નવું ચેટજીપીટી એજન્ટ શું છે જે કમ્પ્યુટરને કન્ટ્રોલ કરી શકે છે?, જાણો અન્ય મોડલથી કેમ અલગ છે...
ChatGPT Launch Agent Which Think And Act: OpenAI દ્વારા નવું ચેટજીપીટી એજન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ચેટજીપીટીના CEO સેમ ઓલ્ટમેનના કહ્યા મુજબ આ ફક્ત એક ચેટબોટ નથી, પરંતુ એક વર્ચ્યુઅલ કમ્પ્યુટર છે જે પોતે વિચાર કરે છે અને એના પર અમલ પણ કરે છે. OpenAIના પ્રો, પ્લસ અને ટીમ પ્લાન ધરાવતાં યુઝર્સ માટે આ એજન્ટ હાલમાં જ રજૂ કરવામાં આવ્યું હતું. આ ચેટજીપીટી એજન્ટ યુઝર્સ માટે કમ્પ્યુટરની જેમ ઘણાં ટાસ્ક કરી શકે છે. આ માટે યુઝરે ચેટજીપીટીમાંથી ડ્રોપડાઉન મોડમાં જઈને એજન્ટ મોડ એક્ટિવેટ કરવાનું રહેશે.
શું છે એજન્ટ મોડ?
OpenAIનું ચેટજીપીટી એજન્ટ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે. આ ચેટબોટ કરતાં પર્સનલ આસિસ્ટન્ટની જેમ કામ કરશે જે યુઝર માટે દરેક પ્રકારના ખાસ કરીને કમ્પ્યુટરની જેમ ટાસ્ક પૂરા કરશે. આ નવું ટૂલ સવાલના જવાબ આપવા કરતાં પોતે વિચાર કરવા પર અને ત્યાર બાદ એના અમલ કરવા પર વધુ ભાર આપે છે. આથી યુઝર માટે કામ વધુ સરળ બનશે. આ ટૂલમાં યુઝર એકદમ સામાન્ય ભાષામાં વાત કરી શકે છે. કંપની દ્વારા તેમના બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સ ‘મારા કેલેન્ડર પર નજર રાખીને મારી આગામી મીટિંગ વિશે જણાવ’ અને ‘ચાર વ્યક્તિ માટે જપાનીઝ બ્રેકફાસ્ટ બનાવવા માટે શું ખરીદવું એનું પ્લાનિંગ’ જેવી વગેરે બાબતો વિશે સરળ ભાષામાં પૂછી શકાશે. ચેટજીપીટી પ્રો યુઝર્સ એક મહિનામાં 400 ક્વેરી કરી શકશે. બીજી તરફ ટીમ અને પ્લસ યુઝર્સ ફક્ત 40 ક્વેરી એક મહિનામાં કરી શકશે. ચેટજીપીટી એન્ટરપ્રાઇઝ અને એજ્યુકેશન માટે આ વર્ષના અંત સુધીમાં એ શરૂ કરવામાં આવશે.
ચેટજીપીટી એજન્ટ પાછળ છે ભારતીયનું દિમાગ
હૈદરાબાદની IIITમાંથી ગ્રેજ્યુએટ થયેલા યશ કુમારે 2023ની નવેમ્બરમાં OpenAI જોઈન કર્યું હતું. ચેટજીપીટી એજન્ટની ટીમને તે લીડ કરી રહ્યો છે. યશ અને ઈસા ફુલફોર્ડ દ્વારા આ સોફ્ટવેરનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. તેમણે એક કપલ માટે ડેટા નાઇટ પ્લાન કરવા માટે કહ્યું હતું. આ સિવાય પણ તેમણે અલગ-અલગ કમાન્ડ આપીને તેમના ચેટજીપીટી એજન્ટની ક્ષમતાને દેખાડી હતી.
