Sam Altman Invest in Anti-Aging Technology: OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન એક એવી ટેકનોલોજી પર રોકાણ કરી રહ્યા છે જે માનવીની વૃદ્ધાવસ્થાને રોકીને તેને સદા યુવાન રાખશે. ઓલ્ટમેન આ ખાસ ટેકનોલોજી પાછળ અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, પોતાની તમામ લિક્વિડ નેટ વર્થ એટલે કે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી રોકડ સંપત્તિ તેમણે 'રેટ્રો બાયોસાયન્સીસ' (Retro Biosciences) નામની કંપનીમાં ઇન્વેસ્ટ કરી દીધી છે.
સેમ ઓલ્ટમેને એક વીડિયોમાં જાતે જ સ્વીકાર્યું છે કે, તેમણે શરૂઆતમાં આ કંપનીમાં 180 મિલિયન ડોલર આશરે ₹1500 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ કંપનીએ 1 અબજ ડોલરનું ફંડિંગ પણ મેળવ્યું હતું. આજે આ સ્ટાર્ટઅપની વેલ્યુએશન અંદાજે 5 અબજ ડોલરે પહોંચી હોવાનું કહેવાય છે.
શું છે આ કંપનીની ટેકનોલોજી?
રેટ્રો બાયોસાયન્સીસ એક એડવાન્સ ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેને પાર્શિયલ સેલ્યુલર રીપ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. આ ટેકનોલોજી હેઠળ માનવ શરીરના કોષોને સંપૂર્ણપણે સ્ટેમ સેલમાં બદલ્યા વિના, તેમને ફરીથી યુવાન સ્થિતિમાં પાછા લાવવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, વ્યક્તિ એ જ રહે છે પરંતુ તેના શરીરના કોષોની ઉંમર ઘટી જાય છે.
કંપનીનું માનવું છે કે મોટાભાગની બીમારીઓ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે જ જોડાયેલી હોય છે. 20 વર્ષના યુવાનોની સરખામણીએ 80 વર્ષના વૃદ્ધોમાં બીમારીઓનું પ્રમાણ વધુ હોય છે. આથી, કેન્સર, અલ્ઝાઈમર કે હૃદય રોગ જેવી અલગ-અલગ બીમારીઓ સામે લડવાને બદલે જો શરીરના કોષોને જ ફરી યુવાન બનાવી દેવામાં આવે, તો આ રોગોને થતા પહેલા જ અટકાવી શકાય છે. આ ટેકનોલોજી વધતી ઉંમરને બ્રેક મારવાની સાથે માનવ સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે.
AI અને એન્ટી-એજિંગ રિસર્ચ
આ સમગ્ર પ્રોજેક્ટમાં હવે AIની એન્ટ્રી થાય છે. OpenAI એ ખાસ કરીને 'રેટ્રો બાયોસાયન્સીસ' ના સંશોધન માટે એક વિશેષ મોડેલ તૈયાર કર્યું છે, જેને 'GPT-4b micro' નામ આપવામાં આવ્યું છે. આ AI મોડેલનો ઉપયોગ એવા પ્રોટીન્સને રી-ડિઝાઇન કરવા માટે કરવામાં આવ્યો, જે પુખ્ત કોષોને ફરીથી સ્ટેમ સેલમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયામાં મદદરૂપ બને છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં આ મૂળ ટેકનોલોજી માટે નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.
અગાઉ આ પ્રક્રિયા અત્યંત ધીમી હતી અને 1000માંથી માંડ 1 કોષ પર જ તેની અસર થતી હતી. જોકે, AI ની મદદથી વિકસાવવામાં આવેલા નવા પ્રોટીન્સે આ પ્રક્રિયાને 50 ગણી વધુ ઝડપી અને અસરકારક બનાવી દીધી છે. જે સંશોધનમાં પહેલા 3 અઠવાડિયાનો સમય લાગતો હતો, તે હવે માત્ર 7 દિવસમાં પૂરું થાય છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, AI એવા પ્રોટીન ડિઝાઇન સૂચવ્યા છે જેની માનવ વૈજ્ઞાનિકો ક્યારેય કલ્પના પણ ન કરી શક્યા હોત. કેટલાક ફેરફારો તો 100થી વધુ એમિનો એસિડ જેટલા ભિન્ન હતા.
AI અને હેલ્થકેર: ઝડપથી બદલાતી પરિસ્થિતિ
સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર, AIએ વર્ષોના બાયોલોજિકલ રિસર્ચને ખૂબ જ ટૂંકા ગાળામાં સમેટી લીધું છે. રેટ્રો બાયોસાયન્સીસના સીઈઓ પણ સ્વીકારે છે કે આ AI મોડેલ માનવ વૈજ્ઞાનિકોની તુલનામાં વધુ સચોટ અને ઝડપી પરિણામો આપી રહ્યું છે. કંપનીએ અલ્ઝાઈમરની બીમારીની એક અદ્યતન દવા પર હ્યુમન ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે.
