Perplexity.in થયું જેમિની પર રિડાયરેક્ટ, ટેક્નિકલ ખામી કે ગૂગલની સ્ટ્રેટજી?

Perplexity.in redirect to Gemini: યુઝર દ્વારા perplexity.in ઓપન કરવા જતાં સીધી ગૂગલ જેમિની ઓપન થઈ રહ્યું છે. એને લઈને એવી ચર્ચા ચાલી રહી છે કે ગૂગલ દ્વારા એને ખરીદી લેવામાં આવ્યું છે. જોકે કંપનીનું ઓરિજિનલ ડોમેન હજી પણ બરાબર કામ કરી રહ્યું છે. ડિજિટલ દુનિયામાં આજે નાનામાં નાની વસ્તુ પણ ખૂબ જ મોટા સમાચાર બની જાય છે. perplexity.in અને ગૂગલનું જેમિની બન્ને AI કંપની છે. તેમની વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે. આથી જ એક કંપનીની લિંક પર બીજી કંપની ઓપન થતાં લોકો આશ્ચર્યમાં છે. Perplexity AI હજી પણ તેના ઓરિજિનલ ડોમેન પર બરાબર કામ કરી રહ્યું હોવાથી કંપની દ્વારા બદલાવના કોઈ પણ સંકેત આપવામાં નથી આવ્યાં. આથી કોઈ મજાક છે કે ગૂગલે ખરીદી લીધું એ સવાલ છે.
ટેક્નિકલ ખામી કે સ્ટ્રેટજી?
સોશિયલ મીડિયા પર એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૂગલ દ્વારા Perplexityને ખરીદી લેવામાં આવ્યું છે. જોકે હજી સુધી ગૂગલ અથવા તો Perplexity દ્વારા એ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. ડોમેન રિડાયરેક્ટ કરવું એ કોઈ થર્ડ પાર્ટીના કન્ટ્રોલમાં હોઈ શકે છે. આથી એને લઈને કોઈ પણ ડીલ કરવામાં આવી છે એવો દાવો કરવો ખૂબ જ જલદી કહેવાશે.
perplexity.in રિડાયરેક્ટ થઈ રહ્યું હોવાની વાત ક્યાંથી આવી?
કોડસોફ્ટિકના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અભિનંદર ઝામ્બાએ તેમના LinkedIn પોસ્ટ પર આ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે ‘ડોમેન perplexity.in હવે સીધું યુઝર્સને ગૂગલ જેમિની પર લઈ જઈ રહ્યું છે. Perplexity માટે AI સર્ચ અને આસિસ્ટન્ટ સેક્ટરમાં ગૂગલ ખૂબ જ મોટું હરીફ છે. અત્યાર સુધી એ વાતની જાણકારી નથી મળી રહી કે આ ડોમેન શું ગૂગલ પાસે છે કે પછી ગૂગલે એને પોતે રિડાયરેક્ટ કર્યું છે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે આ રિડાયરેક્ટ કોઈ દ્વારા કરવામાં આવેલી મજાક હોઈ શકે છે. આ કોઈ રણનીતિ પણ હોઈ શકે છે અથવા તો જે વ્યક્તિ પાસે આ ડોમેન છે તેનો પોતાનો આ નિર્ણય પણ હોઈ શકે છે. જોકે perplexity.ai હજી પણ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે.’
શું કોઈ મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે?
2025ના ઓગસ્ટમાં Perplexity દ્વારા ગૂગલના ક્રોમ બ્રાઉઝરને ખરીદવા માટે 34.5 બિલિયન ડોલરની કેશ ઓફર મૂકી હતી. આ ઓફર Perplexityની પોતાની વેલ્યૂ 18 બિલિયન અમેરિકન ડોલર કરતાં પણ વધુ હતી. આ ઓફરમાં ક્રોમ માટે 34.5 બિલિયન અમેરિકન ડોલર કેશ, આગામી ત્રણ વર્ષમાં ક્રોમના ડેવલપમેન્ટમાં ત્રણ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ અને ક્રોમિયમને ઓપન સોર્સ જ રાખવાની પ્રોમિસ કરવામાં આવી હતી. આ સાથે જ ક્રોમના ડિફોલ્ટ સર્ચ સેટિંગ્સમાં પણ કોઈ બદલાવ નહીં કરવામાં આવે અને ગૂગલમાં ક્રોમની જે ટીમ છે એને પણ જોબની ઓફર કરવામાં આવી હતી. Perplexity દ્વારા કહેવાયું હતું કે યુઝર્સની પસંદગીને બદલવામાં નહીં આવે, પરંતુ એને વધુ સારું બનાવવામાં આવશે.
આ પણ વાંચો: એપલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો થેફ્ટ પ્રોટેક્શન પ્લાન, જાણો ખોટો ક્લેમ કરતાં શું થશે…
Perplexity AI શું છે?
Perplexity AI પોતાને માહિતી સર્ચ કરવા માટેનું મલ્ટી-ટૂલ જણાવે છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો આ એક AI આધારિત સર્ચ એન્જિન છે. એને ChatGPT અને ગૂગલ ક્રોમનું મિશ્રણ કહી શકાય છે. આ યુઝરને લિંક નથી આપતું, પરંતુ સીધો સવાલનો જવાબ અને એ પણ સોર્સની સાથે આપે છે. Perplexity એક ચેટબોટની જેમ કામ કરે છે. Perplexity AIને કોઈ પણ સવાલ પૂછી શકાય છે અને એ તરત જવાબ આપશે. આ ગૂગલ અને બિંગની APIsનો ઉપયોગ કરીને લેટેસ્ટ સમાચાર, સ્પોર્ટ્સ સ્કોર અને નવી અપડેટ્સ પણ જણાવે છે. આથી એને AI ચેટબોટ અને સર્ચ ટૂલ બન્ને કહી શકાય છે. ગૂગલ વેબસાઇટની લિસ્ટ આપે છે ત્યારે Perplexity AI દરેક વેબસાઇટને વાંચીને જવાબ આપે છે.

