થૂંકનું ટેસ્ટ કરવાથી હાર્ટ ફેઇલર થવાનો હોય તો પહેલાંથી ખબર પડી જશે, જાણો કેવી રીતે…

New Heart Test Method: ઓસ્ટ્રેલિયાની રિસર્ચ ટીમ દ્વારા એક નવી શોધ કરવામાં આવી છે. થૂંકનું ટેસ્ટ કરવાથી હવે હાર્ટ ફેઇલ થવા વિશે પહેલેથી ખબર પડી જશે. રિસર્ચ દરમ્યાન જાણવા મળ્યું છે કે હાર્ટ ફેઇલર થનાર વ્યક્તિમાં એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન જે પણ વ્યક્તિમાં તેની ચોક્કસ માત્રા કરતાં વધુ જોવા મળ્યું, તેમાં હાર્ટ ફેઇલ થવાના ચાન્સ વધી જાય છે.
શું છે આ ટેસ્ટ?
આ ટેસ્ટમાં કોઈ ઇન્જેક્શન કે કોઈ પણ અન્ય વસ્તુની જરૂર નથી. ફક્ત કોઈ પણ વ્યક્તિની થૂંકને લઈને એનો ટેસ્ટ કરવાની જરૂર છે. અત્યારે જે રીતે ટેસ્ટ કરવામાં આવે છે, એ માટે લેબોરેટરીની જરૂર પડે છે. જોકે ભવિષ્યમાં એની પણ જરૂર નહીં પડે એવું બની શકે છે. આ ટેસ્ટ હાલમાં 81 ટકા ચોક્કસ રિઝલ્ટ આપે છે. આ રિઝલ્ટ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે.
કેવી રીતે આ ટેસ્ટ કામ કરે છે?
આ પ્રોટીનનું નામ S100A7 છે. આ પ્રોટીન જેનામાં વધુ જોવા મળે છે, એને હાર્ટ ફેઇલર થવાનો ચાન્સ વધી જાય છે. રિસર્ચ ટીમ દ્વારા એક સિન્થેટિક પ્રોટીન બનાવવામાં આવ્યું છે અને એને S100A7 પ્રોટીનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાર્ટ ફેઇલર થનાર વ્યક્તિમાં S100A7નું પ્રમાણ ટેસ્ટ દરમ્યાન બમણું થઈ જાય છે. આથી ટેસ્ટ દરમ્યાન આ પ્રોટીન બમણું થયું અને એ જલદી પકડી શકાયું તો એની ટ્રીટમેન્ટ જલદી મળી શકે છે, એ પણ એક સરળ થૂંક દ્વારા.
કેમ આ ખૂબ જ મહત્વનું છે?
હાર્ટ ફેઇલ થવું એ દુનિયાભરનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે. દુનિયામાં લગભગ 6.40 કરોડ લોકો હાર્ટને લગતી બીમારીથી પીડાઈ રહ્યા છે. હાર્ટ ફેઇલરના લક્ષણો પણ એકદમ સામાન્ય હોવાથી એને પકડી નથી શકતા. હાલમાં આ માટેની જે ટેસ્ટ છે, એ ખૂબ જ મોંઘી છે તેમજ મોટા-મોટા શહેરોમાં જ જોવા મળે છે.
આ પણ વાંચો: ગૂગલનું મિશન સનકેચર: હવે અંતરિક્ષમાં બનશે ડેટા સેન્ટર, જાણો વિગત…
રિસર્ચ ટીમ હવે શું પગલાં લેશે?
રિસર્ચ ટીમ હવે આ વિશે મોટા પાયે ટેસ્ટ કરવા માગે છે. આ ટેસ્ટ બાદ એનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરી શકે એ માટે ઉપલબ્ધ કરાવશે. ખાસ કરીને એવા નાના શહેરો અને ગામડાઓમાં, જ્યાં મેડિકલ સેવા ખૂબ જ મર્યાદિત છે. આ ટીમ હાલમાં કેન્સર સાથે અન્ય બીમારીઓને પણ શોધવા માટે રિસર્ચ કરી રહી છે.

