Online Game Roblox : આજના જમાનામાં સોશિયલ મીડિયાનો વ્યાપ બેહિસાબ વધી ગયો છે; એટલો કે સાચુકલી જિંદગીને માણવાને બદલે લોકો બનાવટી, વર્ચ્યુઅલ દુનિયામાં જ પડ્યા-પાથર્યા રહે છે. પુખ્ત વયના માણસોની આ હાલત હોય તો પછી બાળકોનું તો પૂછવું જ શું! બાળકોને ઓનલાઇન ગેમ્સ રમવું બહુ જ પસંદ હોય છે, પણ એમનો આ શોખ ઘણીવાર જોખમી પણ સાબિત થતો હોય છે. એનું ઉદાહરણ તે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ ‘રોબ્લોક્સ’. ચાલો જાણીએ કે આ રોબ્લોક્સ શું છે અને એના કેવા કેવા જોખમો છે.
રોબ્લોક્સ શું છે?
રોબ્લોક્સ કોઈ ‘એક’ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઓનલાઇન વીડિયો ગેમ નથી પણ એક વિશાળ ડિજિટલ બ્રહ્માંડ છે. જી, હાં બ્રહ્માંડ, કેમ કે જે રીતે બ્રહ્માંડમાં લાખો-કરોડો ગેલેક્સીઓ હોય છે અને એ ગેલેક્સીઓમાં વળી લાખો-કરોડો ગ્રહો-ઉપગ્રહો હોય છે એ જ રીતે રોબ્લોક્સ પણ એક એવું ગેમિંગ પ્લેટફોર્મ છે જેમાં એકની અંદર બીજી અને બીજીની અંદર ત્રીજી એમ લાખો-કરોડો ગેમ્સ છે!
4 કરોડથી વધારે ગેમ્સ અને 8 કરોડથી વધારે યુઝર્સ!
રોબ્લોક્સ એક શક્તિશાળી સર્જનાત્મક પ્લેટફોર્મ છે, જે બાળકોને મનોરંજન અને શિક્ષણ બંને પ્રદાન કરે છે, તેથી રોબ્લોક્સને ‘કલ્પનાનું પ્લેટફોર્મ’ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. કલ્પનાનું એટલા માટે કેમ કે એમાં યુઝર્સ ગેમ્સ તો રમે જ છે, પણ તેઓ ચાહે તો ‘રોબ્લોક્સ સ્ટુડિયો’ નામના સોફ્ટવેરની મદદથી પોતાની કલ્પના મુજબની નવી ગેમ્સ બનાવીને પ્લેટફોર્મ પર મૂકી પણ શકે છે, જેથી બીજા યુઝર્સ એને રમી શકે. એકથી એક ચઢીયાતી ગેમ્સ અને એવી ગેમ્સનું નિર્માણ કરવાની તક આપતું હોવાથી ‘રોબ્લોક્સ’ અત્યંત લોકપ્રિય બની ગયું છે. આ પ્લેટફોર્મ પર 4 કરોડથી વધારે વિવિધ પ્રકારની રમતો ઉપલબ્ધ છે, અને યુઝર્સ એમાં પોતાની ગેમ્સ ઉમેરતા જતાં હોવાથી ગેમ્સની સંખ્યામાં દરરોજ વધારો થતો રહે છે. આ પ્લેટફોર્મ પર મફતમાં ગેમ્સ રમવા મળતી હોવાથી પણ એ ઝડપથી લોકપ્રિય થયું છે. એનો ઉપયોગ સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટરથી લઈને એક્સબોક્સ, પ્લેસ્ટેશન અને મેટા ક્વેસ્ટ જેવા વિવિધ ગેમિંગ ઉપકરણો પર કરી શકાય છે. દરરોજ 8 કરોડથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના CM ફડણવીસ અને એકનાથ શિંદે ચૂંટણી પંચથી નારાજ
ગેમિંગ પ્લેટફોર્મ દૂષિત થવા લાગ્યું
રોબ્લોક્સના કરોડો યુઝર્સમાંનો એક મોટો વર્ગ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો છે, જેઓ ફક્ત ગેમ્સ રમવાનો આનંદ મેળવવા માટે આ પ્લેટફોર્મ પર આવે છે, પરંતુ પછી એમાંના ઘણા ખોટી સંગતમાં ફસાઈ જાય છે. પુખ્ત વયના અમુક યુઝર્સ બાળક હોવાની ઓળખ આપીને નિર્દોષ બાળકોનો વિશ્વાસ જીતી લે છે, તેમની સાથે માસૂમિયત ભરી ચેટ કરીને મિત્રતા કરે છે, ટીમ બનાવીને ગેમ્સ રમે છે, જીતે છે, હારે છે, અને પછી એક દિવસ એવો આવે છે જ્યારે નકલી બાળક અસલી બાળકને રૂબરૂ મળવા માટેની ઈચ્છા જાહેર કરે છે. ડિજિટલ દુનિયાની બહાર બંને મળે છે ત્યારે શું થાય છે, એની એકથી વધુ શક્યતાઓ નીચે મુજબ છે.
