| AI Image |
Rare Material on Moon: ચીનના ચાંગ-ઇ 6 મિશન દ્વારા ચંદ્રના એક ભાગમાં જમીનના સેમ્પલ મેળવ્યા હતા. આ એક એવી જગ્યા છે જેને પૃથ્વી પરથી નથી જોઈ શકાતી. આ સેમ્પલમાંથી વિજ્ઞાનીઓને એ મળ્યું જે જાણીને વિજ્ઞાનની દુનિયામાં ઉથલ-પાથલ થઈ ગઈ છે. રિસર્ચર્સને ચંદ્રની જમીનના સેમ્પલમાંથી ખૂબ જ નાના કાર્બન નેનોટ્યૂબ મળ્યા છે. આ પહેલી વાર થયું છે જેમાં એડ્વાન્સ મટિરિયલ અંતરિક્ષમાં કુદરતી રીતે મેળવવામાં આવ્યું છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે કાર્બન નેનોટ્યૂબ ફક્ત લેબમાં જ બનાવવામાં આવતું હતું. એને બનાવવા માટે ખૂબ જ કન્ટ્રોલ વાળું વાતાવરણ અને ચોક્કસ મશીનની જરૂર પડે છે. જોકે ચંદ્રની ખાડા-ટેકરા વાળી જમીન પર એનું મળવું એક ચમત્કાર છે. આ શોધથી એ વાત પર મહોર લાગી છે કે ચંદ્ર ક્યારેય એક નિર્જીવ પથ્થર સમાન નહોતું. ત્યાં હજારો વર્ષથી એક ખૂબ જ રચનાત્મક રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે. આ શોધથી ચંદ્ર પર જીવન વિતાવવું ભવિષ્યમાં શક્ય બની શકે છે.
ચંદ્ર પર છુપાયેલી છે એડ્વાન્સ એન્જિનિયરિંગ?
વિજ્ઞાનીઓ દ્વારા જ્યારે આ સેમ્પલને લેટેસ્ટ માઇક્રોસ્કોપમાં તપાસ્યું ત્યારે તેઓ એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને ત્યાં ગ્રેફાઇટ જેવા કાર્બનના ટ્યૂબ જેવા આકારનું એક સમૂહ જોવા મળ્યું હતું. આ નેનોટ્યૂબ એટલાં પાતળા છે કે એની દિવાલ ફક્ત એક પરમાણુ જેટલી જાડી છે. ધરતી પર આ પ્રકારના નેનોટ્યૂબ બનાવવા માટે વિજ્ઞાનીઓ વર્ષોથી રિસર્ચ કરી રહ્યાં છે. એનો ઉપયોગ મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ અને હાઇ-ટેક બેટરી બનાવવા માટે કરવામાં આવે છે. વિજ્ઞાનીઓ દ્વારા સાફ રૂપે કહી દેવામાં આવ્યું છે કે આ કોઈ પ્રદૂષણ કે ગંદકીને કારણે નથી. આ ચંદ્રની પોતાની જમીનનો એક ભાગ છે.
કાર્બન નેનોટ્યૂબ શું છે અને એટલું મહત્ત્વનું કેમ છે?
કાર્બન નેનોટ્યૂબ તેમની મજબૂતી અને એમાંથી વિજળી જેટલી ઝડપથી પ્રવાહ કરી શકે છે એના માટે જાણીતું છે. એ સ્ટીલ કરતાં કેટલાય ઘણાં વધુ મજબૂત અને તાંબા કરતાં વધુ સારી રીતે વિજળીનો પ્રવાહ કરી શકે છે. ચંદ્ર પર આ મળવાથી વિજ્ઞાનીઓને એ લાગી રહ્યું છે કે ત્યાંના વાતાવરણમાં ચોક્કસ કઈ ખાસ ઘટના ઘટી રહી છે. સામાન્ય રીતે સ્પેસમાં મળનાર કાર્બન ઉલ્કા અથવા તો ધૂમકેતુઓમાંથી આવે છે. જોકે આ કાર્બન સંપૂર્ણ રીતે ખૂબ જ વ્યવસ્થિત આકારમાં મળી આવ્યો છે. જિલિન યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા તેમના રિપોર્ટમાં આ ઘટનાને એક ઐતિહાસિક ખોજ કહેવામાં આવી છે. તેમણે કહ્યું છે કે આ મટિરિયલ કોઈ અનિયંત્રિત પ્રક્રિયાને કારણે નહીં પરંતુ ચોક્કસ કેમિસ્ટ્રીથી બન્યું છે અને સ્પેસમાં એની શોધ કરવી રહી.
