₹27000 કરોડના ખર્ચે ‘બોડીગાર્ડ’ સેટેલાઇટ્સ બનાવશે ભારત: અથડામણથી બચ્યા બાદ સ્પેસમાં સુરક્ષા વધારશે...
AI Image |
India To Make Bodyguard Satellites: ભારત દ્વારા હવે ‘બોડીગાર્ડ’ સેટેલાઇટ્સ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્પેસમાં દેશની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને હવે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતની અને તેના પાડોશી દેશની સેટેલાઇટ્સ વચ્ચે અથડામણ થતાં બચી ગઈ ત્યાર બાદ હવે સિક્યોરિટી વધારવાની તૈયારી ચાલી રહી છે. આથી ‘બોડીગાર્ડ’ સેટેલાઇટ્સ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં ઓરબિટમાં સિક્યોરિટી વધારવા માટે 3 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 27000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એમાં 50 સર્વેલન્સ સેટેલાઇટ્સ બનાવવામાં આવશે.
2024ના મધ્યમાં સેટેલાઇટ્સ વચ્ચે અથડામણ થતી બચી હતી
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની સેટેલાઇટ પૃથ્વીથી 500-600 કિલોમીટરના અંતરે સ્પેસમાં ઓરબિટ કરે છે. ઇસરોની સેટેલાઇટ્સથી લગભગ એક કિલોમીટરના અંતરે પાડોશી દેશની સેટેલાઇટ્સ આવી ગઈ હતી. 2024ના મધ્યમાં થયેલી આ ઘટનામાં બે સેટેલાઇટ્સ વચ્ચે અથડામણ થતી બચી ગઈ હતી. જોકે પાડોશી દેશની સેટેલાઇટ્સ મિલિટરી એપ્લિકેશન માટે નજીક આવી હતી એવું માનવામાં આવી રહ્યું છે. તેઓ મેપિંગ અને ગ્રાઉન્ડ ઓબ્જેક્ટ્સને મેપિંગ કરી રહ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. અન્ય દેશ દ્વારા તેમનામાં કેટલી શક્તિ છે અથવા તો કેટલા પાવરફુલ છે એ દેખાડવા માટેનું પણ આ કાવતરું હોઈ શકે છે.
પાકિસ્તાન અને ચીન કરતાં ભારતની સેટેલાઇટ્સ ક્ષમતા કેટલી વધુ?
છેલ્લા 70 વર્ષમાં પાકિસ્તાન અને ચીન સાથે ભારતે ઘણા યુદ્ધ લડ્યા છે. બન્ને દેશમાં સ્પેસની ક્ષમતા એકદમ અલગ છે. સેટેલાઇટ્સને ટ્રેક કરતી વેબસાઇટ N2Y0.com અનુસાર ભારત પાસે 100થી વધુ સેટેલાઇટ્સ છે. બીજી તરફ પાકિસ્તાન પાસે ફક્ત આઠ છે. ચીન પાસે 930 સેટેલાઇટ્સ છે. પાકિસ્તાન કરતાં ભારત સ્પેસ ટેક્નોલોજી અને સર્વેલન્સમાં ખૂબ જ આગળ છે, પરંતુ ચીન ભારત કરતાં પણ ખૂબ જ આગળ છે.
![]() |
AI Image |
સ્પેસમાં ચીનથી દુનિયાને ખતરો
ઇન્ડિયા અને અમેરિકા બન્ને દ્વારા ઘણી વાર કહેવામાં આવ્યું છે કે ચીનની લિબરેશન આર્મીને લઈને સ્પેસમાં ખૂબ જ ખતરો છે. ઇન્ડિયાના એર માર્શલ આશુતોષ દિક્ષિતે જૂનમાં કહ્યું હતું કે બેઇજિંગ ખૂબ જ ઝડપથી સેટેલાઇટ્સ પ્રોગ્રામમાં આગળ વધી રહ્યું છે. આ વોર્નિંગ ભારત અને અન્ય દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. ચીન સ્પેસમાં જેટલું આગળ વધશે એટલો દરેક દેશને ખતરો છે.
સેટેલાઇટ્સના પ્રોટેક્શન માટે ભારત સરકારે કરી પાર્ટનરશિપ
ભારત સરકાર હવે સેટેલાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે સ્ટાર્ટઅપ સાથે પાર્ટનરશિપ કરી રહી છે જેથી ખૂબ જ અસરકારક સોલ્યુશન મેળવી શકાય. આ માટે હજી ચર્ચા પહેલાંના ચરણમાં છે, પરંતુ તેમનો પ્લાન લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ સેટેલાઇટ્સ લોન્ચ કરવાનો છે. આ સેટેલાઇટ્સની મદદથી કોઈ પણ જોખમને ખૂબ જ ઝડપથી ઓળખી શકાશે. એની મદદથી પૃથ્વી પર જે પણ ટેક્નિશિયન છે એની પાસે સેટેલાઇટ્સની જગ્યા બદલવા માટે કમાન્ડ આપવા માટે ચોક્કસ સમય મળશે. એ સમય મળવાથી સ્પેસમાં સેફ્ટી મળી રહેશે.