને નથી ખબર કે આ ડેટાને કેવી રીતે સાચવી શકાય.

ખૂબ જ અંગત વાતો માટે ઉપયોગ થાય છે ચેટજીપીટીનો

હાલમાં જ સેમ ઓલ્ટમેન ‘ધિસ પાસ્ટ વિકએન્ડ’ નામના યૂટ્યુબ પોડકાસ્ટમાં હાજર રહ્યાં હતાં. આ પોડકાસ્ટનો હોસ્ટ થિયો વોન દ્વારા સેમ ઓલ્ટમેનને પૂછવામાં આવ્યું હતું કે AI હાલમાં લીગલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરે છે? આ અંગે સેમ ઓલ્ટમેને કહ્યું કે હાલમાં આ ટેક્નોલોજી માટે કોઈ પણ લીગલ અથવા તો પોલિસી ફ્રેમવર્ક નથી. આથી યુઝરે ચેટજીપીટી પાસેથી કોઈ પણ પ્રકારની ડેટાને પ્રોટેક્ટ કરવાની આશા નહીં રાખવી.

આ અંગે વધુ જણાવતાં સેમ ઓલ્ટમેન કહે છે, ‘લોકો તેમના જીવનનું સૌથી અંગતમાં અંગત બાબત પણ ચેટજીપીટી સાથે શેર કરે છે. લોકો ખાસ કરીને યુવાનો એનો ઉપયોગ થેરાપિસ્ટ અથવા તો લાઇફ કોચની જેમ કરે છે. તેમની રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે અને તેમણે શું કરવું જોઈએ વગેરે વગેરે સવાલો કરે છે. જો હાલમાં તમે આ વસ્તુ થેરાપિસ્ટ, વકિલ અથવા તો ડોક્ટર સાથે શેર કરો તો તેમની પાસે આ વાત જાહેર ન કરવા માટે કાયદો છે. જોકે ચેટજીપીટી માટે એવો કોઈ કાયદો નથી જે યુઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરી શકે.’

કોર્ટ કેસમાં ડેટા જાહેર કરવા માટે બંધાયેલુ છે ચેટજીપીટી

સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે AI પણ તેના ડેટાને પ્રોટેક્ટ કરી શકે એ માટેના કાયદાને લાવવો જરૂરી છે. આ અંગે વાત કરતાં સેમ ઓલ્ટમેન કહે છે, ‘યુઝર ચેટજીપીટી સાથે તેના એકદમ અંગત પ્રોબ્લેમ વિશે વાત કરતો હોય. જો એ દરમ્યાન કેસ થયો કે કંઈ પણ થયું તો અમારે એ ડેટાને કોર્ટમાં આપવા પડે છે. મને લાગે છે કે આ ખૂબ જ ખોટું છે, આવું ન હોવું જોઈએ.’

એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન પર કામ નથી કરતું

ચેટજીપીટી અન્ય પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને સિગ્નલની જેમ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન પર કામ નથી કરતું. આથી યુઝર જ્યારે મેન્ટલ હેલ્થ, ઇમોશનલ એડવાઇસ અથવા તો રિલેશનશિપ વિશે વાત કરે છે ત્યારે એ તમામ ડેટા ચેટજીપીટી પાસે હોય છે. આ ડેટાને કંપની દ્વારા વાંચવામાં આવે છે. તેમ જ એ ડેટા દ્વારા AIને ટ્રેઇન પણ કરવામાં આવે છે. AIનો દુરપયોગ ન થાય એ માટે ચેટને મોનિટર પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ

કેટલા દિવસે સ્ટોર રહે છે ચેટ?

OpenAIનું કહેવું છે કે તેઓ ચેટજીપીટી ફ્રી યુઝર્સના ડેટાને અંદાજે 30 દિવસની અંદર ડિલીટ કરી નાખે છે. જોકે જ્યારે કાયદાકીય વાત હોય અથવા તો સિક્યોરિટીને લઈને સવાલો ઊભા થતાં હોય ત્યારે તેમની વાતચીતને સ્ટોર કરવામાં આવી શકે છે. OpenAI હાલમાં ધ ન્યુ યોર્ક ટાઇમ્સ સાથે આ માટે એક કોર્ટ કેસ પણ લડી રહ્યું છે. આ માટે કંપનીએ લાખો લોકોની ચેટને હાલમાં સ્ટોર કરવી પડી રહી છે. જોકે એમાં એન્ટરપ્રાઇઝ કસ્ટમરનો સમાવેશ નથી થતો. તેમના ડેટા સ્ટોર કરવામાં નથી આવતાં.

Tags :