Roblox Banned in Russia: રશિયાના બાળકો દ્વારા હાલમાં જ તેમના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિનને એક વિચિત્ર વિનંતી કરવામાં આવી રહી છે. તેઓ ડિમાન્ડ કરી રહ્યાં છે કે ગેમિંગ પ્લેટફોર્મ રોબ્લોક્સને ફરી શરૂ કરવામાં આવે. રોબ્લોક્સ ગેમિંગની દુનિયામાં ખૂબ જ મોટું નામ છે. આ એક કેલિફોર્નિયાની કંપની છે અને એના પર બાળકો તેમની ગેમ પોતે બનાવીને એને શેર પણ કરી શકે છે. જોકે રશિયા દ્વારા આ મહિને જ એને બ્લોક કરી દેવામાં આવી છે. ત્રીજી ડિસેમ્બરે બાળકોને ખબર પડી હતી કે તેઓ રોબ્લોક્સને એક્સેસ નથી કરી શકતા. આથી તેઓ ફ્રસ્ટ્રેટ થતાં તેમણે પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિનને એને ફરી શરૂ કરવા વિનંતી કરવાની શરૂ કરી છે. જોકે રશિયાના સ્ટેટ મીડિયા રેગ્યુલેટર રોસ્કોમનાડ્ઝોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ગેમિંગ કંપની બાળકોને નુકસાન કરી રહી હોવાથી એને બંધ કરવામાં આવી છે. એનું કન્ટેન્ટ બાળકોને નુકસાન કરનારું છે. તેમ જ તેઓ LGBT પ્રોપેગેન્ડા ચલાવે છે અને એની બાળકોના પર સ્પિરિચ્યુઅલી ખોટી અસર પડે છે. તેમ જ બાળકોના ડેવલપમેન્ટ પર પણ અસર પડી રહી છે.
રોબ્લોક્સ શું છે?
રોબ્લોક્સ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઓનલાઇન વીડિયો ગેમ નથી પણ એક વિશાળ ડિજિટલ બ્રહ્માંડ છે. જી, હાં બ્રહ્માંડ, કેમ કે જે રીતે બ્રહ્માંડમાં લાખો-કરોડો ગેલેક્સીઓ હોય છે અને એ ગેલેક્સીઓમાં વળી લાખો-કરોડો ગ્રહો-ઉપગ્રહો હોય છે એ જ રીતે રોબ્લોક્સ પણ એક એવું ગેમિંગ પ્લેટફોર્મ છે જેમાં એકની અંદર બીજી અને બીજીની અંદર ત્રીજી એમ લાખો-કરોડો ગેમ્સ છે. આ પ્લેટફોર્મ પર 4 કરોડથી વધારે વિવિધ પ્રકારની રમતો ઉપલબ્ધ છે, અને યુઝર્સ એમાં પોતાની ગેમ્સ ઉમેરતા જતાં હોવાથી ગેમ્સની સંખ્યામાં દરરોજ વધારો થતો રહે છે. આ પ્લેટફોર્મ પર મફતમાં ગેમ્સ રમવા મળતી હોવાથી પણ એ ઝડપથી લોકપ્રિય થયું છે. એનો ઉપયોગ સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટરથી લઈને એક્સબોક્સ, પ્લેસ્ટેશન અને મેટા ક્વેસ્ટ જેવા વિવિધ ગેમિંગ ઉપકરણો પર કરી શકાય છે. દરરોજ 8 કરોડથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
ડિજિટલ કન્ટ્રોલ પર ભાર આપી રહ્યું છે રશિયા
રશિયા દ્વારા હાલમાં ડિજિટલ કન્ટ્રોલ પર વધુ ભાર આપવામાં આવી રહ્યું છે. ફોરેન ટેક્નોલોજી અને પ્લેટફોર્મ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવી રહ્યાં છે તેમ જ તેની જગ્યાએ સ્થાનિક પ્લેટફોર્મ અને કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
રોબ્લોક્સ એકલી નથી જેને બ્લોક કરી હોય
રશિયા દ્વારા રોબ્લોક્સને બ્લોક કરવાની સાથે એપલની ફેસટાઇમ અને સ્નેપચેટને પણ બ્લોક કરી છે. રશિયાનું કહેવું છે કે કેટલાક ક્રાઇમ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યાં છે અને એથી જ એને બ્લોક કરવામાં આવી છે. ભૂતકાળમાં ચીન દ્વારા વોટ્સએપને પણ બ્લોક કરવાની કોશિશ કરવામાં આવી હતી. એની જગ્યાએ રશિયાની પોતાની એપ્લિકેશન મેક્સને પ્રમોટ કરવામાં આવી હતી.
