ઓઝોનનું ગાબડું પૂરાઈ રહ્યું છે: 2066 સુધીમાં એ પહેલાં જેવું થઈ જતાં ભવિષ્યની જનરેશનને શું ફાયદો થશે?, જાણો વિગત...
Ozone Layer Is Healing: દુનિયાભરના લોકો માટે એક સારા સમાચાર છે કે ઓઝોનના સ્તરમાં જે ગાબડું પડ્યું હતું એ ધીમે-ધીમે હવે પૂરાઈ રહ્યું છે. 16 સપ્ટેમ્બરને ઓઝોન ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસને એટલાં માટે સેલિબ્રેટ કરવામાં આવે છે કે એના દ્વારા આપણે ઓઝોન સ્તરની જાળવણી અંગે જાગરૂક્તા ફેલાવી શકાય. આ ઓઝોન મનુષ્યને ઘણી બાબતોથી સુરક્ષિત રાખે છે. એમાં ગાબડું પડ્યું હોવાથી પૃથ્વી પર સંકટ હતું, પરંતુ હવે એ ધીમે-ધીમે પૂરાઈ રહ્યું હોવાથી ભવિષ્યની જનરેશન માટે એ ખૂબ જ સારા સમાચાર છે.
શું છે ઓઝોન લેયર?
પૃથ્વીથી લગભગ 15-30 કિલોમીટરની ઊંચાઈએ આવેલું ગેસનું એક શિલ્ડ છે. એ ઓઝોન મોલેક્યુલ્સ (O₃)નું બનેલું હોવાથી એને ઓઝોન લેયર કહેવામાં આવે છે. એક રીતે જોવા જઈએ તો આ ઓઝોન લેયર પૃથ્વીના સનસ્ક્રીન તરીકે કામ કરે છે. ગરમીથી બચવા માટે જે રીતે મનુષ્ય સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે એ જ રીતે આ ઓઝોન પણ પૃથ્વીને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણ સામે રક્ષણ આપે છે. આ ઓઝોન લેયર ન હોય તો લોકોમાં સ્કિન કેન્સર અને આંખને નુકસાન થવાના દરમાં ખૂબ જ વધારો જોવા મળે છે. આ સાથે જ અનાજના પાક પણ ખૂબ જ ઓછા આવતા હોવાથી ફૂડના પ્રોડક્શન પર અસર પડે છે. પાણીની અંદરના જીવનને પણ ખૂબ જ નુકસાન થાય છે અને એને કારણે દરિયાઈ ફૂડ ચેન પર પણ અસર પડે છે.
ઓઝોનનું ગાબડું કેવી રીતે પડ્યું હતું?
1980ના દાયકામાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું હતું કે ક્લોરોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ કરવાથી ઓઝોનના મોલેક્યુલ્સ નાશ થઈ રહ્યા હતા. આ કેમિકલનો ઉપયોગ જૂના ફ્રીઝ, એર કન્ડિશનર અને સ્પ્રે કેન્સમાં કરવામાં આવતો હતો. આ કેમિકલના ઉપયોગને કારણે એન્ટાર્કટિકાની ઉપર ઓઝોનના લેયરમાં ગાબડું પડ્યું હતું. આ સાથે જ દુનિયાના અન્ય ભાગમાં પણ આ લેયર પાતળું થઈ રહ્યું હતું.
કેવી રીતે આ ગાબડું નાનું થઈ રહ્યું છે?
