સ્માર્ટ ગ્લાસ હવે ચશ્મા નહીં, ભવિષ્યનો મોબાઇલ: શું સ્માર્ટ ગ્લાસ લેશે સ્માર્ટફોનની જગ્યાં?
Meta Ray-Ban Display: માર્ક ઝકરબર્ગ દ્વારા હાલમાં જ મેટા રે-બેન સ્માર્ટ ગ્લાસ લોન્ચ કરવામાં આવ્યાં છે. આ સેકન્ડ જનરેશન સ્માર્ટ વોચ લોન્ચ થતાની સાથે જ એક અલગ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે સ્માર્ટફોનની જગ્યા સ્માર્ટવોચ લઈ લેશે. આ સ્માર્ટ ગ્લાસ હવે સ્માર્ટફોનની જેમ ઘણું કામ કરી શકે છે. એથી ભવિષ્યમાં એ મોબાઇલની જગ્યા લે તો પણ નવાઈ નહીં. માર્ક ઝકરબર્ગ દ્વારા આ સ્માર્ટ ગ્લાસના લોન્ચ દરમિયાન લાઇવ ડેમો દેખાડી એની ક્ષમતાનો પરચો પણ આપ્યો હતો. માર્ક ઝકરબર્ગે એ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં જેમની પાસે સ્માર્ટ ગ્લાસ નહીં હોય તેઓ લાઇફમાં ખૂબ જ પાછળ રહી જશે. આ તેની એક માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ કહી શકાય, પરંતુ થોડા ઘણાં અંશે એ વાત ચાલી પણ છે કે સ્માર્ટ ગ્લાસ હવે ભવિષ્ય છે.
મેટા કનેક્ટ 2025 ઇવેન્ટમાં માર્ક ઝકરબર્ગ દ્વારા મેટા રે-બેન ડિસ્પ્લે લોન્ચ કર્યું હતું. અત્યારના મેટા રે-બેન ગ્લાસ કરતાં એ થોડું અલગ છે. એમાં એક ઇન-બિલ્ટ સ્ક્રીન છે જેની મદદથી એમાં વીડિયો પણ જોઈ શકાય છે. તેમ જ વીડિયો કોલની સાથે નેવિગેશન પણ જોઈ શકાશે. એને ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસ કહેવામાં આવે છે.
મેટા દ્વારા થોડા સમય પહેલાં ઓરિયન ગ્લાસિસ પણ લોન્ચ કર્યા હતા. સ્નેપચેટના ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસની સામે એને લોન્ચ કરવામાં આવ્યાં હતાં. જોકે હજી સુધી એને વેચાણ માટે મૂકવામાં નથી આવ્યાં. કંપની હાલમાં એના પર ખૂબ જ જોરશોરમાં કામ કરી રહી છે. આગામી થોડા સમયમાં એને માર્કેટમાં રજૂ કરવામાં આવી શકે છે. આ ચશ્મા આવતા એની સીધી અસર એપલ વિઝન પ્રો પર પડશે. એપલ વિઝન પ્રો ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપે છે, પરંતુ તે ખૂબ જ મોટું છે અને લાંબા સમય સુધી પહેરી નથી શકાતું. એની સામે મેટા રે-બેનને સામાન્ય ચશ્માની જેમ પહેરી શકાય છે.
સ્માર્ટ ગ્લાસનું માર્કેટ કેવું છે?
હાલમાં માર્કેટમાં જેટલાં પણ સ્માર્ટ ગ્લાસ છે એમાં સ્પીકર્સ, માઇક્રોફોન અને કેમેરા આપવામાં આવ્યાં છે. જોકે એમાં ડિસ્પ્લે નથી. થોડા સમય પહેલાં જ Halliday Glasses પણ લોન્ચ કરવામાં આવ્યાં છે. એમાં એક વિઉ ફાઇન્ડર આપવામાં આવ્યું છે, જેમાં એક ગ્લાસમાં સ્ક્રીન જોઈ શકાય છે. જોકે મેટા રે-બેન ડિસ્પ્લેમાં ગ્લાસ પર જ સ્ક્રીન આપી દેવામાં આવી છે.
ઘણાં યુઝર્સને એવું લાગી રહ્યું હશે કે ચશ્માના ગ્લાસ પર ડિસ્પ્લે આવી રહી હોવાથી જોવામાં તકલીફ પડી શકે છે. તેમ જ કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યું હોય અને સામે જોઈ રહ્યું હોય અને અચાનક ડિસ્પ્લે આવી જશે તો તેને દેખાતું બંધ થઈ જશે.
જોકે એવું કંઈ નહીં થાય. આ ગ્લાસ અને ડિસ્પ્લેને કારણે કોઈ પણ વ્યક્તિનું વિઝન બ્લોક નહીં થાય. આ ચશ્મામાં યુઝરને એવું લાગશે કે ડિસ્પ્લેને પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. એટલે કે યુઝરને સ્ક્રીન તેનાથી દૂર હોય એવી દેખાશે.
