Get The App

ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ 1 - image


Isro And Nasa NISAR Mission: ઇસરોનું મિશન NISAR હવે લોન્ચ માટે તૈયાર છે. ભારત ફરી એક વાર મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. એક્સિઓમ-4 મિશન બાદ સ્પેસ મિશનમાં વધુ એક પગલું આગળ વધવા માટે હવે ઇસરો તૈયાર છે. ઇસરો અને નાસા બન્ને મળીને એક મિશન લોન્ચ કરવા જઈ રહ્યાં છે જેને નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) નામ આપવામાં આવ્યું છે. આ સેટેલાઇટને શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવશે. આ માટે GSLV-F16 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશન દ્વારા પૃથ્વીની સપાટી પર થનારી તમામ હલચલ પર નજર રાખવામાં આવશે. એમાં ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી જેવી દરેક કુદરતી આફત પર નજર રાખી શકાશે. આ મિશન કુદરતી આફત આવે એ પહેલાં જ એલર્ટ જાહેર કરશે.

ઇસરોના અધ્યક્ષે શું કહ્યું?

ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી. નારાયણન હાલમાં જ તેલંગાણામાં એક કાર્યક્રમમાં હાજર હતા. એ દરમ્યાન તેમણે કહ્યું હતું કે 30 જુલાઈએ NISAR મિશનને શરૂ કરવામાં આવશે. આ સેટેલાઇટને રોકેટની મદદથી સ્પેસમાં મોકલવામાં આવશે. NISAR દુનિયાની પહેલી સેટેલાઇટ છે જેમાં બે ફ્રીક્વન્સી રડારની ટેક્નોલોજી છે. એમાં L બેન્ડ નાસા અને S બેન્ડ ઇસરોની રડાર ફ્રીક્વન્સી છે. આ ટેક્નોલોજીની ખાસ વાત એ છે કે એમાં વરસાદ અને વાદળ જેવી કોઈ પણ પરિસ્થિતિઓથી કોઈ અસર નથી પડતી. આથી દિવસ-રાત આ સેટેલાઇટ પૃથ્વીનો એકદમ ચોક્કસ ડેટા આપશે.

કુદરતી આફત આવે એ પહેલાં મળશે એલર્ટ

આ સેટેલાઇટમાં 12 મીટરનો મેશ એન્ટેના અને SweepSAR ટેક્નોલોજી છે, જે એક સમયે 242 કિલોમીટર સુધીના વિસ્તારને સ્કેન કરી શકે છે. આ સેટેલાઇટની મદદથી ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન અને ત્સુનામી જેવી કુદરતી આફતો આવવા પહેલાં એલર્ટ જાહેર કરવામાં આવશે. આ સેટેલાઇટની મદદથી જમીનની એક સેન્ટીમીટરની હલચલને પણ પકડી શકાશે. આથી જ આ સેટેલાઇટ અન્યોથી એકદમ અલગ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પર્વતયાળ વિસ્તારમાં આ ટેક્નોલોજી ખૂબ જ કામ આવી શકે છે. એની મદદથી અનેક લોકોના જીવ બચી શકે છે.

ક્લાઈમેટ ચેન્જ પર પણ નજર

કૃષિમાં પણ આ મિશન ખૂબ જ મદદરૂપ બની શકે છે. NISAR દ્વારા જમીનમાં પરિવર્તન, પાકની પરિસ્થિતિ અને પાણીના સ્તર જેવી મહત્ત્વપૂર્ણ માહિતી જણાવી શકે છે. આથી ખેડૂતોને ચોક્કસ પાક મેળવવા માટે મદદ મળી શકે છે. જો દુકાળ પડવાનો હોય અથવા તો પૂર આવવાના હોય તો પણ એની જાણ પહેલાથી થઈ જશે. આ સાથે જ ક્લાઈમેટ ચેન્જ પર પણ નજર રાખવામાં આવશે. બરફનું પીગળવું અને દરિયામાં પાણીના સ્તરની વધઘટ જેવી દરેક બાબત પર આ સેટેલાઇટ નજર રાખશે.

નાસા અને ઇસરોની ભૂમિકા

ભારતની આ સિદ્ધિમાં ઇસરોનો ખૂબ જ મોટો હાથ છે. ઇસરોએ આ માટે S બેન્ડ રડાર ટેક્નોલોજી અને લોન્ચિંગ રોકેટ તૈયાર કર્યા છે. બેંગલુરુ અને અમદાવાદમાં એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. નાસા દ્વારા એમાં L બેન્ડ રડાર અને મેશ એન્ટેનાનો સમાવેશ કર્યો છે. બન્ને એજન્સીઓએ મળીને એક નવી સેટેલાઇટ તૈયાર કરી છે, જે અત્યાર સુધીની એકમદ અલગ અને શક્તિશાળી સેટેલાઇટ છે. આ મિશન ફક્ત વિજ્ઞાન માટે જ નહીં, પરંતુ ભારતની આત્મનિર્ભરતાનું પણ પ્રતિક છે. જોકે એમાં પણ નાની-મોટી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ એ એવી મુશ્કેલીઓ છે, જેને બન્ને એજન્સીઓ સંભાળી શકે તેમ છે.

આ પણ વાંચો: ફક્ત મહિલાઓ માટેની ડેટિંગ એપના ડેટા થયા લીક: યુઝર્સના 72,000 ફોટો લીક થતાં જુઓ કંપનીએ શું કહ્યું...

NISAR મિશન શું છે?

NISAR એ નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે. એના દ્વારા પૃથ્વી પર થનારી તમામ ચહલપહલ પર નજર રાખવામાં આવશે.

સેટેલાઇટની ખાસિયત શું છે?

આ દુનિયાની પહેલી ડ્યુઅલ બેન્ડ સેટેલાઇટ છે અને એ દિવસ-રાત તથા દરેક મોસમમાં ચોક્કસ રીતે કામ કરી શકે છે.

આ મિશનથી કોને ફાયદો થશે?

આ મિશનથી ભૂકંપ, પૂર, ભૂસ્ખલન, ત્સુનામી જેવી કુદરતી આફતોની સાથે ખેતી માટે પણ ખૂબ જ મદદરૂપ થવાનો અંદાજ છે.

આ મિશનને ક્યાંથી લોન્ચ કરવામાં આવશે?

આ મિશનને 2025ની 30 જુલાઈએ શ્રીહરિકોટામાં આવેલા સ્પેસ સ્ટેશનથી GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

Tags :