કોઈ પણ લેબ વગર ચંદ્ર પર આ કેવી રીતે શક્ય બન્યું?
ઘણાં લોકોને એ પ્રશ્ન થતો હશે કે ચંદ્ર પર કોઈ ફેક્ટરી અથવા તો લેબોરેટરી નથી તો આ કેવી રીતે શક્ય બન્યું? આ વિશે વિજ્ઞાનીઓની એક થિયરી છે. તેમનું માનવું છે કે નાની-નાની ઉલ્કાઓની ટક્કરથી ત્યાં ખૂબ જ ઊર્જા ઉત્પન્ન થઈ હોઈ શકે. ચંદ્રની જમીનમાં લોખંડ છે અને એ એક કેટેલિસ્ટ તરીકે કામ કર્યું હશે. હજારો વર્ષો પહેલાં ચંદ્ર પર જ્વાળામુખી પણ સક્રિય હતા. જ્વાળામુખીની ગરમી અને સૂર્યમાંથી આવતી હવાને કારણે આ રાસાયણિક પ્રક્રિયા થઈ હોવાનું માનવામાં આવે છે. આ તમામ પરિસ્થિતિને કારણે કાર્બન પરમાણુઓ નેનોટ્યૂબમાં પરિવર્તિત થયા હોઈ શકે. આ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ એક લેબોરેટરીમાં કરવામાં આવી હોય એવી થઈ છે.
ભવિષ્યની ટેક્નોલોજીમાં બદલાવ આવશે?
આ શોધને કારણે ચંદ્રના ભૂતકાળ વિશે પણ માહિતી મળવાની સાથે ભવિષ્યની ઘણી સંભાવનાઓ પણ ખૂલી છે. વિજ્ઞાનીઓને લાગે છે કે નવી વસ્તુઓ બનાવવા માટે હવે લેબોરેટરી હોવી જરૂરી નથી. ચંદ્રની કુદરતી પ્રતિક્રિયાથી પ્રેરિત થઈને હવે નવા મટિરિયલ ડિઝાઇન કરી શકાશે. એના દ્વારા ચંદ્ર પર ઘર અથવા તો નવા સાધનો બનાવવાની શોધ પણ કરી શકાશે. આ શોધથી એ વાત નક્કી છે કે સ્પેસમાં એવી ઘણી બાબતો છે જે આપણને અસંભવ લાગતી હોય, પરંતુ વાસ્તવમાં એ હોય.
કાર્બન નેનોટ્યૂબની શોધ કેવી રીતે થઈ?
કાર્બન નેનોટ્યૂબ સૌથી પહેલી વાર 1990ના દાયકામાં શોધવામાં આવ્યો હતો. જાપાનીઝ ફિઝિસિસ્ટ સુમિયો ઇજિમા દ્વારા હાઇ-ટેમ્પરેચરમાં કાર્બન સૂટ પ્રોડ્યુસ કેવી રીતે થાય એના પર એક્સપેરિમેન્ટ કરી રહ્યાં હતાં. એ સમયે તેમને આ કાર્બન નેનોટ્યૂબ જોવા મળ્યા હતા. ત્યાર બાદ વિજ્ઞાનીઓ દ્વારા મલ્ટીવોલ્ડ અને સિંગલ વોલ્ડ કાર્બન નેનોટ્યૂબ કેવી રીતે બનાવવા એ શોધવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: મસ્કનો દાવો: વૃદ્ધાવસ્થા પાછી ફેરવવી શક્ય, લાંબા આયુષ્યને કારણે સમાજમાં બદલાવ અટકશે
શું સ્પેસ માઇનિંગની શરૂઆત થશે?
આ શોધથી એ વાતની જાણકારી મળી છે કે સ્પેસમાં ખાસ કરીને ચંદ્ર પર એડ્વાન્સ મટિરિયલ છે. જો સ્પેસના કાર્બન નેનોટ્યૂબનો ઉપયોગ કરી શકાય તો પૃથ્વી પર જે ભારે માલ-સામાન છે એને લઈ જવાની અને એમાંથી એ બનાવવાની જરૂર નહીં પડે. એને ઇન-સીટૂ રિસોર્સ યુટિલાઇઝેશન કહેવામાં આવે છે. જો ચંદ્ર પરથી સીધું આ મટિરિયલ પૃથ્વી પર લાવવામાં આવ્યું તો સ્પેસ માઇનિંગ શરૂ થઈ જશે અને દરેક દેશ એ પાછળ મંડી પડશે. ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ પર એ શરૂ થઈ શકે છે.


