આખરે પ્લે સ્ટોરમાં રિઅલ મની ગેમ્સ એપ્સને એન્ટ્રી મળી ગઈ
એશિયા કપ ટીટ્વેન્ટી
ટુર્નામેન્ટ દરમિયાન આપણે ફેન્ટસી ક્રિકેટ એપ્સની ભરપૂર જાહેરાતો જોઈ છે. એ જ રીતે
ટીવી પર અને ઇન્ટરનેટ પર પત્તાંની રમી એપ્સની જાહેરાતો પણ સતત વધી રહી છે. ભારતમાં
આ પ્રકારની ગેમિંગ એપ્સમાં અમુક સ્ટાર્ટઅપ યુનિકોર્નના લેવલે પણ પહોચ્યા છે, એટલે કે તેમનું
વેલ્યુએશન એક અબજ ડોલરને ઓળંગી ગયું છે! પરંતુ હજી સુધી રૂપિયા દાવ પર મૂકીને રમી
શકાતી આવી એપ્સને કાયદેસર માન્યતા વિશે થોડી અસ્પષ્ટતા રહી છે. ભારતના કાયદામાં
જુગાર ગેરકાયદે છે. પરંતુ તેનો અમલ રાજ્ય સરકારોની સત્તાને આધિન છે. આથી કેટલાંક
રાજ્યો રિઅલ મની ગેમિંગ એપ્સને જુગાર ગણે છે અને આવી એપ્સના ઉપયોગને પોતાના
રાજ્યમાં મંજૂરી આપતાં નથી. જ્યારે અમુક રાજ્યો આવી છૂટ આપે છે. બીજી તરફ અદાલતે
એવી સ્પષ્ટતા કરી છે કે રિઅલ મની ગેમિંગ એપ્સ માત્ર નસીબ આધારિત નથી. તેમાં જીતવા
માટે ચોક્કસ સ્કિલ પણ હોવી જરૂરી છે. જેમાં સ્કિલ - આવડત જરૂરી હોય તેને જુગાર
ગણવામાં આવતો નથી.
કાયદાની આ છટકબારીનો
જ લાભ લઇને સંખ્યાબંધ સેલિબ્રિટી રિઅલ મની ગેમ્સ એપ્સનું એન્ડોર્સમેન્ટ કરી કમાણી
વધારી રહી છે. જ્યારે સંખ્યાબંધ લોકો આવી ગેમ્સની કોઈ સ્કિલ ધરાવતા ન હોય તો પણ
માત્ર કમાણીની લાલચે તેમાં રમતા રહે છે અને પોતાનાં નાણાં ગુમાવતા રહે છે. અત્યાર
સુધી આ બાબતે ગૂગલનું વલણ સ્પષ્ટ હતું - ગૂગલે તેના પ્લે સ્ટોરમાં ડેઇલી ફેન્ટસી
સ્પોર્ટ્સ અને રમી એપ્સને એન્ટ્રી આપી નહોતી. હવે ગૂગલે યુ-ટર્ન લઈને ગયા અઠવાડિયે
જાહેર કર્યું છે કે તે મર્યાદિત સમય માટે પ્રાયોગિક ધોરણે પ્લે સ્ટોરમાં રિઅલ મની
ગેમ્સ અને રમી એપ્સને મૂકવાની મંજૂરી આપશે. અત્યાર સુધી આવી એપ્સ જે તે ગેમિંગ
કંપનીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવી પડતી હતી.