OpenAIના વિસલબ્લોઅર સુચિર બાલાજીનું મર્ડર થયું છે?: મસ્કનો ચોંકાવનારો આરોપ...
OpenAI Whistleblower Suchir Balaji Murdered?: ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે OpenAIના રિસર્ચર અને વિસલબ્લોઅર સુચિર બાલાજીનું મર્ડર કરવામાં આવ્યું હતું. OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન દ્વારા હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે સુચિરે સુસાઇડ કર્યું હતું. સુચિર મૂળ ભારતનો હતો અને છેલ્લા ચાર વર્ષથી OpenAI સાથે કામ કરી રહ્યો હતો. 2024ના નવેમ્બરમાં તે સેન ફ્રાન્સિસ્કોના તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ દ્વારા એને સુસાઇડ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે સુચિરની ફેમિલી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તપાસમાં કોઈ ભૂલ છે કારણ કે સુચિર સુસાઇડ કરે એવી માનસિક હાલતમાં નહોતો.
કોણ છે સુચિર બાલાજી?
સુચિર બાલાજી એક કોમ્પ્યુટર સાઇન્ટિસ્ટ છે જેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી અભ્યાસ કર્યો હતો. તેણે OpenAI અને સ્કેલAI સાથે તેની ઇન્ટર્નશિપની શરૂઆત કરી હતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેણે OpenAIમાં ફુલ-ટાઇમ કામ શરૂ કર્યું હતું. વેબજીપીટી અને જીપીટી-4ના પ્રી-ટ્રેઇનિંગ પ્રોજેક્ટમાં તેણે કામ કર્યું હતું. ત્યાર બાદ તેને વધુ જવાબદારી સોંપવામાં આવી હતી. તે ત્યાર બાદ રિઝનિંગ ટીમમાં જોડાયો હતો. તેમ જ ચેટજીપીટીની પોસ્ટ-ટ્રેઇનિંગમાં કામ કરી રહ્યો હતો. આ ટેક્નોલોજીનો સોસાયટી પર શું અસર પડી રહી છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તેણે કંપની છોડી દીધી હતી.
આ પણ વાંચો: ભારતીય રેલવેની એક સુપરએપ, પરંતુ કામ અનેક: જાણો કેવી રીતે ઉપયોગ કરશો…
પોલીસ તપાસ સામે વાંધો ઉઠાવ્યો સુચિરની ફેમિલીએ
2023ની ઓગસ્ટમાં સુચિરે OpenAIમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ સુચિરે જાહેરમાં કહ્યું હતું કે OpenAI તેના જનરેટિવ AI મોડલને ટ્રેઇનિંગ આપવા માટે કોપીરાઇટેડ મટિરિયલનો ઉપયોગ કરે છે. સુચિરની મમ્મી પૂર્ણિમા રામારાવે કહ્યું કે ‘દરેકને ચૂપ કરી નાખવામાં આવ્યાં છે. આ વિશે કોઈ સત્ય નથી બોલી રહ્યું. તેમ જ વકીલને પણ હવે મારા દીકરાના મૃત્યુને સુસાઇડ તરીકે બોલવા પર મજબૂર કરવામાં આવી રહ્યો છે.’
મસ્ક અને ઓલ્ટમેન વચ્ચેની તકરાર
OpenAIના શોધકમાં ઇલોન મસ્કનો પણ સમાવેશ થાય છે. જોકે કંપની કઈ દિશામાં જઈ રહી છે એ જોઈને મસ્કે 2018માં કંપની છોડી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેમની વચ્ચે મતભેદ ચાલે છે. OpenAIને ટક્કર આપવા માટે મસ્ક દ્વારા xAI પણ શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ સેમ ઓલ્ટમેન અને ઇલોન મસ્ક બન્ને એકમેક વિશે જાહેરમાં સ્ટેટમેન્ટ આપવા માટે જાણીતા છે. તેમ જ તેમનો એક કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે. ઇલોન મસ્ક દ્વારા OpenAIને ખરીદવા માટેની ઓફર પણ આપવામાં આવી હતી જેને સેમ ઓલ્ટમેન દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
મસ્કનો ચોંકાવનારો આરોપ
સુચિર બાલાજીના મૃત્યુ બાદ પણ સેમ ઓલ્ટમેન અને ઇલોન મસ્ક વચ્ચે એ વિશે ઘણી વાર જાહેરમાં કમેન્ટ કરવામાં આવી છે. સેમ ઓલ્ટમેન દ્વારા હાલમાં જ ટકર કાર્લસનના ઇન્ટરવ્યુમાં હાજરી આપવામાં આવી હતી. આ ઇન્ટરવ્યુમાં સુચિર બાલાજીના મૃત્યુને સુસાઇડ કહેવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યુ વિશે મસ્કે ટ્વીટ કર્યું કે ‘સુચિરનું મર્ડર કરવામાં આવ્યું હતું.’