વોટ્સએપનો રશિયા પર આરોપ: ઇન્ક્રિપ્ટેડ સર્વિસને બ્લોક કરવાની કોશિશ
WhatsApp Accuses Russia: વોટ્સએપ દ્વારા રશિયાની સરકાર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ તેમની સર્વિસને બ્લોક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. વોટ્સએપ તેની સર્વિસને સિક્યોર અને ઇન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન બનાવવા માગે છે. જોકે રશિયા એનાથી અસંતુષ્ટ છે. રશિયામાં સર્વિસને બ્લોક કરવાની કોશિશ કરવામાં આવી રહી છતાં મેટા તેના રશિયન યુઝર્સને વોટ્સએપની તમામ સિક્યોર સર્વિસ આપવા માટે અંકબદ્ધ છે, જેથી ત્યાંના યુઝર્સ પ્રાઇવેટ કમ્યુનિકેશન કરી શકે. રશિયાની ડિજિટલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ટેલિગ્રામ અને વોટ્સએપના કોલને રિસ્ટ્રિક્ટેડ કરી રહ્યાં છે.
વોટ્સએપ છેલ્લે સુધી ફાઇટ કરશે
રશિયાની સરકાર તેમની સર્વિસને બ્લોક કરવાની કોશિશ કરી રહી હોવાથી વોટ્સએપ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું છે, ‘વોટ્સએપ પ્રાઇવેટ છે. એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ દ્વારા એને સિક્યોર બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા લોકોના પ્રાઇવેટ કમ્યુનિકેશનનો હક છીનવી લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. રશિયા દ્વારા તેમના 100 મિલિયન લોકોનો આ હક અમારી સર્વિસને બ્લોક કરીને છીનવી લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમારાથી શક્ય હોય એટલી અમે તમામ કોશિશ કરીશું જેથી અમે દુનિયાભરના યુઝર્સને એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સર્વિસ આપી શકીએ. એમાં રશિયાનો પણ સમાવેશ થાય છે.’
રશિયાની એક્શનને લઈને ટેલિગ્રામ પર પણ અસર
રશિયાના એક્શનની અસર ટેલિગ્રામ પર પણ થઈ રહી છે. વોટ્સએપની જેમ આ પણ એક પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મ છે. રશિયાના એક્શનને લઈને ટેલિગ્રામ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા મોડરેટર AIનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં જેટલી પણ પબ્લિક કન્ટેન્ટ છે એને મોડરેટ કરી રહ્યું છે. કંપની દ્વારા રોજના લાખો મેસેજને કાઢવામાં આવે છે. ટેલિગ્રામ તેનો ગેરઉપયોગ ન થઈ શકે એ માટે ખૂબ જ એક્ટિવ રહે છે. એમાં મેસેજ, કોલ અને ફ્રોડને પણ અટકાવવામાં આવે છે.
આ પણ વાંચો: OLED લેન્સથી આંખનું નિદાન હવે સરળ: કોરિયાએ શોધી કાઢ્યો આંખ માટે સ્માર્ટ લેન્સ...
રશિયાના આ એક્શનનું કારણ શું છે?
રશિયાની ડિજિટલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી હાલમાં ખૂબ જ સ્ટ્રિક્ટ એક્શન લઈ રહી છે. આ પાછળનું કારણ તેઓ જણાવી રહ્યાં છે કે વિદેશી એપ્લિકેશનની કંપનીઓ સરકારને ફ્રોડ અને ટેરરિઝમ ઇન્વેસ્ટિગેશન વિશે કોઈ માહિતી પૂરી નથી પાડી રહી. રશિયા અને વોટ્સએપ જ નહીં, પરંતુ અન્ય પણ વિદેશી ટેક કંપનીઓ સાથેનો મતભેદ ઘણાં સમયથી ચાલતો આવ્યો છે. આ કંપનીઓના કન્ટેન્ટ અને ડેટા સ્ટોરેજને લઈને રશિયા ઘણાં સમયથી તેમની પાછળ પડી છે.