OpenAIની અગાઉની સિસ્ટમના આધારે તૈયાર કરવામાં આવ્યું છે ચેટજીપીટી એજન્ટ
ચેટજીપીટી એજન્ટને વેબ બ્રાઉઝર ટૂલ ઓપરેટર અને ડીપ રિસર્ચ તેમજ એનાલિસિસ ટૂલ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તેથી આ એજન્ટ જુદી જુદી વેબસાઇટ પરથી માહિતી મેળવશે અને રિપોર્ટ તૈયાર કરશે. OpenAI મુજબ આ એક એવું ઓપરેટર છે જે એજન્ટ તરીકે કામ કરશે અને યુઝર માટે ટાસ્ક પૂરા કરશે. ચેટજીપીટી એજન્ટના મોડલનું કોઈ નામ નથી. એને મશિન લર્નિંગ ટેક્નિક પરથી બનાવવામાં આવ્યું છે. આ એક સ્ટાન્ડર્ડ ટેક્નિક છે અને OpenAIનું રિઝનીંગ મોડલ એના પર જ કામ કરે છે. OpenAIના કહ્યા મુજબ ચેટજીપીટી એજન્ટનું પર્ફોર્મન્સ એકદમ જોરદાર છે. ઘણી એવી બાબત છે જે ચેટજીપીટી નથી કરી શકતું, પરંતુ એજન્ટ કરી શકે છે. હ્યુમનિટી ટેસ્ટમાં ચેટજીપીટી એજન્ટને 41.6 ટકા મળ્યા હતા. OpenAIના O3 અને O4-mini મોડલ કરતાં આ બમણો સ્કોર છે. મેથેમેટિક્સની સૌથી અઘરી ટેસ્ટમાં ચેટજીપીટી એજન્ટના 27.4 ટકા આવ્યા હતા. એમાં એજન્ટ દ્વારા ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે કોડને એક્સીક્યુટ કરી શકે છે. આ માટે OpenAIની ઓપરેટર અને ડીપ રિસર્ચ બન્ને ટીમ સાથે મળીને કામ કરતી હતી. આ ટીમમાં 20થી 35 વ્યક્તિઓએ કામ કર્યું હતું.
આ કેમ મહત્ત્વનું છે?
આજ સુધી દરેક AI ચેટબોટ યુઝર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબ આપવાનું પસંદ કરતાં હતાં. જોકે હવે OpenAI એક કદમ આગળ વધી રહી છે. તેમણે હવે એજન્ટને પર્સનલ આસિસ્ટન્ટ બનાવ્યું છે. દુનિયાના દરેક દેશ અને દરેક કંપની હવે AIની રેસમાં આગળ વધવા માટે ખૂબ જ કોશિશ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ચીનની ડીપસીકે તેનું AI મોડલ લોન્ચ કરીને દુનિયાને હલાવી નાખી હતી. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા AIની રેસમાં આગળ રહેવા માટે પ્રોજેક્ટ સ્ટારગેટ હેઠળ 500 બિલિયન ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેટજીપીટી એજન્ટ જ્યારે ટાસ્ક કરી રહ્યું હશે ત્યારે વચ્ચેથી પણ યુઝર તેને ઇન્સ્ટ્રક્શન આપી શકશે.
આ વિષયમાં OpenAI દ્વારા બ્લોગમાં કહેવામાં આવ્યું છે, ‘યુઝરે જે ટાસ્ક આપ્યો હશે એને પૂરો કરવા માટે ચેટજીપીટી એજન્ટને કોઈ વધુ માહિતીની જરૂર હશે તો તે પણ અડધેથી એ પૂછે લેશે. જો ટાસ્ક અટકી ગયો હોય અથવા તો સમય વધુ લાગી રહ્યો હોય તો યુઝર એને અટકાવી શકે છે અને પ્રોગ્રેસ સમરી વિશે પૂછી શકે છે. એને અટકાવીને અડધું પરિણામ પણ માગી શકે છે. જો યુઝર મોબાઇલમાં ચેટજીપીટીનો ઉપયોગ કરતું હશે તો ટાસ્ક પૂરો થઈ જતાં યુઝરને નોટિફિકેશન આપીને એ વિશે જણાવી દેવામાં આવશે.’
