ChatGPT Personalization Settings: OpenAI દ્વારા ચેટજીપીટીનું નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. એનું નામ પર્સનલાઇઝેશન સેટિંગ્સ છે. આ દ્વારા યુઝર્સ ચેટજીપીટી કેવી રીતે વાત કરી શકે એ મૂડને નક્કી કરી શકશે. ચેટજીપીટી કેવા લહેકાથી વાત કરે અને કઈ સ્ટાઇલમાં એ હવે યુઝર્સના હાથમાં કન્ટ્રોલ આપવામાં આવ્યું છે. યુઝર્સ ચેટજીપીટીને સવાલ તો પૂછી શકે છે, પરંતુ એ સવાલનો જવાબ ચેટજીપીટી કેવી રીતે આપે એની પસંદગી પણ હવે યુઝર્સની રહેશે. યુઝર્સ હવે સંપૂર્ણપણે કસ્ટમાઇઝ ઓપ્શનની મજા ઉઠાવી શકે છે અને ચેટજીપીટી સાથે તેની સ્ટાઇલમાં વાતચીત કરી શકે છે.
નવી અપડેટમાં શું છે ખાસ?
OpenAI દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર કરવામાં આવ્યું છે કે યુઝર્સ હવે પોતાની ઇચ્છા અનુસાર ચેટજીપીટીનો લહેકો બદલી શકશે. કંપની દ્વારા પર્સનલાઇઝેશન સેટિંગ્સમાં ચાર વિકલ્પ આપ્યા છે.
• Warmth : ચેટજીપીટી યુઝર્સને પોતાનો માની તેની સાથે કેટલી આત્મિયતાથી વાત કરે એ માટે આ વિકલ્પ પસંદ કરી શકાશે.
• Enthusiasm : આ વિકલ્પ પસંદ કરતાની સાથે ચેટજીપીટી એકદમ ઉત્સાહમાં આવીને યુઝર્સ સાથે વાત કરશે.
• Headers & Lists : યુઝર્સને જવાબ પેરાગ્રાફની રીતે અથવા તો એક લિસ્ટમાં એટલે કે પોઇન્ટ્સ અને હેડિંગની સાથે જોઈએ એ નક્કી કરી શકાશે.
• Emoji : યુઝર્સ જ્યારે વાતચીત કરે ત્યારે ઇમોજીનો ઉપયોગ વધુ થાય કે ઓછો એ હવે યુઝર્સ પોતે નક્કી કરી શકશે.
કેવી રીતે કામ કરશે આ ફીચર?
આ તમામ વિકલ્પને પસંદ કર્યા બાદ એ માટે અન્ય ત્રણ વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં વધુ, ઓછું અને સામાન્ય એ ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. યુઝર ફ્રેન્ડની જેમ વાત કરી રહ્યો હોય તો Warmth અને Enthusiasm બન્નેમાં વધુ માટેનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો પ્રોફેશનલ કામ માટે ઉપયોગ કરી રહ્યો હોય તો ઇમોજી ઓછું અને હેડર્સ અને લિસ્ટને વધુ પસંદ કરી શકે છે. ચેટજીપીટી દ્વારા ગયા મહિને 5.1માં પર્સનાલિટી પ્રીસેટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે હવે આ નવા ફીચર્સને કારણે એને વધુ પર્સનલાઇઝેશન કરી શકાશે.
કેમ જરૂર પડી આ ફીચરની?
યુઝર્સ દ્વારા મળેલા ફીડબેક બાદ ચેટજીપીટી દ્વારા આ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચેટજીપીટી 5.1 ખૂબ જ ઔપચારિકતાથી અને સાવધાની પૂર્વક જવાબ આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ઘણાં યુઝર્સને આ ખૂબ જ કંટાળાજનક લાગતું હતું. આથી તેમની ફરિયાદ અને ફીડબેકને ધ્યાનમાં રાખીને OpenAI દ્વારા નવા ફીચર્સ પર કામ કરવામાં આવ્યું છે, જેથી યુઝર્સના મૂડ અનુસાર ચેટજીપીટી જવાબ આપે.
આ પણ વાંચો: Apple iOS 26.2 રિલીઝથી યુઝર્સમાં ગૂંચવણ, 18.7.3 ક્યાં ગયું?
2026માં લોન્ચ કરવામાં આવશે એડલ્ટ મોડ
OpenAIના સીઇઓ સેમ ઓલ્ટમેન દ્વારા ઓક્ટોબરમાં આ એડલ્ટ મોડનો સમાવેશ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. ઇલોન મસ્કના Grokમાં આ ફીચર પહેલેથી છે. જોકે ચેટજીપીટીમાં પણ એ આવશે એની જાહેરાત કરવામાં આવી હતી. ઉંમર વધુ હોય એટલે કે પુક્તવયના યુઝર્સ આ મોડ દ્વારા ચોક્કસ પ્રકારની વાતો કરી શકશે. કંપની દ્વારા એ વાતની જાણકારી આપવામાં આવી છે કે પર્સનલાઇઝેશન સેટિંગ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ એડલ્ટ મોડ 2026માં લોન્ચ કરવામાં આવશે.


