Sam Altman on Code Red: OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન દ્વારા એ વાતને સ્વીકારવામાં આવી છે કે AIની રેસમાં તેમને ગૂગલ અને ચીનના ડીપસીક દ્વારા ટક્કર મળી રહી છે. આ કારણસર ચેટજીપીટી સતત ‘કોડ રેડ’ મોડમાં કામ કરી રહી છે. ગૂગલ દ્વારા જેમિની 3 રિલીઝ કરવામાં આવતાં ચેટજીપીટીને તેમનામાં રહેલી ખામીઓ જાણવા મળી હતી અને ત્યાર બાદ કંપની દ્વારા એને ફિક્સ કરવામાં આવી રહી છે.
સેમ ઓલ્ટમેન દ્વારા એક પોડકાસ્ટમાં આ વિશે વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં કંપની ઘણી વાર ઇમરજન્સી મોડમાં ગઈ હતી. દરેક વખતે અન્ય AI કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા મોડલને કારણે ચેટજીપીટી પર તવાઈ આવી હતી. તેઓ પણ અન્ય મોડલના ફીચરને તેમનામાં સમાવેશ કરવા માટે દિવસ રાત કામ કરી રહ્યાં હતાં. તેમ જ જે ખામીઓ હતી અને ફિક્સ કરી રહ્યાં હતાં. સેમ ઓલ્ટમેનએ આ વિશે કહ્યું કે ‘એ સારી વાત છે કે અમે દર વખતે ડરી ગયા હતા કારણ કે એના લીધે અમે તરત જ એના પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને ચેટજીપીટીને વધુ સારું બનાવ્યું હતું.’
ડીપસીકને કારણે વધી ચિંતા
ચેટજીપીટી માટે સૌથી મોટી સમસ્યા આ વર્ષની શરૂઆતમાં આવી હતી. ચીનનું ડીપસીક મોડલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે OpenAIની o1 સિસ્ટમ પાછળ જેટલો ખર્ચ થાય છે એની સામે ડીપસીક નજીવા ખર્ચમાં એના કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે. આ જાહેરાત બાદ દુનિયાભરની ટેક ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ થઈ ગયો હતો. ત્યાર બાદ OpenAI દ્વારા તેમનો મુખ્ય હેતુ શું છે એ ધ્યાનમાં રાખીને એના પર કામ કરવાની તેમને ફરજ પડી હતી. સેમ ઓલ્ટમેન દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ડીપસીક તેમની કંપની માટે એક વેક-અપ-કોલ હતો જેના કારણે તેમણે ખૂબ જ ઓછા સમયમાં તેમના નવા મોડલને રજૂ કરવાની ફરજ પડી હતી અને એ પણ વધુ પાવરફુલ અને સારું.

ગૂગલ જેમિની 3ને કારણે જાણવા મળી ખામીઓ
ગૂગલ દ્વારા નવેમ્બરમાં જેમિની 3 રિલીઝ કરવામાં આવ્યું હતું. આ રિલીઝ બાદ OpenAI કંપનીમાં કોડ રેડ જાહેર કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા દરેક પ્રોજેક્ટને સાઇડ પર કરીને ફક્ત ચેટજીપીટીને વધુ સારું બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. OpenAI દ્વારા જેટલું ધારવામાં આવ્યું હતું એટલી તેમને અસર નહોતી પહોંચી, પરંતુ જેમિની 3ને કારણે ચેટજીપીટીની પ્રોડક્ટ સ્ટ્રેટેજીને વધુ વ્યાપક બનાવવામાં આવી હતી. ઇન્ટરનલ મેસેજમાં કંપની દ્વારા તેમના કર્મચારીઓને કહી દેવામાં આવ્યું હતું કે ચેટજીપીટી તેમની પ્રાયોરિટી છે અને એના કારણે અન્ય પ્રોડક્ટને મોડી લોન્ચ કરવામાં આવે તો પણ વાંધો નહીં.
ચેટજીપીટીને તરત કરવામાં આવ્યું ફિક્સ
OpenAI જેવી કોડ રેડ મોડમાં ગઈ કે તેમણે એક પછી એક તમામ ખામીઓને ફિક્સ કરવાનું શરૂ કર્યું તેમણે ઘણી અપડેટ્સ પણ આપી હતી. એમાં તેમનું સૌથી મહત્વનું અને સારું પર્ફોર્મન્સ આપતું ચેટજીપીટી મોડલનો પણ સમાવેશ થાય છે. આ પર્ફોર્મન્સમાં કોડિંગ અને સાયન્ટિફિક સવાલના જવાબ પણ વધુ સારી રીતે આપવામાં આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ સાથે જ ઇમેજ જનરેશન ટૂલને વધુ સારું અને વધુ ક્રિએટીવ બનાવવામાં આવ્યું હતું. સેમ ઓલ્ટમેન દ્વારા કેટલીક ખામીઓ મળી હતી એ વિશે જણાવવાનું ટાળવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તરત જ એને ફિક્સ કરી હોવાનું કહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર કંપનીમાં કોડ રેડ છથી આઠ અઠવાડિયા એટલે કે લગભગ બે મહિના માટેનું હતું. ત્યાર બાદ તેઓ ફરી સામાન્ય રીતે કામ કરતાં હતાં. જોકે હવે તેમને જાણ થઈ ગઈ છે કે આ પ્રકારની પરિસ્થિતિ માટે તેમણે હંમેશાં તૈયાર રહેવું પડશે.
ઇન્ડસ્ટ્રીમાં કોડ રેડ સામાન્ય બાબત
સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કોડ રેડ જેવી પરિસ્થિતિ ટેક ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય બાબત છે. 2022માં ચેટજીપીટી જ્યારે લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે ગૂગલ પણ કોડ રેડ મોડમાં જતી રહ્યું હતું. ગૂગલનું પોતાનું સર્ચ ટૂલ છે એમ છતાં તેમના યુઝર્સને AIની સર્વિસ ન મળી રહી હોવાથી તેમણે પણ કોડ રેડની જાહેરાત કરી હતી. જોકે હવે ગૂગલ અને ડીપસીકને કારણે OpenAI કોડ રેડમાં જતી રહ્યું હતું. AI કંપની માટે હવે સતત ઇનોવેશન કરવું એ સામાન્ય અને જરૂરી છે. સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર OpenAI માટે હવે કોડ રેડ એક સામાન્ય બાબત બની ગઈ છે.