સેમ ઓલ્ટમેને વધુમાં ઉમેર્યું કે, GPT-5ને ખાસ કરીને હેલ્થકેર ક્ષેત્રના પ્રશ્નો અને જરૂરિયાતો માટે અપગ્રેડ કરવામાં આવ્યું છે. હાલમાં લોકો પોતાના મેડિકલ રેકોર્ડ્સ અપલોડ કરીને અને લક્ષણો જણાવીને AI પાસેથી સીધા તબીબી જવાબો મેળવી રહ્યા છે. તેમણે પોતાનું જ ઉદાહરણ આપતા કહ્યું કે, તેમણે ત્વચાની એક સમસ્યાનો ફોટો અપલોડ કર્યો હતો અને ChatGPT એ તેનું સચોટ નિદાન કરીને યોગ્ય દવાની સલાહ આપી હતી.
તેમના મતે, વિશ્વભરના અસંખ્ય ડોક્ટરો હાલમાં ગુપ્ત રીતે ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે તેમની હોસ્પિટલોમાં હજુ સુધી HIPAA-compliant (ડેટા સુરક્ષાના કડક ધોરણોવાળું) વર્ઝન ઉપલબ્ધ નથી. લગભગ દરેક ક્લિનિકની આ જ સ્થિતિ છે કે ડોક્ટરો ChatGPTની મદદ લે છે, પરંતુ જાહેરમાં તેનો સ્વીકાર કરતા નથી.
AI, હેલ્થકેર અને લાંબી ઉંમરની રેસ
સેમ ઓલ્ટમેનનો અંદાજ છે કે આગામી 10 વર્ષમાં વિશ્વના સામાન્ય નાગરિકને પણ આજની સર્વશ્રેષ્ઠ પ્રીમિયમ સારવાર કરતાં વધુ સારી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે. અહીં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, વિશ્વની સૌથી શક્તિશાળી AI કંપનીના સીઈઓ પોતાની તમામ મૂડી એક એન્ટી-એજિંગ સ્ટાર્ટઅપમાં રોકે છે અને તેના માટે ખાસ AI મોડેલ તૈયાર કરે છે, જે માનવ ક્ષમતા કરતા 50 ગણું ઝડપી પરિણામ આપે છે.
અહીં બે મોટી પ્રક્રિયાઓ સમાંતરે ચાલી રહી છે:
1. AI રિસર્ચ ક્ષેત્રે મહાક્રાંતિ: ફાર્માસ્યુટિકલ્સ અને બાયોલોજીમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે અને નવી શોધોની ગતિ અસાધારણ બની છે.
2. તબીબી જગતમાં AIનો ચોરીછૂપે ઉપયોગ: ડોક્ટરો અને ક્લિનિક્સ મોટા પાયે આ ટેકનોલોજી અપનાવી રહ્યા છે, ભલે તેઓ તેનો સત્તાવાર સ્વીકાર ન કરતા હોય.
હેલ્થકેરમાં AIનો નવો યુગ
ધીમે-ધીમે OpenAI જેવી ટેક કંપનીઓ ગ્લોબલ હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ બની રહી છે. આ વૈશ્વિક બદલાવ કોઈ પણ જાતના શોરબકોર વિના ચૂપચાપ થઈ રહ્યો છે. અગાઉ, અમીર અબજોપતિઓ માટે લાંબુ આયુષ્ય મેળવવાની આ રેસ માત્ર એક સાઇડ પ્રોજેક્ટ કે શોખ પૂરતી મર્યાદિત ગણાતી હતી. જેમ કે:
• જેફ બેઝોસ ➔ Altos Labs
• માર્ક ઝુકરબર્ગ અને પીટર થીલ ➔ સમાન રિસર્ચ પ્રોજેક્ટ્સ
પરંતુ આ પહેલાંના પ્રયાસો આટલા આક્રમક નહોતા. હવે સેમ ઓલ્ટમેન પોતાની સંપૂર્ણ વગ, સંસાધનો અને ટેકનોલોજીકલ પાવર સાથે આ દિશામાં આગળ વધી રહ્યા છે.
સેમ ઓલ્ટમેનનો અભિગમ અન્ય અબજોપતિઓથી અલગ કેમ?
સેમ ઓલ્ટમેનનો અભિગમ બાકીના અબજોપતિઓ કરતાં તદ્દન જુદો છે. તેમની પાસે એક એવું બ્રહ્માસ્ત્ર છે જે બીજા કોઈની પાસે નથી અને એ છે AI ટેકનોલોજી, જે માનવી કરતાં ક્યાંય વધુ ઝડપથી વાસ્તવિક વૈજ્ઞાનિક શોધો કરી શકે છે. જો રેટ્રો બાયોસાયન્સીસની આ 'સેલ્યુલર રીપ્રોગ્રામિંગ' ટેકનોલોજી વૈશ્વિક સ્તરે સફળ થશે, તો લાંબુ અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવનારી પૃથ્વીની સૌપ્રથમ પેઢી કદાચ આજે આપણી વચ્ચે જ જીવી રહી છે. જોકે, સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, તબીબી ઇતિહાસની આટલી મોટી સ્વાસ્થ્ય ક્રાંતિ પડદા પાછળ ચાલી રહી હોવા છતાં, સેમ ઓલ્ટમેન આ બાબતે મૌન કેમ સેવી રહ્યા છે? આ ચૂપકીદી પાછળનું રહસ્ય શું છે?


