| AI Image |
Human Ashes in Space: ઘણાં લોકો તેમના સ્વજનોના મૃત્યુ બાદ તેમની અસ્થિને નદીમાં પધરાવે છે. ઘણાં લોકો ગંગા નદીમાં આ અસ્થિને પધરાવે છે. એવું ઘણી વાર થાય છે કે જે વ્યક્તિ જઈ નથી શકતી તેઓ અન્ય સેવાનો ઉપયોગ કરીને આ અસ્થિને ગંગામાં પધરાવે છે અને એ માટે પૈસા ચૂકવે છે. જોકે આ જ રીતે હવે એક નવી સ્ટાર્ટ-અપ કંપની સેવા શરૂ કરી છે. જોકે આ કંપની ગંગા નદીમાં નહીં પરંતુ સ્પેસમાં અસ્થિઓ મોકલશે. સ્મૃતિ સેવાઓમાં નવી દિશા આપતું સ્ટાર્ટ-અપ સ્પેસ બિયૉન્ડ માનવીના અસ્થિઓને અવકાશમાં મોકલવાની અનોખી સેવા શરૂ કરી રહ્યું છે. રાયન મિચેલ દ્વારા સ્થાપિત આ કંપનીએ “Ashes to Space” કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં પ્રતિ વ્યક્તિ માત્ર $249 એટલે કે અંદાજે 23000 રૂપિયાના ખર્ચે અસ્થિઓને અવકાશમાં મોકલવાની તક મળશે.
સસ્તી અને નવીન સેવા
અન્ય કંપનીઓએ આવી સેવા ખૂબ જ મોંઘા દરે આપી છે, પરંતુ સ્પેસ બિયૉન્ડ ખર્ચ બચાવતી રાઇડ-શેર પદ્ધતિ અપનાવી રહી છે. નાના ક્યુબસેટ તૈયાર કરીને એને સ્પેસમાં મોકલવામાં આવશે. આ દ્વારા ખર્ચ પણ ઘટાડવામાં આવશે. પહેલી વાર આ અસ્થિઓને ઑક્ટોબર 2027માં SpaceX Falcon 9 રાઇડ-શેર મિશન દ્વારા મોકલવામાં આવશે. આ મિશન Arrow Science & Technology સાથેના કરાર હેઠળ કરવામાં આવી રહ્યું છે.
અસ્થિઓના વજનને લઈને મર્યાદા
દરેક ક્યુબસેટમાં પ્રતિ વ્યક્તિ માત્ર એક ગ્રામ અસ્થિઓ જ રાખી શકાશે. આથી 1,000 લોકોના અસ્થિઓ માટે જગ્યા પૂરતી રહેશે અને લોન્ચ કરનાર કંપનીઓ દ્વારા વજનને લઈને જે નિયમો છે એનું પણ પાલન થશે. આ ક્યુબસેટ લગભગ પાંચ વર્ષ સુધી પૃથ્વીની કક્ષામાં ફરશે અને પછી વાતાવરણમાં બળી જશે – જે આ સ્મૃતિ સેવાને પ્રતીકાત્મક અંત આપશે.
આ પણ વાંચો: ચંદ્ર પર કુદરતી ચમત્કાર: કાર્બન નેનોટ્યૂબની ઐતિહાસિક શોધ, સ્પેસ માઇનિંગ શક્ય
ટ્રેકિંગની સુવિધા
અસ્થિઓને અવકાશમાં સીધા ફેલાવવામાં નહીં આવે, કારણ કે તે અન્ય અવકાશયાનો માટે જોખમરૂપ બની શકે. આ ક્યુબસેટને sun-synchronous orbitમાં મૂકવામાં આવશે, જેથી તે પૃથ્વીના દરેક ભાગ પરથી પસાર થાય. ગ્રાહકો આ ક્યુબનું સ્થાન ટ્રેક કરી શકશે અને પોતાના પ્રિયજનની સ્મૃતિ સાથે જોડાઈ શકશે.