સ્માર્ટફોનની જગ્યા લેશે સ્માર્ટ ગ્લાસ?
સ્માર્ટ ગ્લાસની એક ખાસિયત એ છે કે એને લાંબા સમય માટે પહેરી શકાય છે. મેટા ક્વેસ્ટ અને એપલ વિઝન પ્રો જેવા ઓગમેન્ટેડ રિયાલિટી હેડસેટ લાંબો સમય માટે પહેરી નથી શકાતું. મેટા અથવા તો અન્ય કોઈ પણ કંપની એપલ વિઝન પ્રોમાં જે પણ ફીચર્સ છે એ તમામને સ્માર્ટ ગ્લાસમાં સમાવેશ કરી શકે તો એ સૌથી મોટી સિદ્ધિ ગણાશે. આગામી થોડા વર્ષ સુધી તો સ્માર્ટફોનની જગ્યા લઈ શકે એવી કોઈ ડિવાઇસ આવે એવું લાગી નથી રહ્યું. જોકે સ્માર્ટ ગ્લાસમાં એ ક્ષમતા જરૂર છે કે તે સ્માર્ટફોનની જગ્યા મહદઅંશે લઈ શકે છે. હાલમાં એપલના ભૂતપૂર્વ ચીફ ડિઝાઇનર અને ચેટજીપીટીના સેમ ઓલ્ટમેન એક AI ડિવાઇસ પર કામ કરી રહ્યાં છે. હવે એ જોવું રહ્યું કે એ ડિવાઇસ શું છે અને સ્માર્ટફોનની જગ્યા લઈ શકે કે નહીં?
મેટા રે-બેન ડિસ્પ્લે સ્માર્ટ ગ્લાસમાં શું ખાસિયત છે?
મેટા રે-બેનના પહેલાં જનરેશન સ્માર્ટ ગ્લાસમાં યુઝર્સ બોલીને કમાન્ડ આપી શકતા હતા. જોકે આ સેકન્ડ જનરેશન સ્માર્ટ ગ્લાસમાં યુઝર્સ હવે જોઈ શકશે અને ઇશારા દ્વારા કમાન્ડ આપી શકશે. આ સ્માર્ટ ગ્લાસ પહેર્યા બાદ એવું લાગશે કે આંખથી થોડી પૂટ દૂર જ એક ડિસ્પ્લે છે. તેમ જ આ ડિસ્પ્લે યુઝર્સનું વિઝન પણ બ્લોક નહીં કરે. આ સાથે જ ડિસ્પ્લેને બંધ પણ કરી શકાશે અને એક સામાન્ય ચશ્માની જેમ પણ એનો ઉપયોગ કરી શકાશે.
આ ચશ્માની ખાસિયત એ છે કે યુઝર્સ એમાં એક સ્ક્રીન જોઈ શકશે. એની ઇચ્છા મુજબ એને ચાલુ-બંધ કરી શકશે એ વાત અલગ, પરંતુ આ ડિસ્પ્લેને યુઝર્સ સિવાય અન્ય કોઈ જોઈ પણ નહીં શકે. મોબાઇલમાં જે રીતે રીલ્સ જોઈ શકાય છે એ રીતે એમાં પણ જોઈ શકાશે. તેમ જ રીલ્સને જે રીતે સ્વાઇપ કરીને બદલી શકાય એ જ રીતે ચશ્મામાં પણ બદલી શકાશે. આ ચશ્માની ઓડિયો ક્વોલિટી પણ સારી છે અને એ અવાજ બાજુમાં બેસેલી વ્યક્તિને પણ નહીં સંભળાય. વીડિયો કોલિંગની સાથે મેસેજિંગ અને મ્યુઝિકને પણ કન્ટ્રોલ કરી શકાશે.
આ પણ વાંચો: જાપાનીઝ વિદ્યાર્થીએ બનાવ્યું ‘એન્ટી-ચીટિંગ’ બ્રા: ફિંગરપ્રિન્ટ વગર નહીં ખૂલે
મેટા રે-બેન ડિસ્પ્લે સાથે એક ન્યુરલ રિસ્ટબેન્ડ આવશે. એનાથી હાથના ઇશારા વડે ચશ્માને ઓપરેટ અને એક્સેસ કરી શકાશે. આ ચશ્મામાં મેપ્સ પણ રિયલ-ટાઇમ ચાલશે એથી મોબાઇલમાં જોવાની જરૂર નહીં રહે. આ પ્રકારના એમાં ઘણાં ફીચર્સ છે જેમ કે તમામ નોટિફિકેશન પણ એમાં જોઈ શકાશે. આ ડિવાઇસ હજી સંપૂર્ણપણે મોબાઇલની જગ્યા નહીં લઈ શકે, પરંતુ એ દિવસ દૂર નથી કે એ લઈ લેશે.