Get The App

હવે લોન નહીં ચૂકવો તો બેન્ક તમારો ફોન લોક કરી શકશે, RBIની નવા નિયમની તૈયારી

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
હવે લોન નહીં ચૂકવો તો બેન્ક તમારો ફોન લોક કરી શકશે, RBIની નવા નિયમની તૈયારી 1 - image


RBI Working on New Loan Rule: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) હવે એક નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. આ નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી પર લોન નહીં ચૂકવે તો બેન્ક અથવા તો નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) યુઝરના મોબાઇલને રિમોટલી લોક કરી શકે છે. આથી યુઝર પાસેથી લોનના પૈસા વસૂલ કરવું તેમના માટે સરળ બની શકે છે. જોકે આ નિયમ લાવવો કે નહીં એ પણ એક સવાલ છે. કારણ કે મોબાઇલ બંધ કરવાથી એનો ખૂબ જ વિરોધ કરવામાં આવી શકે છે.

આ નિયમ માટેનો પ્રસ્તાવ શું છે?

મોબાઇલ લોક મેનેજમેન્ટ : લોન લેતી વખતે યુઝર્સના મોબાઇલમાં એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે. ગૂગલ ડિવાઇસ લોક કન્ટ્રોલર અથવા તો સેમસંગ ફાઇનાન્સ પ્લસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી શકે છે. સેમસંગની ડિવાઇસ માટે ખાસ સેમસંગની એપ્લિકેશન છે. યુઝર જ્યારે લોન ડિફોલ્ટ કરે એટલે કે નહીં ચૂકવે ત્યારે આ એપ્લિકેશનની મદદથી એને રિમોટલી લોક કરી શકાશે.

લેખિતમાં આપવી પડશે પરવાનગી : લોન લેતી વખતે ગ્રાહકે લેખિતમાં તેના મોબાઇલને લોક કરવાની પરવાનગી આપવી પડશે. જો લેખિતમાં પરવાનગી આપશે તો જ લોન મળશે અને પરવાનગી હશે તો લોક કરી શકાશે. જોકે આ પરવાનગી આપવા છતાં તેમને યુઝર્સના ફોટો, મેસેજ અથવા તો અન્ય કોઈ પણ ડેટાનો એક્સેસ નહીં મળે.

નિષ્પક્ષ કાર્યવાહી : RBI આગામી થોડા મહિનામાં આ નિષ્પક્ષ કાર્યવાહી માટે નિયમ અપડેટ કરી શકે છે. આથી આ પ્રોસેસને મંજૂરી મળવાના ચાન્સ વધી શકે છે.

આ નિયમની જરૂર કેમ પડી?

ડિફોલ્ટરની સંખ્યામાં વધારો : ભારતમાં દરેક ત્રણ પ્રોડક્ટમાંથી એક પ્રોડક્ટ લોન દ્વારા ખરીદવામાં આવે છે. એક લાખથી ઓછી કિંમતની પ્રોડક્ટ પર ડિફોલ્ટરની સંખ્યા સૌથી વધુ છે. તેમ જ આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

રિકવરી કરવામાં થઈ રહી છે પરેશાની : નાની કિંમતની વસૂલીમાં બેન્ક અને NBFCને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. આ નિયમને કારણે બજાજ ફાઇનાન્સ, DMI ફાઇનાન્સ અને ચોલમંડલમ ફાઇનાન્સ જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે.

હવે લોન નહીં ચૂકવો તો બેન્ક તમારો ફોન લોક કરી શકશે, RBIની નવા નિયમની તૈયારી 2 - image

ગ્રાહકના અધિકાર પર સવાલ

ડિજિટલ નિર્ભરતા : આજે મોબાઇલ ફોન ફક્ત એક ગેજેટ નથી. એનો ઉપયોગ બેન્કિંગ, શિક્ષણ અને નોકરી તેમજ સરકારી સેવાઓ માટે પણ કરવામાં આવી રહ્યો છે. આથી યુઝરનો મોબાઇલ બંધ થઈ જતાં તેની સામાજિક અને આર્થિક સ્થિતિ પર અસર પહોંચાડી શકે છે.

ડેટા પ્રાઇવસી : RBI પાસે હાલમાં સૌથી મોટો ચિંતાનો વિષય યુઝરના ડેટાનો છે. આથી આ નિયમ લાગુ કરતાં પહેલાં એ ચોક્કસ કરવામાં આવશે કે બેન્ક અથવા તો NBFCને યુઝર્સના ડેટાનો એક્સેસ નહીં મળે. તેઓ ફક્ત મોબાઇલને લોક કરી શકશે, એને એક્સેસ નહીં.

આ પણ વાંચો: OpenAIના વિસલબ્લોઅર સુચિર બાલાજીનું મર્ડર થયું છે?: મસ્કનો ચોંકાવનારો આરોપ...

શું ઉકેલ આવશે?

RBI હાલમાં આ વિશે અન્ય સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યું છે. એ વાતચીત કઈ દિશામાં જાય અને એમાં શું સમાધાન આવે એના પર તમામ બાબતો નિર્ભર છે. કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા લોન વસૂલ કરવાની છે. આથી તેમના પૈસા પણ વસૂલ થાય અને યુઝર્સના અધિકાર પણ જળવાઈ રહે એવો રસ્તો શોધવા માટે RBI કામ કરી રહી છે.

Tags :