Get The App

મેડિકલ સાયન્સની ક્રાંતિકારી શોધ, દેડકાના આંતરડાના બેક્ટેરિયામાં મળી કેન્સર સામે લડવાની ‘જડીબુટ્ટી’

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
મેડિકલ સાયન્સની ક્રાંતિકારી શોધ, દેડકાના આંતરડાના બેક્ટેરિયામાં મળી કેન્સર સામે લડવાની ‘જડીબુટ્ટી’ 1 - image


Anti Cancer Drug: મેડિકલ સાયન્સમાં ક્રાંતિકારી કહી શકાય એવી એક અદ્ભુત શોધ થયાના સમાચાર આવ્યા છે. જાપાનના વૃક્ષ પર રહેતા દેડકા(સાયન્ટિફિક નામ dryophytes japonicus)ના આંતરડામાં રહેતા એક બેક્ટેરિયામાં કેન્સર સામે લડવાની અજોડ ક્ષમતા મળી આવી છે. ચાલો આ શોધ વિશે વિગતવાર જાણીએ.

શોધનો મુખ્ય આધાર: કેન્સર-પ્રતિરોધી ઉભયજીવીઓ

દેડકા, ગરોળી જેવા ઉભયજીવીઓ અને સરિસૃપોમાં કેન્સર ખૂબ જ દુર્લભ હોય છે. આ તથ્યથી પ્રેરિત થઈને જાપાનની ઍડ્વાન્સ્ડ ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજીના વિજ્ઞાનીઓએ આ જીવોના આંતરડામાં રહેતા બેક્ટેરિયા પર સંશોધન શરુ કર્યું હતું. તેમણે દેડકા અને ન્યુટ્સ(ગરોળી જેવો એક ઉભયજીવી)માંથી કુલ 45 પ્રકારના બેક્ટેરિયા એકત્રિત કર્યા અને તેમનો અભ્યાસ કર્યો હતો.

પરીક્ષણમાં મળ્યું આશ્ચર્યજનક પરિણામ

45માંથી નવ બેક્ટેરિયાએ કેન્સર સામે મજબૂત પ્રતિકારક ક્ષમતા દાખવી હતી. આમાં એલિવેનજેલા અમેરિકાના (Ewingella americana) નામના બેક્ટેરિયા સૌથી વધુ પ્રભાવશાળી રહ્યા હતા. કેન્સરગ્રસ્ત ઉંદરોને આ બેક્ટેરિયાનો માત્ર એક જ ડોઝ આપવામાં આવ્યો હતો, તોય પરિણામ ચકિત કરનારું મળ્યું હતું.

આ પણ વાંચો: ડાયનાસોરના યુગનો 'દાનવ' આજે પણ જીવે છે! આફ્રિકાની નાઇલ નદીમાં દેખાયો 21 ફૂટ લાંબો મગર

કેવા પરિણામ મળ્યાં?

• કેન્સરની ગાંઠો સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ.

• 30 દિવસ પછી ફરીથી ઉંદરોના શરીરમાં કેન્સરના કોષ દાખલ કરવા છતાં ગાંઠો ફરીથી વિકસિત થઈ નહીં.

• કોઈ હાનિકારક આડઅસર જોવા મળી નહીં.

આ બેક્ટેરિયા કેવી રીતે કામ કરે છે?

આ બેક્ટેરિયા બે રીતે શરીરને કેન્સર સામે લડવામાં મદદ કરે છે:

1. રોગપ્રતિકારક શક્તિ જગાડે છે: તે શરીરની રોગપ્રતિકારક પ્રણાલીને સક્રિય કરે છે. ટી કોષો, બી કોષો અને ન્યુટ્રોફિલ્સ નામના રક્ષક કોષોને સતર્ક કરીને ગાંઠો પર હુમલો કરવા પ્રેરે છે.

2. કઠિન પરિસ્થિતિમાં પણ કાર્યક્ષમ છે: કેન્સરની ગાંઠોની અંદર ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેથી ઘણી કીમોથેરાપી દવાઓ અસરકારક નથી હોતી. પરંતુ આ બેક્ટેરિયા આવા નિમ્ન-ઓક્સિજન વાતાવરણમાં પણ સરળતાથી કામ કરી શકે છે અને ગાંઠોને નષ્ટ કરે છે.

હાલની દવાઓ સાથે સરખામણી

પરીક્ષણોમાં આ બેક્ટેરિયાવાળી થેરાપીની તુલના કેન્સરની સામાન્ય દવા ડોક્સોરુબિસિન સાથે કરવામાં આવી હતી. પરિણામો બતાવે છે કે:

• નવી દવા ડોક્સોરુબિસિન કરતાં વધુ અસરકારક છે.

• તે લોહીમાંથી ઝડપથી સાફ થઈ જાય છે.

• લાંબા ગાળે યકૃત, હૃદય અને બીજા સ્વસ્થ અંગોને કોઈ નુકસાન નથી થતું.

• વિજ્ઞાનીઓ માને છે કે આ દિશામાં ભવિષ્યના ક્લિનિકલ ટ્રાયલ માટે તે સલામત વિકલ્પ બની શકે છે.

વધુ પ્રયોગોની જરૂર છે

આ શોધ અત્યારે માત્ર પ્રયોગશાળામાં ઉંદરો પર કરવામાં આવી છે. મનુષ્યો પર અજમાવવા પહેલાં ઘણા પગલાં લેવાના બાકી છે.

• માનવ શરીર પર આ દવાની અસર કેવી પડશે એની તપાસ કરવી જરૂરી છે.

• ઇલેવેનજેલા અમેરિકાના બેક્ટેરિયા કેટલાક લોકોમાં ચેપ પણ ફેલાવી શકે છે. તેથી, તેને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા પર વધુ સંશોધન કરવું પડશે.

• વિજ્ઞાનીઓ હવે અન્ય પ્રકારના કેન્સર પર તેની અસર, અને અન્ય દવાઓ સાથે મિશ્રણ કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે.

'ગટ માઇક્રોબ્સ' જર્નલમાં પ્રકાશિત આ સંશોધન કેન્સર સારવારની દુનિયામાં એક નવી ક્રાંતિ લાવવાની સંભાવના રાખે છે. તે આપણને યાદ અપાવે છે કે દેડકા જેવા અનેક જીવો પ્રકૃતિનો ખજાનો છે; તેમનું સંરક્ષણ માનવજાતની ભલાઈ માટે અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે એમ છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ FIR; એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000થી વધુ કેસ