અસલી બાળક એ જાણીને આઘાત પામી જાય છે કે સામેવાળી વ્યક્તિ તો પુખ્ત વયનો માણસ છે, જેને લીધે તેના કુમળા માનસ પર છેતરપિંડી થયાનો આઘાત લાગે છે અને તે નાજુક વયથી જ ‘ટ્રસ્ટ ઈશ્યૂ’ (કોઈના પર આસાનીથી ભરોસો ન કરવાની ગ્રંથિ) નામની માનસિક તકલીફનો ભોગ બને છે.
પુખ્ત વયની વ્યક્તિ બાળકને પોતાની વાતમાં ફસાવીને એનું જાતીય શોષણ કરે છે. અત્યાચારનો ભોગ બનનાર બાળકને ઘણીવાર ‘મારી નાંખવાની’ ધમકી આપવામાં આવે છે, તો ઘણીવાર એને એમ કહેવામાં આવે છે કે, ‘તારી સાથે જે બન્યું એ તારા માતા-પિતાને કહીશ તો તેઓ તને ફરી ક્યારેય રોબ્લોક્સ રમવા નહીં દે’. પરિણામે રોબ્લોક્સનું વ્યસની થઈ ગયેલું બાળક એની સાથે થયેલા શોષણ વિશે કોઈને જણાવતું નથી.
બાળકના જાતીય શોષણના વીડિયો અને ફોટોગ્રાફ પોર્ન વેબસાઈટ્સ પર વેચીને રોકડી કરવામાં આવે છે.
ચેટ દરમિયાન બાળક પાસે એનો ન્યૂડ ફોટો માંગવો, ન્યૂડ વીડિયો કૉલ કરવો, બાળકને ન સમજાય એવી જાતીય હરકતો કરવી, વગેરે તો આ પ્લેટફોર્મ પર બહુ સામાન્ય થઈ ગયું છે. આવી કનડગતનો ભોગ બનેલી બાળકીઓને માનસિક આઘાત લાગ્યો હોવાના કેસ પણ સામે આવ્યા છે.
ઉપરની તમામ શક્યતાઓ કાલ્પનિક નથી, પણ સાચુકલા બનેલા પ્રસંગોને આધારે તારવીને રજૂ કરાઈ છે. આંગળીને વેઢે ગણાય એટલા નહીં, અનેક કિસ્સામાં બાળકો જાતીય શોષણ અને ગેરવર્તણૂંકનો ભોગ બન્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો ‘ખેલ’
સહેલીને મળવા ગયેલી બાળકીનું અપહરણ કરાયું!
અમેરિકાની એક તેર વર્ષની છોકરી રોબ્લોક્સ પર બનેલી એક સહેલીને મળવા ગઈ પછી ઘરે પાછી નથી ફરી. કોઈ પુખ્ત વયની વ્યક્તિએ રોબ્લોક્સ પર નકલી ઓળખ આપીને એનું અપહરણ કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
રોબ્લોક્સના અન્ય જોખમો
જાતીય સતામણીના જોખમો ઉપરાંત પણ રોબ્લોક્સના ઘણા દૂષણો છે, જે નીચે મુજબ છે.
1. હિંસક માનસિકતા
રોબ્લોક્સ પર રમવા મળતી રમતોમાં મોટેભાગે હિંસક ગેમ્સ જોવા મળે છે. મારકાપ અને લોહીયાળ રમતો રમીરમીને બાળકોના કુમળા માનસ પર નકારાત્મક અસર પડતી હોય છે. આવી રમતો સતત રમતા રહેવાથી ઘણા બાળકોને પછી આ બધું બહુ સામાન્ય લાગવા લાગે છે અને તેઓ ‘બીજાને શારીરિક નુકસાન પહોંચાડવામાં કશું ખોટું નથી’ એવું માનવા લાગે છે. અલબત્ત, આ પ્લેટફોર્મ પર સાહસિક, ટ્રેઝર હન્ટની અને નસીબ પર આધારિત રમતો પણ રમવા મળે છે ખરી.
2. રમતનું વ્યસન
વૈવિધ્યપૂર્ણ રમતોનો ખજાનો ખુલ્લો મૂકીને રોબ્લોક્સ બાળકોને એના વ્યસની બનાવી દે છે. રમતમાં જીતનારને વિવિધ પ્રકારના ડિજિટલ ઈનામો આપીને પણ યુઝર્સને મહત્ત્મ સમય સુધી રમવા માટે લલચાવે છે. પરિણામે, બાળકો રમતના સાચુકલા વિકલ્પોથી દૂર જઈને ઓનલાઇન ગેમિંગના સાગરમાં ડૂબેલા રહે છે.