અન્ય મોડલ કરતાં કરશે ધીમું કામ
ચેટજીપીટી એજન્ટની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલમાં આ મોડલ અન્ય મોડલની સરખામણીએ ઘણું ધીમું કામ કરે છે. આ વિશે ઇસા ફુલફોર્ડ કહે છે, ‘જો આ ચેટજીપીટી દ્વારા પંદર મિનિટ અથવા તો અડધો કલાક પણ લેવામાં આવે તો પણ વ્યક્તિને એ માટે જે સમય લાગે છે એની સરખામણીએ ખૂબ જ ઓછો છે. આ એક એવી વસ્તુ છે જેને તમે કામ કરવા માટે આપીને જતી રહો છો અને ફરી આવીને એ કામ ચેક કરી શકો છો.’
આ વિશે વધુ જણાવતાં ઇસા ફુલફોર્ડ કહે છે, ‘મને શું જોઈએ છે એને લઈને હું ચોક્કસ હતી અને એથી મેં ચેટજીપીટીને કપકેક ઓર્ડર કરવા કહ્યું હતું. એણે ઘણી કપકેક ઓર્ડર કરી હતી. એને અંદાજે એક કલાકનો સમય લાગ્યો હતો. જોકે મારા માટે એ સારી વાત હતી કારણ કે મારે એ ઓર્ડર પોતે નહોતો કરવો.’
દેરક બાબત માટે યુઝરની પરવાનગી લેશે
ઇમેલ સેન્ડ કરવા પહેલાં અને બૂકિંગ કરવા પહેલાં ચેટજીપીટી એજન્ટ યુઝર પાસે પહેલાં પરવાનગી લેશે. આ મોડલમાં ઘણાં પ્રોટેક્શન રાખવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે આ મોડલ બેન્ક ટ્રાન્સફર જેવા હાઇ-રિસ્ક ટાસ્ક નહીં કરે. આ વિશે સેમ ઓલ્ટમેન કહે છે, ‘અમે એમાં ઘણી પ્રોટેક્શન અને વોર્નિંગનો સમાવેશ કર્યો છે. ટ્રેઇનિંગથી લઈને સિસ્ટમને સુરક્ષિત રાખવા સુધીની દરેક બાબત પર અમે ખૂબ જ ધ્યાન આપ્યું છે. ચેટજીપીટી એજન્ટ ઘણાં કામ કરી શકશે, પરંતુ આ માટે અમે યુઝર્સને ઘણી ચેતવણીઓ આપીશું જેથી તેમણે એનો ઉપયોગ કરવો કે નહીં એ તેઓ પોતે નક્કી કરી શકે. અમે યુઝર્સને વિનંતી કરીએ છીએ કે ટાસ્ક પૂરા કરવા માટે ચેટજીપીટી એજન્ટને શક્ય હોય એટલી ઓછી પર્સનલ માહિતી આપવી જેથી પ્રાઇવસી અને સિક્યોરિટીનું રિસ્ક ન રહે.’
આ પણ વાંચો: ટેસ્લા કારનો શોખ હોય તો કાર ખરીદ્યા બાદ પણ ચૂકવવી પડશે મોટી રકમ, જાણો કેમ…
આ વિષયમાં સોશિયલ મીડિયા પર સેમ ઓલ્ટમેને પોસ્ટ કર્યું હતું કે ‘AI સિસ્ટમ માટે એજન્ટ્સમાં ઘણી નવી ક્ષમતાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એનાથી યુઝરના કેટલાક અઘરા ટાસ્ક પણ પૂરા થઈ શકશે. આ માટે એજન્ટ પોતાનાં કમ્પ્યુટરનો ઉપયોગ કરશે. ડીપ રિસર્ચ અને ઓપરેટરનો ઉપયોગ કરીને કામ કરે છે. સાંભળવા કરતાં એનું કામ વધુ સારું છે કારણ કે તે લાંબો સમય વિચારી શકે છે અને ટૂલનો ઉપયોગ કરીને કામ પણ કરી શકે છે.