ગૂગલનું મિશન સનકેચર: હવે અંતરિક્ષમાં બનશે ડેટા સેન્ટર, જાણો વિગત…

Google Suncatcher Project: ગૂગલ દ્વારા સસ્ટેનેબલ ટેકનોલોજી માટે એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ગૂગલ AIને સ્પેસમાં લઈ જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટને સનકેચર નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સોલરથી ચાલતી સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે જેમાં AI ચિપ્સ હશે. આ પ્રોજેક્ટને 2027 સુધીમાં સ્પેસમાં મોકલવામાં આવશે. પૃથ્વી પરથી AIને હવે ઓર્બિટમાં મોકલી ગૂગલ એક નવી સિદ્ધિ મેળવવા માગે છે. થોડા દિવસ પહેલાં ઇલોન મસ્ક દ્વારા પણ આ પ્રકારના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તેનો હેતુ પૃથ્વીને ઠંડી કરવાનો હતો નહીં કે સસ્ટેનેબલ ટેકનોલોજી.
શું છે પ્રોજેક્ટ સનકેચર?
પ્રોજેક્ટ સનકેચર દ્વારા ગૂગલ પૃથ્વીની લો-ઓર્બિટમાં 80 સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેમાં એડવાન્સ મશીન લર્નિંગ ચિપ્સનો સમાવેશ કરવામાં આવશે જેને ટ્રિલિયમ TPUs તરીકે ઓળખવામાં આવે છે. આ ચિપને ખૂબ જ વધુ AI વર્કલોડ સહન કરી શકે તે પ્રકારની બનાવવામાં આવી છે. તેને હાઇ-એફિશિન્સી સોલર પેનલની મદદથી પાવર આપવામાં આવશે. આ સોલર પેનલ હાલ જે સોલર પેનલ છે તેના કરતાં આઠ ગણું વધુ સારી રીતે કામ કરશે.
આ સેટેલાઇટ પૃથ્વીથી અંદાજે 644 કિલોમીટરનાં અંતરે અંતરિક્ષમાં ઓર્બિટ કરશે. આ સેટેલાઇટ સતત સૂર્યના પ્રકાશમાં રહેશે. તેમજ તેની સાથે કમ્યુનિકેશન કરવા માટે ફ્રી-સ્પેસ ઓપ્ટિકલ લિંકનો ઉપયોગ કરવામાં આવશે. આ એક હાઇ-સ્પીડ ડેટા ટ્રાન્સમિશન મેથડ છે. રેડિયો વેવ કરતાં આ ખૂબ જ સારી રીતે કામ કરે છે.
AIને સ્પેસમાં કેમ મોકલવાની જરૂર પડી?
AI મોડલ જેમ જેમ વિકસિત થઈ રહ્યા છે તેમ તેમ તેમને વધુ વિજળી અને પાણીની જરૂર પડી રહી છે. AI માટે વિજળી અને પાણીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. પૃથ્વી પરનાં ડેટા સેન્ટર તેમની શક્ય એટલી સસ્ટેનેબલ એનર્જીનો ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યા છે. આથી ગૂગલ હવે AIને સ્પેસમાં લઈ જઈ રહ્યું છે. આ માટે સોલર એનર્જીનો ઉપયોગ કરીને ગૂગલ પર્યાવરણ પર થતી અસરને ઘટાડવા માગે છે. આ સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૃથ્વી પર જે-તે વસ્તુ પર દબાણ આવે છે તેને ઓછું કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પૃથ્વી પર જે ડેટા સેન્ટર છે તેની તુલનામાં અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવી ખર્ચ ઓછો કરવાનો પ્લાનિંગ કરી રહ્યું છે ગૂગલ. 2030 સુધીમાં આ ડેટા સેન્ટર ત્યાં બનાવવામાં આવશે. AI ડેવલપમેન્ટને લઈને જે કાર્બન ફૂટપ્રિન્ટ જોવા મળી રહી છે તેમાં ઘટાડો કરવામાં આવશે.

કઈ ટેકનિકલ ચેલેન્જ આવી શકે છે?
ગૂગલનો આ કન્સેપ્ટ ખૂબ જ અદ્ભૂત છે. જોકે તેમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. AI ચિપને અંતરિક્ષમાં કેવી રીતે ઠંડી રાખવી એ મોટી ચેલેન્જ છે. આ માટે ગૂગલ દ્વારા થર્મલ એન્જિનિયરિંગ વિશે વિચારવામાં આવ્યું હશે એ નક્કી છે. સેટેલાઇટને રેડિએશન મુક્ત બનાવવી જરૂરી છે. અંતરિક્ષમાં ઘણાં પ્રકારનું રેડિએશન છે, આથી તે સહન કરી શકે તે પ્રકારની સેટેલાઇટ તૈયાર કરવી જરૂરી છે. સેટેલાઇટ અને પૃથ્વી વચ્ચે કોઈ પણ અડચણ વગર કોમ્યુનિકેશન થવું ખૂબ જ જરૂરી છે. ગૂગલ દ્વારા આ સેટેલાઇટને ક્યુબસેટ સ્ટાન્ડર્ડથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. એટલે કે ટેકનોલોજીમાં વિકાસ થાય તો તેને પણ અપગ્રેડ કરી શકાશે.
ગૂગલ લોન્ચ કરશે બે સેટેલાઇટ્સ
ગૂગલ 2027 સુધીમાં બે પ્રોટોટાઇપ સેટેલાઇટ્સ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ પ્રોટોટાઇપ દ્વારા સ્પેસ આધારિત AI કોમ્પ્યુટિંગ ક્ષમતાને ગૂગલ દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. આ AI પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે કામ કરવા માટે ગૂગલ 2030 સુધીનો સમય લઈ શકે છે. આ બે પ્રોટોટાઇપ દ્વારા ગૂગલ ઘણાં ટેસ્ટ કરશે.
આ પણ વાંચો: સરકારની ચેતવણી: ડાર્ક પેટર્નથી બચો, નહીંતર થશે મોટું નુકસાન
ગ્રીન AIને પ્રોત્સાહન
ગૂગલ હાલમાં સનકેચર દ્વારા ગ્રીન AIને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગૂગલ માટે આ ફક્ત એક ઇનોવેશન નથી, પરંતુ એક કોશિશ છે. ગૂગલ હવે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરીને AI ચલાવવાની કોશિશ કરી રહ્યું છે. ગૂગલના આ પ્રોજેક્ટને લઈને અન્ય કંપનીઓ પણ એ શરૂ કરે તો નવાઈ નહીં.