3. અનુચિત સામગ્રીથી ભરપૂર ગેમ્સ
યુઝર્સ બાળકોને ચેટ કરીને ફોસલાવે એ તો સમજાય એવી વાત છે, પણ રોબ્લોક્સ પર તો ઘણી ગેમ્સ જ એવી છે જે બાળકો માટે અનુચિત સામગ્રી ધરાવે છે. જેમ કે, ઘણી ગેમ્સ યુઝર્સને રોમેન્ટિક અને જાતીય સંબંધો બાંધવા માટે સૂચન કરે છે. આવી ‘ઓન્લી ફોર એડલ્ટ્સ’ ગેમ્સ બાળકો પણ રમી શકે, એ કેટલું આઘાતજનક કહેવાય!
આ પણ વાંચો : ભારતના આ જિલ્લામાંથી મળ્યો ખજાનો, ચીનનું વધશે ટેન્શન
જોખમો ઘટાડવા રોબ્લોક્સે પ્રતિબંધો લાગુ કર્યા
રોબ્લોક્સના જોખમો બાબતે ચર્ચા અને વિરોધ થવા લાગતાં રોબ્લોક્સે વય-આધારિત પ્રતિબંધો લાગુ કર્યા છે. જેમ કે, 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માત્ર ‘હળવી’ રમતો જ રમી શકે છે. ‘મધ્યમ’ સામગ્રીને ઍક્સેસ કરવા માટે માતાપિતાની ઇમેઇલ દ્વારા પરવાનગી માંગવામાં આવે છે. આ પ્રકારની રમતોમાં મધ્યમ સ્તરની હિંસા, મધ્યમ સ્તરની ક્રૂરતા અને મધ્યમ સ્તરનો ડર જેવા પાસાં જોવા મળે છે. અલબત્ત, ઘણા બાળકો પોતે હોય એના કરતાં વધુ વયના દર્શાવીને એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી ગેમ્સ રમવા લાગે છે, કેમ કે આ બાબતે રોબ્લોક્સના ધારાધોરણો કાચા છે.
આ દેશોએ રોબ્લોક્સ પર પ્રતિબંધ લગાવ્યો છે
હાલમાં ઇરાક, તુર્કી, ઓમાન, કતાર, જોર્ડન, અલ્જીરિયા અને ચીન એ સાત દેશોમાં રોબ્લોક્સ પ્રતિબંધિત છે. એમાં મુખ્યત્વે બાળકોની સુરક્ષા અંગેની ચિંતાઓ, જેમ કે શોષણનું જોખમ અને હાનિકારક સામગ્રીના સંપર્કને કારણે પ્રતિબંધ છે.
બાળકોની સુરક્ષા માટે નિષ્ણાતોના સૂચનો : રોબ્લોક્સ પર તમારા બાળકને સુરક્ષિત રાખવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ યુક્તિઓ આપી છે છે.
1. સ્ક્રીન ટાઇમની સ્પષ્ટ મર્યાદા નક્કી કરો : 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ દિવસમાં એક કલાકથી વધુ સ્ક્રીન ટાઇમ ન આપવો. માતાપિતાએ બાળક માટે દૈનિક સ્ક્રીન ટાઇમની સમયમર્યાદા નક્કી કરવી જોઈએ, જેથી એને રોબ્લોક્સ જેવું કોઈપણ વ્યસન ન થઈ જાય.
2. પેરેન્ટલ કંટ્રોલનો ઉપયોગ કરો : કોઈપણ રમત અથવા એપ્લિકેશનમાં પેરેન્ટલ કંટ્રોલની સગવડ આપેલી હોય છે, જેનો ઉપયોગ કરીને માતાપિતા પોતાના બાળકને જોખમી ડિજિટલ માધ્યમોથી દૂર રાખી શકે છે.
3. ચેટ સુવિધાઓ સીમિત કરો : બાળકોની સલામતી માટે માતાપિતાએ ચેટ સુવિધાઓને સંપૂર્ણ રીતે બંધ કરી દેવી જોઈએ, જેથી કોઈપણ અજાણી વ્યક્તિ બાળક સુધી પહોંચી ન શકે.
4. ઓનલાઈન સલામતી વિશે શિક્ષણ આપો : તમારા બાળકને ઓનલાઈન સલામતી વિશે જ્ઞાન આપો. અજાણ્યા લોકો સાથે ચેટ ન કરવી, ખાનગી સંદેશા સ્વીકારવા નહીં, ક્યારેય પણ વ્યક્તિગત માહિતી (નામ, સરનામું, શાળા, ફોન નંબર) શેર ન કરવી, જેવા મુદ્દા સમજાવો.