વિજ્ઞાનીઓએ ઓઝોનના સ્તરમાં ગાબડું પડવાનું કારણ શોધી કાઢ્યા બાદ આ ગાબડું પૂરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી. 1987માં મોન્ટ્રિયલ પ્રોટોકોલને લોન્ચ કરવામાં આવ્યો હતો. દુનિયાના મોટાભાગના દેશ દ્વારા આ પ્રોટોકોલને સાઇન કરવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે ઓઝોનના સ્તરને નુકસાન કરતાં એક પણ કેમિકલનો ઉપયોગ નહીં કરવો. ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ 99 ટકા કેમિકલ જે ઓઝોનના લેયરને નુકસાન કરતાં હતાં એને બંધ કરી દેવામાં આવ્યાં છે. આથી આટલા વર્ષ બાદ આ ઓઝોનના લેયરમાં જે ગાબડું પડ્યું હતું એ ધીમે-ધીમે નાનું થઈ રહ્યું છે. તેમ જ દુનિયાના અન્ય જગ્યાએ પણ જ્યાં આ સ્તર પાતળું થઈ ગયું હતું એ ફરી સાજું થઈ રહ્યું છે. 2040 સુધીમાં દુનિયાના દરેક વિસ્તારમાં જ્યાં આ સ્તર પાતળું થઈ ગયું હતું એ પહેલાં જેવું થઈ જશે. તેમજ 2066 સુધીમાં એન્ટાર્કટિકામાં જે ઓઝોનનું ગાબડું પડ્યું છે એ પણ પૂરાઈ જશે. જોકે આ માટે અત્યારે જે પણ પોલિસી અને કાયદાઓ બનાવવામાં આવ્યાં છે એનો અમલ થવો જરૂરી છે. તેમ જ અન્ય કાયદાઓ પણ બનાવવા જરૂરી બનશે.
ઓઝોનનું ગાબડું ભરાઈ રહ્યું છે એનો ભવિષ્યની જનરેશનને કેવી રીતે લાભ થશે?
ઓઝોનનું પાતળું લેયર ખૂબ જ ખતરનાક છે, પરંતુ એને રિપેર કરવામાં આવતાં એના લાભ પણ એટલાં જ છે. સૌથી પહેલાં મનુષ્યની હેલ્થ પર ખૂબ જ સારી અસર પડશે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણ ઓછા હોવાથી સ્કિન કેન્સર ઓછા થશે અને આંખોને પણ ઓછું નુકસાન થશે. દુનિયાભરના લોકોની ઇમ્યુન સિસ્ટમ વધુ સારી બનશે. ફૂડ પ્રોડક્શન પણ વધુ થશે અને અલ્ટ્રાવાયોલેટ કિરણ પાક પર ન પડવાથી એની ગુણવત્તા પણ સારી રહેશે. દરિયાની અંદરનું જીવન પણ ખૂબ જ સારું જોવા મળશે. આ તમામ બાબતો સારી હોવાથી ભવિષ્યની જનરેશનને એનો ખૂબ જ લાભ થશે. તેમનું શારિરિક સ્વાસ્થ્ય અત્યાર કરતાં ખૂબ જ સારું હશે.
ક્લાઈમેટ ચેન્જ સામે રક્ષણ ઓઝોનના સ્તરનું રક્ષણ કરવાથી વનસ્પતિમાં પણ એની અસર જોવા મળશે. એનાથી વનસ્પતિ વધુ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે અને વધુ ઓક્સિજન હવામાં છોડશે. તેમ જ ગ્લોબલ વોર્મિંગની ગતિમાં પણ ઘટાડો થશે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ જો ન હોત તો પૃથ્વી આજે 0.85 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હોત.
ઓઝોનની સક્સેસ સ્ટોરી
ઓઝોનના સ્તરને પ્રોટેક્ટ કરવામાં આવતાં એનું ગાબડું હવે ધીમે-ધીમે પૂરાઈ રહ્યું છે. આ એક સફળતા છે. આના પરથી શીખવા મળે છે કે પર્યાવરણમાં ઘણી સમસ્યા છે, પરંતુ એનું નિરાકરણ લાવી શકાય છે. આથી હવે ગ્લોબલ વોર્મિંગ સામે પણ આપણે લડત ચલાવી શકીએ છીએ. આ માટે સાયન્સ આધારિત પોલિસી હોવી ખૂબ જ જરૂરી છે.