ઇન્ડિયન રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી ‘રેલવન’ સુપર એપ: જાણો પેસેન્જર્સને કેવી રીતે મદદ કરશે…
RailWay Super App: ઇન્ડિયન રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી નવી ‘રેલવન’ સુપર એપ. આ એપ્લિકેશનમાં યૂઝર્સને દરેક પ્રકારની સુવિધા મળશે. અત્યાર સુધી રેલવેની જુદી-જુદી સર્વિસ માટે અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે હવે એ તમામ સર્વિસને રેલવે દ્વારા એક જ એપ્લિકેશનમાં સમાવી દેવામાં આવી છે. આથી એને સુપરએપ નામ આપવામાં આવ્યું છે.
દરેક સર્વિસ એક જ એપ્લિકેશનમાં
આ એપ્લિકેશનમાં રેલવે દ્વારા ઘણી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ, PNR સ્ટેટસ, ટ્રેન સ્ટેટસ, અને કોચની સંખ્યા અને પોઝિશન દેખાડવા માટેની સર્વિસનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ રેલ મદદ અને ફીડબેક માટેની સર્વિસ પણ એમાં સમાવેશ કરવામાં આવી છે. આ એપ્લિકેશનને આઇફોન અને એન્ડ્રોઇડ બન્ને પર ડાઉનલોડ કરી શકાય છે. આ સાથે જ એક જ પાસવર્ડ દ્વારા દરેક સર્વિસનો ઉપયોગ કરી શકાશે. એ માટે હવે અલગ-અલગ પાસવર્ડની જરૂર નહીં પડે. યૂઝર રેલ કનેક્ટ અને UTS એપ્લિકેશનના એકાઉન્ટ પાસવર્ડનો ઉપયોગ કરીને આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
યૂઝર્સને થતા ફાયદા
રેલવન એપ્લિકેશનની મદદથી યૂઝરે અલગ-અલગ એપ્લિકેશન અને એના પાસવર્ડને રાખવાની ઝંઝટથી છૂટકારો મળ્યો છે. તેમ જ એક જ એપ્લિકેશનને કારણે યૂઝર્સની સ્ટોરેજમાં પણ ઘટાડો થશે. આ એપ્લિકેશનમાં વૉલેટની પણ સુવિધા આપવામાં આવી છે. આથી યૂઝર વૉલેટમાંથી સીધા પૈસા કપાવી શકે છે. આ સેવાને ફક્ત mPIN અથવા તો બાયોમેટ્રિક લોગિન દ્વારા એક્સેસ કરી શકાય છે.
આ પણ વાંચો: iOS 26ના બે મુખ્ય ફીચરને હાલમાં લોન્ચ નહીં કરે એપલ, જાણો કયા છે આ ફીચર…
ભોજન માટે પણ ઉપયોગ કરી શકાશે આ એપનો
રેલવે દ્વારા પહેલાં રિઝર્વેશન માટે અલગ એપ્લિકેશન, અનરિઝર્વ્ડ સીટ માટે અલગ એપ્લિકેશન, ફૂડ માટે અલગ એપ્લિકેશન અને ટ્રેકિંગ માટે અલગ એપ્લિકેશન રાખવામાં આવતી હતી. જોકે રેલવે દ્વારા હવે ભોજનનો પણ સમાવેશ આજ એપ્લિકેશનમાં કરવામાં આવ્યો છે. આથી ટિકિટ બુક કર્યા બાદ યૂઝર તેના ભોજનનું પણ બુકિંગ કરી શકે છે. આથી હવે એક રેલવે, એક એપ્લિકેશનનો લાભ યૂઝર્સને મળી રહ્યો છે.