રશિયામાં હાલમાં વોટ્સએપ કોલ પર પ્રતિબંધ છે. આ સાથે જ સત્તાધિકારીઓ દ્વારા આડકતરી રીતે કહી દેવામાં આવ્યું છે કે આગામી થોડા મહિનામાં વોટ્સએપને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. વોટ્સએપની સર્વિસમાં અવરોધ આવી રહ્યો હોવાથી લોકોને અડકાઈ ગયા હતા, પરંતુ રોબ્લોક્સ બંધ થતાં હવે લોકો ગુસ્સે થઈ ગયા છે. મીડિયાસ્કોપ અનુસાર રશિયામાં ગેમિંગમાં રોબ્લોક્સ બીજા ક્રમની સૌથી પોપ્યુલર સર્વિસ છે.
રશિયાના દરેક બીજા બાળકે કરી વિનંતી
વ્લાદિમિર પુતિનના પ્રેસ સેક્રેટરી ડિમિટ્રી પેસ્કોવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ક્રેમલિનને આ વિશે ઘણાં લેટર મળી રહ્યાં છે. વ્લાદિમિર પુતિન દ્વારા 19 ડિસેમ્બરે પ્રેસ મેરાથોન અને કોલ-ઇન શો રાખવામાં આવ્યો છે. સેફ ઇન્ટરનેટ માટેના કેમ્પેઇન માટેની હેડ યેકટેરિના મિઝુલિના દ્વારા કહેવામાં આવ્યું છે કે રોબ્લોક્સને પ્રતિબંધ કર્યા બાદ 8થી 16 વર્ષનું દરેક બીજા બાળક દ્વારા પ્રતિબંધ ઉઠાવવા માટે લેટર લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોબાઇલની મજા હવે ટીવી પર: યૂટ્યુબને ટક્કર આપવા આવી રહી છે ઇન્સ્ટાગ્રામની ટીવી એપ્લિકેશન…
જોખમો ઘટાડવા રોબ્લોક્સે પ્રતિબંધો લાગુ કર્યા
રોબ્લોક્સના જોખમો બાબતે ચર્ચા અને વિરોધ થવા લાગતાં રોબ્લોક્સે વય-આધારિત પ્રતિબંધો લાગુ કર્યા છે. જેમ કે, 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માત્ર ‘હળવી’ રમતો જ રમી શકે છે. ‘મધ્યમ’ સામગ્રીને ઍક્સેસ કરવા માટે માતાપિતાની ઇમેઇલ દ્વારા પરવાનગી માંગવામાં આવે છે. આ પ્રકારની રમતોમાં મધ્યમ સ્તરની હિંસા, મધ્યમ સ્તરની ક્રૂરતા અને મધ્યમ સ્તરનો ડર જેવા પાસાં જોવા મળે છે. અલબત્ત, ઘણા બાળકો પોતે હોય એના કરતાં વધુ વયના દર્શાવીને એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી ગેમ્સ રમવા લાગે છે, કેમ કે આ બાબતે રોબ્લોક્સના ધારાધોરણો કાચા છે.
આ દેશોએ રોબ્લોક્સ પર પ્રતિબંધ લગાવ્યો છે
રશિયા પહેલાં ઇરાક, તુર્કી, ઓમાન, કતાર, જોર્ડન, અલ્જીરિયા અને ચીન એ સાત દેશોમાં રોબ્લોક્સ પ્રતિબંધિત છે. એમાં મુખ્યત્વે બાળકોની સુરક્ષા અંગેની ચિંતાઓ, જેમ કે શોષણનું જોખમ અને હાનિકારક સામગ્રીના સંપર્કને કારણે પ્રતિબંધ છે.


