| (AI IMAGE) |
Aravalli Rajasthan Illegal Mining: રાજસ્થાનમાં છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહના ગુના હેઠળ કુલ 7,173 FIR નોંધાઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે, એકલા અરવલ્લી પટ્ટાના જિલ્લામાં જ 4,181 પોલીસ કેસ થયા છે. સમગ્ર રાજસ્થાનની વાત કરીએ તો છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનનની નાની-મોટી 71,322 ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કેસની સાથે દંડ ભર્યો હોય એવા કિસ્સા પણ સામેલ છે. આ પ્રકારના કેસની વાત કરીએ તો અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં કુલ 40,175 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના 20 જિલ્લા અરવલ્લીની શ્રેણીમાં આવે છે.
સત્તા પરિવર્તન અને આંકડાકીય જંગ
જો કે, કોંગ્રેસના પાંચ વર્ષ અને ભાજપના બે વર્ષના શાસનના વિવિધ ઘટનાઓ અને પોલીસ ફરિયાદના આંકડામાં પણ મોટો તફાવત છે. આ અંગે વાત કરતા ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપ નેતા અને પ્રવક્તા રામલાલ શર્માએ જણાવ્યું હતું કે, ‘રાજસ્થાન સરકાર અરવલ્લીનો એક-એક પથ્થર સુરક્ષિત રાખવા કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં અમારી સરકારે ખનન માફિયા સામે કડક કાર્યવાહી કરી છે.’
સરકારી આંકડા મુજબ, 15 ડિસેમ્બર 2018થી 14 ડિસેમ્બર 2023 દરમિયાન કોંગ્રેસના શાસનમાં અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં ગેરકાયદે ખનનની 29,209 ઘટનાઓ બની હતી. તેની સામે ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સરકારના પ્રથમ બે વર્ષમાં એટલે કે 13 ડિસેમ્બર 2023થી 2025 સુધીના સમયગાળામાં આ સંખ્યા 10,966 છે.
FIR ઓછી હોવા મુદ્દે તંત્રની સ્પષ્ટતા
રાજસ્થાન વિભાગના ખાણ અને પેટ્રોલિયમ વિભાગના અગ્ર સચિવ ટી. રવિકાંતે કહ્યું કે, કોઈ પણ ઘટના અને FIR વચ્ચે મોટો તફાવત છે. જ્યારે વિભાગ પોતે નોટિસ આપીને દંડ વસૂલે છે, ત્યારે તે ઘટના ગણાય છે પરંતુ કોઈ હુમલો કે ચોરી જેવી ગંભીર ઘટના બને ત્યારે જ પોલીસ ફરિયાદ દાખલ કરાય છે. આ કારણે જ કુલ ઘટનાઓની તુલનામાં FIRની સંખ્યા ઓછી છે.’
ખાણ માફિયાનો આતંક, અધિકારીઓ પર હુમલા
અહીં એ નોંધવુ પણ જરૂરી છે કે, રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકા રામ જુલીના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે, ‘વર્ષ 2024માં જ ખાણ માફિયા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પર 93 વખત હુમલા કરાયા હતા, જેમાં 311 કર્મચારી નિશાન બન્યા હતા.’
દંડની વસૂલાત અને ધરપકડનો હિસાબ
રાજસ્થાનમાં ગેરકાયદે ખનન માફિયાઓ વિરુદ્ધ તંત્રની લાલ આંખ જોવા મળી છે, જેના પરિણામે છેલ્લા સાત વર્ષમાં કુલ રૂ. 637.16 કરોડનો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન માત્ર અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાંથી રૂ. 231.75 કરોડનો દંડ વસૂલાયો હતો, જ્યારે વર્તમાન ભાજપ શાસનમાં અત્યાર સુધીમાં રૂ. 136.78 કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી છે.
ધરપકડ અને સાધનોની જપ્તીના મામલે પણ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા 3,736 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાંથી કુલ 70,399 વાહનો અને મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. આ જપ્તીના આંકડાઓમાં રાજકીય તુલના કરીએ તો, કોંગ્રેસના શાસનમાં 29,138 વાહનો જપ્ત કરાયા હતા, જ્યારે ભાજપના કાર્યકાળમાં અત્યાર સુધીમાં 10,616 વાહનો અને મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.
નવી વ્યાખ્યાથી વિવાદ: શું અરવલ્લીનું અસ્તિત્વ જોખમમાં?
પર્યાવરણ સચિવની સમિતિ દ્વારા સૂચવેલી અને 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી 'અરવલ્લી'ની નવી વ્યાખ્યાને કારણે વિવાદ સર્જાયો છે. નવી વ્યાખ્યા મુજબ, સ્થાનિક ભૂતલથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી જમીન જ 'અરવલ્લીની ટેકરી' ગણાશે. આ નિર્ણયને કારણે પર્યાવરણપ્રેમીઓમાં ડર છે કે નીચાણવાળા વિસ્તારોમાં ખનન વધશે.
જો કે, પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી વિગતવાર અભ્યાસ ન થાય ત્યાં સુધી અરવલ્લીમાં ખનની કોઈ નવી લીઝ અપાશે નહીં.


