ભારતમાં ડેટા સેન્ટરનો પ્લાન મોકૂફ, Open AI 500 બિલિયન ડૉલરનો સ્ટારગેટ પ્રોજેક્ટ અમેરિકામાં જ કરશે
OpenAI to Build Data Center in US: થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે OpenAI ભારતમાં સ્ટારગેટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ માટે રિલાયન્સ સાથે પણ ચર્ચા વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા બહાર આવી હતી કે જામનગરમાં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે. જોકે હવે OpenAI દ્વારા અમેરિકામાં જ સ્ટારગેટ પ્રોજેક્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પાંચ ડેટા સેન્ટર બનાવવામાં આવશે. એમાં ઓરેકલ અને સોફ્ટબૅંક સાથે મળીને પાર્ટનરશિપ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં સ્ટારગેટની કેપેસિટી વધીને 7GW થઈ જશે. એટલામાં 50 લાખ ઘરને વીજળી પૂરી પાડી શકાય છે.
નવા ડેટા સેન્ટરની જાહેરાત
OpenAI આ પાંચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેટા સેન્ટરને અમેરિકામાં બનાવી રહ્યું છે. એમાંથી ત્રણ ઓરેકલ સાથે મળીને અને બે સોફ્ટબૅંક સાથે મળીને બનાવવામાં આવી રહ્યા છે. ઓરેકલના ડેટા સેન્ટર ટેક્સાસની શેકલફોર્ડ કાઉન્ટી, ન્યુ મેક્સિકોની ડોના એના કાઉન્ટી અને ત્રીજું લોકેશન મિડવેસ્ટમાં છે જે હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. સોફ્ટબૅંક સાથેના ડેટા સેન્ટરને ઓહાયોના લોર્ડ્સટાઉન અને ટેક્સાસના મિલામ કાઉન્ટીમાં બનાવવામાં આવશે. ટેક્સાસ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો હતો કે તેઓ હવે વધુ ડેટા સેન્ટરને બનાવવા માટે પરવાનગી નહીં આપે. જોકે અમેરિકાની સરકાર દ્વારા એમાં મદદ કરવામાં આવી હોય એવું બની શકે છે. એ શક્ય છે કે અમેરિકાના દબાવને કારણે આ પ્રોજેક્ટને અમેરિકામાં શિફ્ટ કરવામાં આવ્યો હોઈ શકે.
OpenAI ખૂબ જ મોટા લેવલ પર બનાવી રહ્યું છે ડેટા સેન્ટર
OpenAI તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ વધારો કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે સ્ટારગેટ AI ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. નવા AI મોડલને ટ્રેન કરવા માટે કંપની હવે ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. OpenAI દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેમના ડેટા સેન્ટર માટે જે AI પ્રોસેસર જોઈએ છે એ માટે તેમને NVIDIA પાસેથી 100 બિલિયન અમેરિકન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. એટલે કે એટલા ઇન્વેસ્ટમેન્ટની ચિપ કંપની પ્રોવાઇડ કરશે. એનાથી OpenAIના ડેટા સેન્ટર અને સર્વિસમાં ખૂબ જ નોંધપાત્ર વધારો અને સુધારો જોવા મળશે.
દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર
દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ગુજરાતના જામનગરમાં બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી હતી. જોકે હવે એને ટેક્સાસમાં બનાવવામાં આવશે. એક વાર આ બની ગયા બાદ એ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું ડેટા સેન્ટર હશે. આ ડેટા સેન્ટરમાં લાખો AI કોમ્પ્યુટર ચિપ્સનું નેટવર્ક જોવા મળશે. આ માટેની બિલ્ડિંગને H શેપમાં બનાવવામાં આવશે. દરેક સર્વર રેક પર ટોટલ 72 NVIDIA GB200ની ચિપ જોવા મળશે. AI વર્કલોડને સારી રીતે પહોંચી વળવા માટે આ ચિપને ડિઝાઇન કરવામાં આવી છે.
પાણીના ઉપયોગને લઈને ચિંતા
ટેક્સાસમાં પાણીના ઉપયોગને લઈને ખૂબ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલાં વીજળીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પાણીને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ડેટા સેન્ટરને કારણે રોજગારી વધી શકે છે એની શક્યતા છે, પરંતુ એ સામે એટલી જ મુશ્કેલીઓનો સામનો પણ કરવામાં આવી શકે છે.