iOS 26ના બે મુખ્ય ફીચરને હાલમાં લોન્ચ નહીં કરે એપલ, જાણો કયા છે આ ફીચર…
iOS Features: એપલ દ્વારા iOS 26ને વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ 2025માં લોન્ચ કરવામાં આવી હતી. આ સમયે તેમણે ઘણાં ફીચર્સ વિશે જણાવ્યું હતું. જોકે એમાંથી હવે બે મુખ્ય ફીચરને હાલમાં લોન્ચ કરવામાં નથી આવી રહ્યા. નવા આઇફોન સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કરવામાં આવે છે. આ સિસ્ટમની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. જોકે યુઝરે હજી પણ આ માટે રાહ જોવી પડી શકે એવું છે.
શું છે આ ફીચર?
એપલ દ્વારા લાઇવ ટ્રાન્સલેશનનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનની સાથે આ ફીચર એરપોડ્સમાં પણ આવશે. એરપોડ્સની મદદથી યુઝર્સ લાઇવ ટ્રાન્સલેશન ફીચરની મદદથી કોઈની પણ સાથે કોઈ પણ ભાષામાં વાત કરી શકશે. જો કે આ ફીચરને હાલમાં લોન્ચ કરવામાં નહીં આવે. આ સાથે જ Wi-Fi લોગ-ઇન સિંક ફીચરને પણ હાલ માટે લોન્ચ કરવામાં નહીં આવે. યુઝર દ્વારા જો કોઈ પણ પબ્લિક નેટવર્ક પર એકવાર લોગ ઇન કરેલું હશે તો એ તેની તમામ ડિવાઇસમાં સિંક થઈ જશે. જોકે આ ફીચરને પણ લંબાવી દેવામાં આવ્યું છે. આ ફીચરને iOS 26.1 અથવા તો iOS 26.2માં લોન્ચ કરવામાં આવી શકે છે. એટલે કે ઑક્ટોબર અથવા તો ડિસેમ્બરમાં લોન્ચ થઈ શકે.
કેમ ફીચરને લોન્ચ કરવામાં નહીં આવે?
એપલ આ ફીચરને લોન્ચ નથી કરી રહ્યું કારણ કે તેઓ એને વધુ સારું બનાવવા માગે છે. આ ફીચરને વધુ યોગ્ય અને સારું પર્ફોર્મ કરી શકે એવું બનાવા માટે સમય જોઈએ છે. એપલ હાલમાં ઓપરેટિંગ સિસ્ટમને લોન્ચ કરવા પર ફોકસ કરી રહી છે. આથી એકવાર લોન્ચ થઈ ગયા બાદ આ ફીચર પર કામ કરી એને વધુ સારું બનાવી પાછળથી લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: કોઈ ટાવર કે નેટવર્ક વિના અંતરિક્ષથી પૃથ્વી પર કેવી રીતે થાય છે વીડિયો કૉલ? જાણો વિગતવાર
iOS 26ના મુખ્ય ફીચર્સ?
એપલની iOS 26માં તેની લીક્વિડ ગ્લાસ ડિઝાઇન સૌથી મોટી હાઇલાઇટ છે. આ સાથે એપલ ઇન્ટેલિજન્સમાં પણ ઘણો સુધારો કરવામાં આવ્યો છે. ફોનમાં કોલ સ્ક્રીનિંગ અને હોલ્ડ આસિસ્ટન્ટ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એપલની નવી ગેમ ઍપ્લિકેશન અને કારપ્લે જેવા ઘણાં સુધારાવધારા પણ કરવામાં આવ્યા છે.